Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ગુરૂવાર રાત્રે ૧૨ વાગ્યાથી એસટીના ૪૫ હજાર કર્મચારીઓની હડતાલ

અંધાધૂંધીનો ભય : રાજકોટ ડિવીઝનના ૨૩૦૦ સહિત તમામ રજા રીપોર્ટ આપી દિધા : જો સરકાર નિવેડો નહી લાવે તો બેમુદતી હડતાલ ગણાવીના રિપોર્ટ : સૂત્રોચ્ચાર બાદ આજે રાજ્યભરમાં ઘંટનાદ સાથે સૂત્રોચ્ચાર - દેખાવો યોજાયા : રોજનું કરોડોનું નુકસાનનો અંદાજ

રાજકોટ તા. ૫ : એસટીના ત્રણેય યુનિયનોની બનેલી લડત કમિટિએ આપેલી લડત અને હડતાલની નોટીસ અન્વયે આંદોલનાત્મક કાર્યક્રમો તા. ૧ ઓકટોબરથી શરૂ થયા છે. આજે રાજકોટ ડિવીઝન - વર્કશોપ સહિત રાજ્યભરમાં એસટી કર્મચારીઓએ ઘંટનાદ - ઘંટારાવ સાથે સૂત્રોચ્ચાર - દેખાવો યોજયા હતા.

દરમિયાન યુનિયન અગ્રણી શ્રી વેકરીયાએ આજે બપોરે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે રાજકોટ વિભાગીય કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા ઘંટનાદ કરવામાં આવ્યો હતો અને સરકારને જગાડવાનો પ્રમાણિક પ્રયત્ન કરાયો હતો.

તેમણે જણાવેલ કે, નિવેડો નહી આવે તો ૭મીએ રાત્રે ૧૨ વાગ્યાથી રાજકોટના ૨૩૦૦ સહિત રાજ્યના ૪૫ હજાર એસટી કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે, રાજ્યભરમાં ૧૦૦એ ૧૦૦ ટકા રજા રીપોર્ટ મૂકાઇ ગયા છે, અમે રજા રીપોર્ટ એવી રીતે મુકયા છે કે ૧ દિવસની સામૂહિક માસ સીએલ અને સરકાર નિવેડો ન લાવે તો બેમુદતી રજા રીપોર્ટ સીએલ ગણી લેવી.

તેમણે જણાવેલ કે, ફિકસ પગારના કર્મચારીઓ પણ હડતાલમાં જોડાશે, તમામ બસો બંધ થઇ જશે, કુલ ૭ હજારથી વધુ બસના પૈડા થંભી જશે, રાત્રે ૧૨ વાગ્યા જ્યાં બસ હશે ત્યાં ઉભી રાખી દેવાશે, હડતાલને કારણે એસટીને રોજનું કરોડોનું નુકસાન જશે, યુનિયનો દ્વારા અનેક માંગણીઓ અંગે સરકારમાં રજૂઆતો થઇ છે અને લડત ચાલુ કરાઇ છે, આ માંગણીઓ આ મુજબ છે.

ડ્રાઇવર કંડકટરના પગારમાં વિસંગતતા દૂર કરવી. ફિકસ પગારના કર્મચારીને રૂપિયા ૧૯૯૫૦ પગાર આપવો. સાતમા પગાર પંચ મુજબ લાઇન લાઇટ અને ઓલ ટાઈમની રકમ મળવી જોઈએ હજી જુના ચૂકવવામાં આવે છે. કોરોના જેવી મહામારીની સામે આ ભારત દેશની જનતાની સેવા કરતા-કરતા ડ્રાઈવર કંડકટરોના અવસાન થયેલ છે તેઓને કોરોના વોરીયસ જાહેર કરી વીમા કવચ આપવું જોઈએ અને અવસાન પામેલ કર્મચારીના પરિવારને તેની રકમ ચુકવવી જોઈએ.

સફાઈ કર્મચારીઓને મામૂલી વેતનમાં કામ લેવાઈ રહેલ છે તેઓની કલાકમાં વધારો કરી કાયમી કર્મચારી જેવો તેમને લાભ આપવો જોઇએ. મહિલા કર્મચારીઓની મર્યાદાને ધ્યાનમાં લઇ સ્ટાફ રૂમ સંડાશ બાથરૂમ તમામ ડેપો અને યુનિટોમાં તેમની વ્યવસ્થા કરવી જોઈએ. એસટી નિગમ દ્વારા સરકારમાં કરેલ તમામ દરખાસ્તો અંગેનું હકારાત્મક નિર્ણય લઇ અમલવારી કરવી જોઈએ.

તારીખ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ અને તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯ આ બે દિવસની માસ સી.એલ રજા મંજુર કરી તે રકમ કપાત કરી કોરોનાના મહામારીના કાર્યકાળ સમયે અવસાન પામેલ નિગમના કર્મચારીઓના વારસદારોને ચૂકવી આપવાની માંગણી છે.

જુલાઇ ૨૦૧૯ની પાંચ ટકા અને જુલાઈ ૨૦૨૧ની ૧૧ ટકા મોંઘવારી રાજય સરકારના તમામ કામદારોના પગારમાં ચૂકવાઈ ગયેલ છે માત્ર એસ.ટી.ના કામદારોને આ સવા બે વર્ષ થવા છતાં મોંઘવારીનો એક રૂપિયો ચૂકવાયેલ નથી તાત્કાલિક આ બંને મોંઘવારી ચૂકવવા આદેશ થવા જોઈએ.

(3:16 pm IST)