Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

નવયુગપરાના યુવાન પર બહેનના પ્રેમી સહિત ત્રણનો હુમલોઃ આજીડેમ ચોકડીએ લઇ જઇ ધમકી

અગાઉ યુવાન ધાર્શિકની બહેને હિતેષ સાથેના પ્રેમપ્રકરણમાં માથાકુટ થતાં અગ્નિસ્નાન કરી દાઝી હતીઃ હિતેષ હવે લગ્ન કરતો ન હોઇ તે બાબતે ડખ્ખો

રાજકોટ તા. ૫: જીલ્લા ગાર્ડન પાસે નવયુગપરામાં રહેતાં યુવાનને તેની બહેનના પ્રેમીએ પોતાના ભાઇ સહિત બે જણા સાથે મળી છરી ઝીંકી, ધોકા-ઢીકાપાટુનો માર મારતાં અને બાદમાં સોરઠીયા પ્લોટથી બાઇકમાં બેસાડી આજીડેમ ચોકડી પાસે લઇ જઇ તારી બહેન બાબતે સમાધાન કેમ નથી કરતો? કહી ફરીથી ધોકાવી ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ઘાંચીવાડ પાસે નવયુગપરા-૧ જે. ડી. પાનવાળી શેરીમાં રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં ધાર્શિક નિતીનભાઇ સિંધવ (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી ઘાંચીવાડના હિતેષ ભનુભાઇ પરમાર અને ધર્મેશ ભનુભાઇ પરમાર અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

ધાર્શિકના કહેવા મુજબ પોતે મંગળવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે સોરઠીયા પ્લોટમાં અનિલ પાન નામની દૂકાનના પગથીયા પાસે બેઠો હતો ત્યારે ઘાંચીવાડનો હિતેષ અને તેનો ભાઇ ધર્મેશ આવ્યા હતાં. તેની સાથે એક અજાણ્યો પણ હતો. આ ત્રણેય મોટર સાઇકલ પરથી ઉતરી નજીક આવ્યા હતાં. એ પછી હિતેષે છરી કાઢી હુમલો કરી પોતાને ડોક પાછળ ઘા ઝીંકી દીધો હતો. ધર્મેશએ ધોકકાથી માથા-મોઢા પર ઇજા પહોચાડી હતી. અજાણ્યા શખ્સે ઢીકાપાટુ માર્યા હતાં.

એ પછી હિતેષે-તારી બહેનના લગ્ન બાબતે સમાધાનની વાતચીત કરવી છે, તું પાછળ બેસી જા તેમ કહી બાઇકમાં બેસાડી દીધો હતો અને આજીડેમ ચોકડી નજીક આઇટીઆઇ પાસે હિતેષના ફઇના દિકરા અવિનાશ આંબલીયાના કવાર્ર્ટર પાસે લઇ જઇ ત્યાં ફરીથી હિતેષ અને ધર્મેશે મળી આડેધડ માર માર્યો હતો. તેમજ સમાધાન નહિ કર તો મારી નાંખશુ તેવી ધમકી આપી હતી. પોતાને તક મળતાં દોડીને ભાગી ગયો હતો અને એક રાહદારી પાસેથી ફોન લઇ મામા પ્રકાશભાઇને બોલાવ્યા હતાં. જેણે તેને દવાખાને ખસેડ્યો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ હુમલાનું કારણ એવું છે કે હિતેષને ધાર્શિકની મોટી બહેન સાથે પ્રેમસંબંધ હતો. એ કારણે ધાર્શિકની બહેન ત્રણ ચાર વર્ષ પહેલા કેરોસીન છાંટી દાઝી ગઇ હતી. હિતેષે ત્યારે પોતે લગ્ન કરી લેશે તેવી વાત કરી હતી. પરંતુ હવે લગ્ન કરતો ન હોઇ બહાના કાઢતો હોઇ જે બાબતે મનદુઃખ ચાલતું હોઇ તેના કારણે હુમલો થયો હતો. એ-ડિવીઝનના હેડકોન્સ. આર. એલ. વાઘેલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)