Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

વિજયભાઇના કાર્યકાળમાં રાજકોટને અઢળક તબીબી સુવિધાઓ મળી

એઇમ્સ-PMSSY રાષ્ટ્રીય કક્ષાની હોસ્પીટલ ધરાવતું રાજકોટ એકમાત્ર શહેર કોવીડ મ્યુકોર માઇકોસીસ ડેન્ગ્યુના રોગચાળામાં અનેક સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવી તબીબી જગત દ્વારા ઋણ સ્વીકાર સાથે ભવ્ય અભિવાદન કરશે ડો. અતુલ પંડયા, ડો. પ્રફુલ કમાણીના નેતૃત્વમાં તમામ તબીબી મંડળોના સભ્યો જોડાશે

રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું ઋણસ્વીકાર  તેમજ અભિવાદન કરવા તબીબોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. અકિલા કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ ડોકટર સેલના કન્વીનર ડો. અતુલ પંડયા, આઇ.એમ.એ. પ્રમુખ ડો. પ્રફુલ કમાણી, ડો. મયંક ઠકકર, ડો. ચેતન લાલસેતા, ડો. શૈલેષ વસાણી, ડો. રાજયગુરૂ, ડો. નરેન્દ્ર વીસાણી(

રાજકોટ તા. પ :.. રાજકોટના લોક નેતા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના તબીબી ક્ષેત્રના વિકાસ માટે અઢળક સુવિધાઓ ઉપલબ્ધ બની છે, ગુજરાતની સૌ પ્રથમ એઇમ્સ અને પી. એમ. એસ. એસ. વાય. હોસ્પિટલ એમ બબ્બે રાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટલ દેશભરમાં એક માત્ર રાજકોટ શહેરને મળી છે, ગુજરાતમાં સૌ પ્રથમ કોવિડના મૃત્યુ માટેનો ખાસ પોસ્ટ મોર્ટમ રૂપ રાજકોટમાં શરૂ કરવામાં આવ્યો હતો આ પોસ્ટ મોર્ટમ રૂમમાં દેશભરમાં સૌથી વધુ ૩પ જેટલાં મૃતદેહની ઓટોપ્સી કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના, મ્યુકર માઇકોસીસ, ડેન્ગ્યુ વગેરે  રોગચાળા વખતે જરૂરી તમામ સવલતો રાતો રાત રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ઉભી કરવા સાથે લોકોની મુશ્કેલીમાં સંવેદનશીલ સરકાર તરીકે હુંફ આપવાનું કામ શ્રી વિજયભાઇ અને તેમની સરકારે કર્યુ છે.

રાજકોટનું તબીબી ક્ષેત્રે વિશ્વ કક્ષાએ નોંધ લેવાય એ લેવલનું બનાવી સમાજના દરેક વર્ગના લોકો તેનો સરળતાથી લાભ લઇ શકે એ માટે વિજયભાઇના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક પ્રજાહીતના કાર્યો થયા છે ત્યારે તેમનું ઋણ રાજકોટ- સૌરાષ્ટ્રના લોકો પર કાયમ રહેશે. લોક નેતા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં ઋણ સ્વીકાર માટે રાજકોટના તબીબી જગત દ્વારા વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં રાજકોટના તમામ પથીના તબીબો અને સમાજની અન્ય સંસ્થાઓ દ્વારા વિજયભાઇનું ઋણ સ્વીકારી તેમનું ઉચીત બહુમાન કરવામાં આવશે.

આગામી તા. ૮ મી ઓકટોબરની સાંજે રાજકોટમાં એક ગરીમાપૂર્ણ સમારંભમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ઋણ સ્વીકારી અભિવાદન કરવામાં આવશે એમ રાજકોટ તબીબી જગતના અગ્રણીઓની એક યાદીમાં જણાવાયું છે. ધારાસભ્ય તરીકે વિજયભાઇએ તબીબી ક્ષેત્રના વિકાસ માટે કરેલ પહેલ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં  મુહિમ બની અને સૌરાષ્ટ્રના લોકોને અકલ્પનીય તબીબી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ બની એ વાતની દરેક વર્ગના લોકો  નોંધ લે છે અને વિજયભાઇનું ઋણ કાયમ રહેશે એમ માને છે. કોરોના મહામારીના સમયે ટેસ્ટીંગ, સારવાર અને હવે વેકસીનેશનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજકોટની તમામ સામાજીક સંસ્થાઓ તથા તબીબી જગત દ્વારા આગામી તા. ૮ મી ઓકટોબરે સાંજે પ થી ૭ કાલાવડ રોડના અક્ષર મંદિરના હોલમાં વિજયભાઇ રૂપાણીના ઋણ સ્વીકારનો અદ્ભુત સમારંભ રાખવામાં આવ્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી બન્યા એ પહેલા કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય હતા ત્યારે પણ તેમણે રાજકોટ-સૌરાષ્ટ્રના લોકોને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સારવાર - સુવિધા મળે એ માટે અનેક કાર્યો કર્યા છે. તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે તેમણે પોતાના મત વિસ્તારમાં તબીબી સંગઠનોના સહકારથી કુપોષિત બાળકોને પોષિત કરવા ખાસ ઝૂંબેશ શરૂ કરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ રાજકોટના તમામ પથીના તબીબો અને સરકારી તબીબો દ્વારા રાજકોટ વિધાનસભા-૬૯ ના વિસ્તારમાં ખાસ કેમ્પો કરવામાં આવતાં અંદાજે ૧૮પ જેટલાં બાળકો કુપોષિત હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ તમામ કુપોષિત બાળકોની યોગ્ય સારવાર કરાવી સંપૂર્ણ તંદુરસ્ત બનાવવાનું કામ વિજયભાઇએ કર્યુ હતું. તેમના આ કાર્યની નોંધ લઇ તત્કાલીક ગુજરાત સરકાર દ્વારા ગુજરાતભરમાં આ પ્રકારે કુપોષિત બાળકો માટેના ખાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

