Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેનને મંત્રી પદ પરથી દૂર કરો : ખોટુ જાતિ પ્રમાણપત્ર મેળવ્યુ છે

હાઇકોર્ટમાં પણ કેસ પેન્ડીંગ છે : રાજકોટ શહેર કોંગ્રેસનું રાજ્યપાલ-મુખ્યમંત્રીને સંબોધી આવેદન

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ આજે કલેકટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે

રાજકોટ,તા. ૫: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારને મંત્રી પદ પરથી દૂર કરવા માંગણી કરી હતી. આવેદનમાં ઉમેર્યું હતુ કે, મોરવા હડફ મત વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારને રાજ્યકક્ષાના મંત્રી તરીકે આદિજાતી વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગ ફાળવવામાં આવેલ છે. તેઓને તાત્કાલિક અસરથી મંત્રી પદે દૂર કરવા આદિવાસી સમાજ અને કોંગ્રેસ પક્ષની માંગણી છે. જેમાં શ્રીમતી નિમિષાબેન આદિવાસીઓનું ખોટુ જાતી પ્રમાણપત્ર મેળવી આદિવાસી સીટ પર ચૂંટણી લડ્યા છે. એ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં ઇલેકશન પીટીશન નં. ૧/૨૦૨૧ દાખલ કરેલ છે જેની હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ છે જે કેસ કોર્ટમાં પેન્ડીંગ છે.આદિવાસી વિકાસ વિભાગના જાતી પ્રમાણપત્ર આપવા અને ખરાઇ અંગેના ૨૦૧૮ના એકટ અન્વયે તા. ૧૯/૯/૨૦૨૦થી નિયમો અમલમાં આવેલ છે. આ નિયમોના નિયમ ૧૦ (૧), ૧૦ (૨) અન્વયે જાતી પ્રમાણ અન્વયે જાતીપ્રમાણ પત્ર ખરાઇ કર્યા બાદ જ કોઇ પણ લાભ મળે. આ કેસમાં સરકારના ૨૦૧૮ના એકટ અને જાતી પ્રમાણપત્ર આપવાના અને ખરાઇ કરવાના નિયમોનું વાયોલેશન થાય છે. ઉપરોકત મુદ્દાઓને ધ્યાને લેતા શ્રીમતી નિમિષાબેન સુથારનું જાતી પ્રમાણપત્ર ખરાઇ થયા બાદ ધારાસભ્ય કે મંત્રીશ્રીનો હોદો મળે તેમજ આદિવાસી સમાજે જાતી પ્રમાણપત્રની ખરાઇ કરવા માટે આદિજાતી વિકાસ હસ્તકની વિશ્લેષણ સમિતિને પણ રજુઆત કરેલ છે. જે હાલ પેન્ડીંગ છે. તેમજ ગુજરાત હાઇકોર્ટમાં કેસ પેન્ડીંગ છે.આવેદન દેવામાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, તથા અન્ય આગેવાનો જોડાયા હતા.

(3:28 pm IST)