Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

મોરબીના ગુજસીટોકના ગુનામાં પકડાયેલ આરોપીને ર૦ દિવસની રીમાન્ડ ઉપર સોંપવા સ્પે. કોર્ટનો હુકમ

રાજકોટ, તા. પ : મોરબી જિલ્લામાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા પ્રથમ ગુનામાં બે આરોપીઓના ૨૦ દિવસના રિમાન્ડ રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે મંજુર કર્યા છે આ સાથે એક આરોપીને દસ દિવસ અને અન્ય ચારને છ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે.

આ કેસમાં પકડાયેલા આરોપી રીયાજ ઇકબાલ જુણાચ (સંધી) (ઉ.વ.૨૯, રહે. કાલીકા પ્લોટ બાવા અહેમદશાની મસ્જીદ પાસે) અને મુસ્તુફા ઉર્ફે મુસ્તુ દાદુભાઇ ઉર્ફે દાઉદભાઇ દાવલીયા (પીંજારા) (ઉ.વ.૨૨, રહે. મકરાણીવાસ બાવાજીની વાડી સામે)ના તા.૨૩/૧૦/૨૦૨૧ સુધી એટલે કે ૨૦ દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર કરાયા છે.

આરોપી રફીક રજાક માંડવીયા (મેમણ) (ઉ.વ.૫૭, રહે. હાલ ટંકારા મોચી બજાર, મેમણ શેરી, સંધી વાસ , મુળ. કુબેરનાથ રોડ બાર શાખ રજપુત શેરી મોરબી) ના તા.૧૪/૧૦/૨૦૨૧ સુધી ૧૦ દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર કરાયા છે.

આરોપી ઇસ્માઇલ યારમામદ બ્લોચ (મકરાણી) (ઉ.વ.૨૮, રહે. મકરાણી વાસ બ્રાહ્મણ ભોજન શાળા પાસે, મોરબી), ઇરફાન યારમામદ બ્લોચ (મકરાણી) (ઉ.વ.૩૯ રહે. બન્ને મકરાણી વાસ, બ્રાહ્મણ ભોજન શાળા પાસે મોરબી), રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી (મેમણ) (ઉ.વ.૩૬, રહે. કાલીક પ્લોટ હુશેની ચોકી મોમાઇ કેન્ડીની બાજુમાં), એજાજભાઇ આમદભાઇ ચાનીયા (સંધી) (ઉ.વ.૨૬, રહે. સાયન્ટીફીક રોડ નર્મદા હોલનીબાજુમાં મોરબી)ના તા. ૧૦/૧૦/૨૦૨૧ સુધી ૬ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.

રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટે બંને પક્ષકારોની લંબાણપૂર્વકની દલીલોના અંતે મોડી સાંજે હુકમ કરી તમામ આરોપીઓના માંગ્યા મુજબના તમામ દિવસોના રિમાન્ડ મંજુર કર્યા છે. ગુજસીટોકના ગુનાઓમાં સૌરાષ્ટ્રના સ્પેશ્યલ પી.પી. તુષાર ગોકાણી દ્વારા કરવામાં આવેલી રજુઆતો - દલીલો અદાલતે માન્ય રાખી હતી.

(3:35 pm IST)