Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

કુંભારવાડામાં કોલેજીયન યુવતિ દિપ્તીનો ગળાફાંસો ખાઇ આપઘાત

મુળ બંગાળની વતનીઃ ઉપરના રૂમમાંથી નીચે તૈયાર થવાનું કહીને આવી અને લટકી ગઇઃ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ

રાજકોટ તા. ૫: કુંભારવાડા શેરી નં. ૧/૬ના ખુણે રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી દિપ્તી સંજયભાઇ ઘોષ (ઉ.વ.૨૨) નામની યુવતિએ સવારે ઘરમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

દિપ્તીને સવારે કોલેજે જવાનું હોઇ તે ઉપરના રૂમમાંથી નીચેના રૂમમાં તૈયાર થવા જાય છે તેમ કહીને નીચેના રૂમમાં આવી હતી. એ પછી તે મોડે સુધી પરત ઉપર ન આવતાં માતા તપાસ કરવા જતાં તે લટકતી જોવા મળતાં કલ્પાંત સર્જાયો હતો. એ-ડિવીઝન પોલીસને જાણ થતાં હેડકોન્સ. રવિભાઇ વાઘેલા અને હરવિજયસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર દિપ્તી બે ભાઇથી મોટી હતી. તેના પિતા સંજયભાઇ ઇમિટેશનનુ કામ કરે છે. દિપ્તી એમ. જે. કુંડલીયા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું પરિવારજનોએ કહ્યું હતું. તેણીએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારનો કંઇ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:37 pm IST)