Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વોર્ડનં.૧માં વિકાસકામો ખુબ થયા, સંગઠનને વધુ મજબુત બનાવીશું

વોર્ડનં.૧ના ભાજપના ઉમેદવારો દુર્ગાબા જાડેજા-ભાનુબેન બાબરીયા-ડો. અલ્પેશ મોરઝરીયા-હિરેનભાઇ ખીમાણીયા 'અકિલા'ના આંગણે : એક સમયે ગાંધીગ્રામ વિસ્તાર ચિંતાજનક સ્થિતિમાં હતો પણ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તાર એકદમ શાંત અને રહેવા લાયક બની ગયો છેઃ પૂર્વ કોર્પોરેટર બાબુભાઇને પક્ષ સાથે કોઇ નારાજગી નથી, ચુંટણી પ્રચારમાં પણ અમારી સાથે જ રહેશે

ઉપરોકત તસ્વીરમાં 'અકિલા' પરીવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વોર્ડનં.૧ના ભાજપના ઉમેદવારો દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયા, ડો. અલ્પેશ મોરઝરીયા અને હિરેનભાઇ ખીમાણીયા સાથે વોર્ડ પ્રમુખ હિતેષ મારૂ, મહામંત્રીઓ જયરાજસિંહ જાડેજા અને કાનાભાઇ પાણઘર નજરે પડે છે.

રાજકોટઃ તા.૬, મહાનગરપાલીકાની ચૂંટણીમાં શહેર ભાજપના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. આજથી ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવાયો છે. દરમિયાન વોર્ડનં.૧ના ભાજપના ઉમેદવારો આજે 'અકિલા'ના આંગણે આવ્યા હતા અને 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ લીધા હતા.

વોર્ડનં.૧ના ભાજપના ઉમેદવારો દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયા, ડો. અલ્પેશ મોરઝરીયા અને હિરેનભાઇ ખીમાણીયાએ જણાવેલ કે છેલ્લા ઘણા સમથી વોર્ડનં.૧માં અનેક વિકાસ કાર્યો થયા  છે અને આગામી દિવસોમાં પણ વિકાસના કાર્યોની હારમાળા જારી રહેશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સ્માર્ટસીટીના પ્રોજેકટનું સપનું સાકાર કરવા આ વોર્ડમાં વધુને વધુ પ્રયાસ હાથ ધરવામાં આવશે.

એક સમયે ગાંધીગ્રામ વિસ્તાર ભયજનક અને ચિંતાજનક સ્થિતિમાં હતો જે છેલ્લા ઘણા વર્ષોથી શાંત અને રહેવાલાયક બની ગયો છે. પછાત વિસ્તારોમાં પણ વિકાસ થઇ રહયો છે. શાંત અને રહેણાંક વિસ્તારો દિવસેને દિવસે વધી રહયા છે.

દુર્ગાબા, ભાનુબેન, ડો. મોરઝરીયા અને હિરેનભાઇએ વધુમાં જણાવેલ કે વોર્ડનં.૧માં સંગઠન ખુબ જ મજબુત છે ચારેય ઉમેદવારોની જીત ખુબ સરળ રહેશે. આમ પણ આ વોર્ડ હંમેશ માટે ભાજપનો ગઢ રહયો છે. છેલ્લા ઘણાય સમયથી ભાજપની જ પેનલ ચૂંટાય આવે છે અને આ વખતે જીતનો દોર જારી રહેશે.

પૂર્વ કોર્પોરેટર બાબુભાઇ આહિરને ટીકીટ ન મળતા તેઓ ખુબ જ નારાજ હોવાના પ્રશ્નના જવાબમાં ચારેય ઉમેદવારોએ જણાવેલ કે પક્ષ કે ચારેય ઉમેદવારો સાથે બાબુભાઇને કોઇ નારાજગી નથી. દર વખતે વોર્ડનં.૧માં ઉમેદવારો ફોર્મ ભરવા જાય એ અગાઉ ગાંધીગ્રામના શ્રી રાધાકૃષ્ણ મંદિર દર્શન કરવા જતા હોય છે. જે નિત્યક્રમ જાળવી રાખ્યો છે અને ગઇકાલે પણ અમારી સામે બાબુભાઇ પણ જોડાયા હતા. તેઓ ચૂંટણી પ્રચારમાં પણ અમારી સાથે જ રહેશે. તેમ ઉમેદવારોએ જણાવેલ.

(3:24 pm IST)