Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

નવેમ્બરમાં બાકી મિલ્કત વેરો વસુલવા મનપા બનશે આક્રમક

મિલ્કત વેરો ન ભરનાર કરદાતાઓને નોટીસ આપવાનું શરૃઃ દિવાળી બાદ મિલ્કત સીલ, જપ્તીની નોટીસ સહિતની કાર્યવાહી હાથ ધરાશેઃ મ્યુ.કમિશ્નર અમિત અરોરા

રાજકોટ,તા.૫: મ.ન.પા. દ્વારા તાજેતરમાં જ જુલાઇ મહીના સુધી મિલ્કત વેરામાં ૫થી૧૫ ટકા ડીસ્કાઉન્ટની સ્કીમ પૂર્ણ થઇ ત્યારે ૪.૫૦ લાખ જેટલા કરદાતાઓ પૈકી ૨.૨૫ લાખ જેટલા કરદાતાઓએ આ ડીસ્કાઉન્ટ સ્કીમનો લાભ લઇ એડવાન્સ મિલ્કત વેરો ભરી દીધો છે. હવે ૧.૫૦ લાખ જેટલા કરદાતાઓનો વેરો બાકી છે. જેમાં ૧૦ હજારથી વધુ ની રકમનાં બાકીદારો  ઉપર આવતા મહિનાથી એટલેકે નવેમ્બરથી બાકી વેરાની કડક ઉઘરાણી તંત્ર દ્વારા શરૂ થનાર છે. હાલ પ્રથમ તબક્કે ડીમાન્ડ નોટીસોઅપાઇ રહી છે. ત્યારબાદ નળ કનેકશન કપાત, મિલ્કત સીલ, મિલ્કત જપ્તી અને મિલ્કતની હરરાજી સહીતનાં કડક પગલાઓ તબક્કાવાર લેવાનું શરૂ કરાશે તેમ મ્યુ.કમિશ્નર અકિત અરોરાએ જણાવ્યુ છે. 

મ.ન.પા. દ્વારા ૧ ઓકટોબરથી ે બાકી મિલ્કત વેરા ઉપર ૧૮ ટકા વ્યાજ ચડવા મંડયુ છે. જોકે એડવાન્સ મિલ્કત વેરો ભરનારાને ૧૦ થી ૧૫ ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઇ અનેક કરદાતાઓએ વ્યાજ લાગુ થાય તે પહેલા જ મિલ્કત વેરો ભરી દીધો હતોે. પરિણામે મ.ન.પા.ને વેરાની કુલ ૧૪૧ કરોડ જેટલી આવક થઇ છે.

આ અંગે મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યુ હતુ કે, હવે બાકીદારો પાસે કડક ઉઘરાણી શરૂ કરવામાં આવશે. આજ દિન સુધીમાં મિલ્કત વેરો ન ભરનાર કરદાતાઓને નોટીસ પાઠવવામાં આવી રહી છે. નવેમ્બર માસમાં બાકી મિલ્કત વેરો વસુલવા તંત્ર દ્વારા સીલીંગ, મીલ્કત જપ્તીની નોટીસ સહિતની કાર્યવાહી તબક્કાવાર હાથ ધરવામાં આવશે.

મનપાની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને નાણાકીય વર્ષ ર૦ર૧-ર૨માં ર,૩૨,૧૨૭ કરદાતાઓએ અંદાજીત કુલ ૧૪૧,૩૬,૩૦,૩૩૫ કરોડનો મિલ્કત વેરો આજ દિન સુધીમાં  તંત્રની તીજોરીમાં ઠાલવ્યો છે.

ઓનલાઇનથી ૬૩.૬૩ કરોડની આવક

મનપા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો વસુલવામાં આવે છે ત્યારે ચાલુે વર્ષે ૧,૨૫,૧૮૮ કરદાતાઓએ રૂ.૬૩,૬૩,૮૪,૬૨૭નો મિલ્કત વેરો ઓનલાઇન ભરપાઇ કરી વધારાનાં રૂ.૫૦ અને ૧ ટકાનાં વળતરનો લાભ લીધો હતો.

૩૪૦ કરોડનો લક્ષ્યાંક પુરો થશે?

મનપાની વેરા શાખાને મિલ્કત વેરાનો ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.૩૪૦ કરોડનો લક્ષ્યાંકની બજેટમાં જોગવાય કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધીમાં હજુ અંદાજીત રૂ.૧૪૧ કરોડની આવક થઇ છે ત્યારે આ વર્ષે મિલ્કત વેરાનો ટાર્ગેટ પુરો થશે કે કેમ મ્યુ.કોર્પોરેશનની લોબીમાં ચર્ચાઇ રહ્યુ છે. (૨૮.૨)

લોકોને ધક્કા નહી થાય : બિલ્ડીંગ યુઝ સર્ટી. ઇશ્યુ થશે કે તુરંત જ મકાન વેરાની આકારણી ઓટોમેટિક થશે

ખાસ સોફટવેર આવતા અઠવાડિયાથી કાર્યરત કરવા મ્યુ. કમિશનર કટીબધ્ધ

રાજકોટ : નવા મકાન ધારકો અથવા ફલેટ - એપાર્ટમેન્ટના રહેવાસીઓને મકાનવેરાની આકારણી માટે કચેરી સુધી ધક્કા ખાવા ન પડે તે હેતુથી મ.ન.પા. દ્વારા આવતા સપ્તાહથી ખાસ સોફટવેર કાર્યરત કરાશે. જેના થકી જે કોઇ પણ મકાન કે બિલ્ડીંગને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ (મકાન વપરાશનો દાખલો) ઇશ્યુ કરાશે કે તુરંત જ જે તે મકાનની વેરા આકારણી થઇ જશે અને તેનું વેરાબીલ જનરેટ થઇ જશે.

આ અંગે મ્યુ. કમિશનર અમિત અરોરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સોફટવેર આવતા સપ્તાહથી ચાલુ કરી દેવા તંત્ર મક્કા છે. આમ હવે નવા મકાનના વેરા બાબતે લોકોને ધક્કા બચશે, સમય બચશે સાથોસાથ તંત્રની વેરા આવક પણ વધશે. અત્રે નોંધનિય છે કે, આ બાબતે અનેક વખત જાહેરાતો થઇ છે પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી ત્યારે વર્તમાન કમિશનરશ્રી અરોરાએ આ બાબતે કટીબધ્ધતા વ્યકત કરી છે.

(3:28 pm IST)