Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમે અપહરણકાર વિજય મેરને બીલખાથી દબોચી લીધો

અઢી માસથી અનડિટેકટ અપહરણનો ગુનો ડિટેકટ કરાયો : સગીરાના પિતાએ હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ પણ દાખલ કરી હતીઃ ૩૦ વર્ષનો ઢગો સગીરાને રાજસ્થાન તેમજ આટકોટ લઇ ગયો-રોકાયોઃ છેલ્લે બીલખા રહેતો'તો

રાજકોટ તા. ૬: શહેરના સામા કાંઠે રહેતાં પરિવારની દિકરીને લલચાવી ફોસલાવી ૬/૧૦/૨૦ના રોજ ભગાડી જવાઇ હતી. આ મામલે થોરાળા પોલીસમાં અપહરણનો ગુનો દાખલ થયા બાદ આરોપીને ઝડપી લેવા અને ફરિયાદીની દિકરીને શોધી કાઢવા પોલીસે ખુબ મહેનત કરી હતી. પરંતુ તેનો પત્તો મળ્યો નહોતો. થોરાળા પીઆઇ જી. એમ. હડિયાએ તપાસ  કરી હતી. એ પછી ફરિયાદીએ હાઇકોર્ટમાં હેેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી. એ દરમિયાન ગત ૮/૩/૨૧ના રોજ કોર્ટના આદેશ મુજબ આ તપાસ એન્ટી હ્યુમન યુનિટને સોપવામાં આવી હતી. આ ટીમે તપાસનો ધમધમાટ કરી આરોપી રાજેશ ધીરૂભાઇ મેર (ઉ.૩૦-રહે. કનકનગર-૫, સંત કબીર રોડ)ને જુનાગઢના બીલખાથી ઝડપી લેવાયો છે.

થોરાળા પોલીસનો ગુનો ડિટેકટ કરવા એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એસ. અંસારીએ પોતાની ટીમ સાથે મળી દોડધામ શરૂ કરી હત અને ટેકનીકલ સ્ટાફની મદદથી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપી વિજય ધીરૂભાઇ મેરનો ડેટા તૈયાર કર્યો હતો. તે પોતાના જુના મિત્ર કમલેશ મહેતાની મદદથી રાજસ્થાન જતો રહ્યો હોઇ ત્યાંના જસવંતગઢમાં સગીરા સાથે રહ્યા બાદ છેલ્લે મિત્ર કમલેશ મહેતાનું એક ઘર આટકોટમાં હોઇ ત્યાં રહેવા આવ્યાની માહિતી મળી હતી. આટકોટથી છેલ્લે તે જુનાગઢના બીલખા ગામે જતો રહ્યાની અને ત્યાં તે સગીરા સાથે રહી સાડી બાંધવાનું કામ કરતો હોવાની ચોક્કસ માહિતી મળતાં ટૂકડી ત્યાં પહોંચી હતી અને તેને પકડી લીધો હતો. આમ અઢી માસથી અનડિટેકટ ગુનો ઉકેલાયો હતો. ફરિયાદીને તેની દિકરી પરત મળે તે માટેની કાર્યવાહી કરાઇ હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાના માર્ગદર્શન-સુચના હેઠળ પીએઅસાઇ એમ. એસ. અંસારી, બકુલભાઇ વાઘેાલ, સોનાબેન મુળીયા, ભુમિકાબેન ઠાકર, મ.અઝહરૂદ્દીન બુખારી સહિતે આ કામગીરી કરી હતી.

(3:18 pm IST)