Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રામનાથપરા પોલીસ લાઇનમાં પોલીસ અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ

રાજકોટઃ વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ અને વૃક્ષોના ઉછેર પર ભાર મુકવામાં આવતો હોય છે. શહેર પોલીસ પણ આ બાબતે જાગૃત છે. આજે શહેરની રામનાથપરા પોલીસ લાઇનના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અધિકારીઓના નામ જોગ વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષના જતનની જવાબદારી પણ જે તે અધિકારીશ્રીએ લીધી હતી. એસીપી એચ. એલ. રાઠોડ અને એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષી તથા તેમની ટીમે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી એસસીએસટી સેલ એસ. ડી. પટેલ તથા બીજા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને પોતાના નામની તકતી સાથે ખોદાયેલા ખાડાઓમાં છોડનું રોપણ કર્યુ હતું. કાર્યક્રમના પ્રારંભે પોલીસ કમિશનરશ્રીનું સલામી આપી સ્વાગત કરાયું હતુ઼. વૃક્ષારોપણના દ્રશ્યો તસ્વીરમાં જોઇ શકાય છે.

નોંધનીય છે કે રામનાથપરા પોલીસ લાઇનમાં કર્મચારીઓના લાભાર્થે પાર્ટી પ્લોટનું નિર્માણ પણ કરાયું છે. અગાઉ જ્યાં જુની જેલ હતી તે પાડીને તેની જગ્યાએ આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હવે તેની આસપાસના મેદાનમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષોના જતનની જવાબદારી પણ અધિકારીઓએ લીધી હતી. પ્રકૃતિના જતન માટે વૃક્ષારોપણ અને તેનો ઉછેર ખુબ જરૂરી હોવાનું અધિકારીઓએ જણાવી રાજકોટવાસીઓને પણ આ મુદ્દે જાગૃત થવા અને વધુને વધુ વૃક્ષારોપણ તથા તેનો ઉછેર કરવા અનુરોધ કર્યો હતો. 

(3:33 pm IST)