Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સત્યમ પાર્કમાં મકાનના પહેલા માળેથી રમતા રમતા પડી જતા બે વર્ષની બાળકીનું મોત

બાળકીના મૃત્યુથી રાજ્યગુરૂ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૫ : એસી ફૂડ રોડ પર સત્યમ પાર્કમાં આવેલા મકાનના પહેલા માળેથી રમતા રમતા પડી જતા બે વર્ષની બાળકીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ એસી ફૂડ રોડ પર હ્યુન્ડાઇના શો-રૂમની સામે આવેલા સત્યમ પાર્ક શેરી નં. ૨ માં રહેતા જયભાઇ મહેન્દ્રભાઇ રાજ્યગુરૂ ગઇકાલે બપોરે પહેલા માળે પરિવાર સાથે ઘરમાં હતા ત્યારે તેની બે વર્ષની પુત્રી જીયાંશી રમતી હતી તે રમતા રમતા પહેલા માળેથી પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. અવાજ આવતા પરિવારજનો દોડી આવ્યા હતા. દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ બાળકીને તાકીદે સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ.આર.હેરભા તથા રાઇટર ભરતભાઇ ડાભીએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. એકની એક પુત્રીના મૃત્યુથી રાજ્યગુરૂ પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:36 pm IST)