Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સસ્તા અનાજના દુકાનદારોએ ઓકટોબરનો હજુ જથ્થો નથી ઉપાડયો : સરકારે આજે બોલાવ્યા : નહી તો કાલથી હડતાલ

કમીશન - સર્વર ઠપ્પ - ગોડાઉનથી માલ મોડો પહોંચવો સહિતના છ જેટલા મુદ્દા અંગે સાંજે DSOને લેખીતમાં આપશે

રાજકોટ તા. ૫ : રાજકોટ સહિત રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારો લડતના મૂડમાં આવી ગયા છે, ગયા મહિને રાજકોટમાં મીટીંગ મળી હતી અને ફેરપ્રાઇઝ એસો.ના રાજ્ય પ્રમુખશ્રી પ્રહલાદ મોદીની આગેવાની હેઠળ રાજકોટ કલેકટરને રજૂઆતો કરાઇ હતી. જેમાં વારંવાર સર્વર ઠપ્પ, કાર્ડ હોલ્ડરો સાથે ઘર્ષણ, સરકાર દ્વારા અપાતુ સાવ મામૂલી કમીશન, નિગમના ગોડાઉન ઉપરથી માલ મોડો પહોંચવો, ઓછો મળવો સહિતના અર્ધોડઝન પ્રશ્નો અંગે વિગતવાર માંગણી મૂકાઇ હતી તથા ૫મી ઓકટોબર સુધી દુકાનદાર ઓકટોબરની પરમીટ નહિ લ્યે, માલ નહિ ઉપાડે તેવી ચેતવણી અપાઇ હતી.  દરમિયાન રાજકોટ સસ્તા અનાજના દુકાનદાર એસો.ના પ્રમુખ શ્રી માવજી રાખશીયાએ 'અકિલા'ને જણાવેલ કે, આજે ૫ ઓકટોબર છે, અમે હજુ માલ ઉપાડયો નથી, ગયા મહિને જે પ્રશ્નો અંગે રજૂઆતો કરાયેલ તેમાં કોઇ નિવેડો આવ્યો નથી, દુકાનદારો પણ અકળાયા છે.  માવજીભાઇએ ઉમેર્યું હતું કે, સરકારે આજે સાંજે મંત્રણા માટે આગેવાનોને બોલાવ્યા છે, તેમાં શું થાય છે, તે જોવાનું રહે છે, જો નિવેડો નહિ આવે અને હડતાલનો આદેશ આવશે કે માલ નહિ ઉપાડવાનો આદેશ આવશે તો તે પ્રમાણે કરાશે.

ટુંકમાં જો સરકાર સાથે સમાધાન નહિ થાય તો કાલથી સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર ઉતરી જાય તેવી શકયતા છે, માવજીભાઇએ ઉમેર્યુ હતું કે, તમામ પ્રશ્નો અંગે અમે આજે સાંજે ૪ વાગ્યા બાદ DSOને લેખીતમાં રજૂઆત કરવાના છીએ.

(3:27 pm IST)