શ્રી વિજયભાઇ કેબીનેટ મંત્રી હતાં એ સમયે ગુજરાતમાં ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે ડેન્ગ્યુના દર્દી માટે જરૂરી સિંગલ ડોનર પ્લેટ લેટની સારવારની સુવિધા રાજકોટ સીવીલ હોસ્પિટલમાં શરૂ કરાવી ડેન્ગ્યુના દર્દીને વિનામુલ્યે આ  સારવારની સગવડ કરાવી હતી. ખાનગી બ્લડ બેન્કમાં લગભગ દસ હજાર રૂપિયામાં મળતાં આ લોહીના ઘટક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિનામુલ્યે ઉપલબ્ધ કરાવ્યા હતા.

રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ સાથે જ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના તબીબી ક્ષેત્રના વિકાસની ગતી જેટ ગતીએ આગળ વધી છે. વડાપ્રધાનના ફંડમાંથી નિર્મિત ૮પ૦ બેડની રાજય કક્ષાની પી.એમ.એસ.એસ.વાય. હોસ્પિટલનું ભૂમી પૂજન કરનાર વિજયભાઇના જ વરદ્દ હસ્તે આ હોસ્પિટલનું ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયેલ આ ૮પ૦ બેડની અદ્યતન હોસ્પિટલ અનેક સાધન-સુવિધાથી સજ્જ છે. કોરોના મહામારીના સમયે આ હોસ્પિટલને ખાસ કોવિડ હોસ્પિટલમાં પરિવર્તીત કરવામાં આવી હતી જે કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની હતી. આ ઉપરાંત ગુજરાતની સૌ પ્રથમ એઇમ્સ રાજકોટમાં બની રહી છે. ફકત ને ફકત શ્રી વિજયભાઇના અથાક પ્રયાસોના કારણે જ આ શકય બન્યું છે. દેશભરમાં એઇમ્સ અને પી.એમ.એસ.એસ.વાય. એમ બન્ને હોસ્પિટલ મળી હોય એવું રાજકોટ એકમાત્ર શહેર છે.

કોરોનામાંથી હજુ લોકોને કળ નહોતી વળી ત્યાં મ્યુકર માઇકોસીસ નામના રોગે માઝા મુકી અને અચાનક મોટી સંખ્યામાં આ રોગના દર્દી આવવા લાગ્યા ત્યારે તેમના માટે દવા, ઓપરેશન સહિત તમામ જરૂરી સવલતો રાતોરાત વિજયભાઇ અને તેમની સરકાર દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરાવવામાં આવી હતી. રાજકોટના સરકારી અને ખાનગી તબીબોની ટીમ બનાવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ ઉભી કરાયેલી હોસ્પિટલમાં મ્યુકર માઇક્રોસીસના દર્દીના વિનામુલ્યે ઓપરેશન કરી આપવા સાથે જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી.

અચાનક આવી પડેલી કોરોના મહામારી રૂપી આફતના સમયે વિજયભાઇએ મુખ્યમંત્રી તરીકે આગેવાની લઇ આરોગ્ય મંત્રી સહિતના મંત્રીશ્રીઓ, ઇન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય અને ગુજરાત કક્ષાના પદાધિકારીઓ, અધીકારીગણ વગેરેની ખાસ કમીટીની રચના કરી ગુજરાતમાં કોરોના સારવારમાં કોઇ કચાસ ન રહે એ માટે વ્યવસ્થા ગોઠવી હતી. તેઓ દરરોજ આ કમીટીની મીટીંગ લઇ કોરોના, મ્યુકર માઇકોસીસ વગેરેની સારવાર બાબતે સતત ધ્યાન રાખી જરૂરી તમામ સવલતો તાત્કાલીક ઉપલબ્ધ કરાવતા હતાં. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના છેવાડાના માનવી સુધી આરોગ્યને લગતી તમામ સવલતો પહોંચાડનારા સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું ગુજરાત રૂણી છે અને રહેશે.

(3:34 pm IST)