Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

દિવાળી પહેલા ધો. ૧ થી પ ના વર્ગો શાળામાં શરૂ કરવા ખાનગી શાળા સંચાલક મંડળનું આવેદન

રાજયના દરેક જિલ્લામાં ડીઇઓને અપાયેલુ વિસ્તૃત આવેદન

રાજકોટ તા. પ : ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે રાજયના દરેક જીલ્લામાં મથકોએ શિક્ષ્ણ અધિકારીઓને શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની નોન-ગ્રાન્ટેડ (ખાનગી) શાળાઓને પ્રથમ પરીક્ષા પોતાના જ આયોજન મુજબ લેવાની મંજુરી આપવા બાબત અને કોરોની પરિસ્થિતિ સ્થિર છે ત્યારે ધોરણ ૧ થી પ ના વર્ગો દિવાળી પહેલા ઓફલાઇન શરૂ કરવા, તેમજ સંપૂર્ણ શિક્ષણને પૂર્વવ્રત પ્રત્યક્ષ કરવા બાબત શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી ઉદ્ેશીને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ અંગે વધુ વિગત આપતા રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, સરકારના પરીક્ષા વિભાગ દ્વારા તમામ શાળાઓમાં એક જ સમયે એક સમાન ટાઇમ ટેબલ સાથે એકમ કસોટી લેવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે નોન ગ્રાન્ટેડ શાળાઓ માટે આયોજનમાં જોડાવું અશકય હોય આ અંગે તેમજ જયારે કોરોનાની પરિસ્થિતિ કાબુમાં છે. ત્યારે બાકી રહેતા ધોરણ ૧ થી પ ના વર્ગો શરૂ કરવાની મંજુરી દિવાળીના વેકેશન પહેલા આપવામાં આવે તે અંગેના આવેદાનપત્ર શિક્ષણાધિકારી રાજકોટને આપ્યુ છે

ગુજરાત સ્વનિર્ભર સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે એકમ કસોટીઓ માટે ગ્રામ્ય તાલુકા અને શહેરની દરેક શાળાઓમાં કોવીડને કારણે ઓનલાઇન કે ઓફલાઇન ચલાવવામાં આવેલ કોર્ષની પરિસ્થિતિ અલગ-અલગછે. વળી આ પરીક્ષાઓ અંગે અગાઉથી સ્વનિર્ભર શાળાઓને ચર્ચા-વિચારણા માટે બોલાવવામાં આવેલ નથી કેશાળાઓને આયોજન બાબતમાં વિશ્વાસમાં લીધેલ નથી.

આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ, એફ. આર. સી. કમિટીના સભ્ય અજયભાઇ પટેલ, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરિયા મહામંત્રી પરિમલભાઇ પરડવા,મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર જયદીપભાઇ જલુ અને મેહુલભાઇ પરડવા, સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના દરેક ઝોનના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના તમામ સભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

(4:15 pm IST)