Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રાજકોટ જિલ્લાની પરિસ્થિતિ અંગે મંત્રી બાવળિયાની કલેકટર સાથે બેઠક

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૬ : પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળિયા જિલ્લા કલેકટર રેમ્યા મોહનને મળ્યા હતા, અને રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના મહામારી સંબંધી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસો પરત્વે રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકા મથકે ઉપલબ્ધ સરકારી દવાઓનો જથ્થો, કોવિડના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા, કવોરન્ટાઇન અંગેના સ્થળો વગેરે બાબતો અંગે મંત્રીએ કલેકટર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. અને કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાકીદની જરૂરી વ્યવસ્થાના આયોજન અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. મંત્રી બાવળિયાની આ મુલાકાત સમયે નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા પણ ઉપસ્થિત રહયા હતા. મંત્રી કુંવરજીભાઇ બાવળિયા સમીક્ષા કરવા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાને પણ મળ્યા હતા, અને રાજકોટ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવર્તતી કોરોનાની સ્થિતિથી માહિતગાર થયા હતા.

(11:38 am IST)