Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સમરસ હોસ્ટેલમાં શનીવાર સુધીમાં ઓકસીજન લાઇનવાળા પ૦૦ બેડ શરૂ થઇ જશેઃ જરૂર પડયે રેલ્વે-ESIS લેવાશે

રાજકોટ કલેકટર તંત્ર એડવાન્સ વિચારી પગલા લઇ રહયું છેઃ સ્થિતિ એટલી ખરાબ નથી : સીવીલ-ખાનગી હોસ્પીટલમાં બેડ ઉપલબ્ધ છે અને વધારાઇ રહ્યા છેઃ વધુ ૧ હજાર ઇન્જેકશન આવ્યા... : ઓકસીજન-દવા-બેડ-સ્ટાફ વેન્ટીલેટરનો પુરતો જથ્થો છેઃ એડી. કલેકટર પરિમલ પંડયા નોડલ ઓફીસર ડો. રાહુલ ગુપ્તા રાજકોટમાં: સ્થિતિ અંગે ડોકટરો- કલેકટર સાથે ખાસ સમીક્ષા બેઠક

રાજકોટ તા. ૬ :.. રાજકોટમાં કોરોના બેકાબૂ-સીવીલ અને ખાનગી હોસ્પીટલમાં પુરતા બેડ નથી. લોકોને કલાકો હેરાન થવુ પડે છે, તે અંગે આજે પત્રકારો સાથેની વાતચીતમાં એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે એવુ નથી બેડ છે, શહેરની મોટી પ્રાયવેટ હોસ્પીટલોએ કોરોના દર્દી સંદર્ભે પ૦ ટકાથી વધુ બેડો રીઝર્વ રાખી દિધા છે. સ્ટર્લીંગ હોસ્પીટલમાં ૯૮ બેડ થઇ ગયા છે, જે ૧૦૦ ટકા કોરોના હોસ્પીટલમાં ફેરવાઇ ગઇ છે, જીનેસીસમાં ર૧ બેડ કાલ સુધીમાં શરૂ થઇ જશે, તો એસજીજીમાં પ૦ બેડ ઉપલબ્ધ બનાવી દેવાયા છે. વિરલ હોસ્પીટલમાં ર થી ૩ દિવસમાં ૧૩ બેડ શરૂ થઇ જશે.

તેમણે જણાવેલ કે સમરસ હોસ્ટેલમાં ઓકસીઝન પાઇપલાઇન ધરાવતા ૧૧૦ બેડ શરૂ થઇ ગયા છે, બીજા ૧૧૦ બેડ ર થી ૩ દિવસમાં અને શનિવાર સુધીમાં પ૦૦ જેટલા ઓકસીઝન વાળા બેડ શરૂ થઇ જશે.

આ ઉપરાંત જરૂર પડયે રેલ્વે હોસ્પીટલના ૬૦ બેડ તો વિમા ESIS દવાખાનાના  ૪૧ બેડ પણ સ્ટેન્ડ બાર રખાયા છે, તેમણે ઉમેર્યુ હતું કે એક જ સ્થળે ડોકટરો - નોડલ ઓફીસરો ફરજ બજાવી શકે એટલે તે પ્રમાણે કાર્યવાહી થઇ રહી છે.

આપણું કલેકટર તંત્ર દરરોજ મીટીંગો કરી ૧૦ દિવસ એડવાન્સનું વિચારી તે પ્રમાણે પગલા-કાર્યવાહી કરી રહ્યું છે, હાલ પૂરતો ઓકસીઝન - દવા-વેન્ટીલેટર-સ્ટાફ - ડોકટરો-સ્ટોક પુરતા પ્રમાણમાં છે, આજે વધુ ૧ હજાર રેમેડેસીવીયર ઇન્જેકશન આવ્યા છે, જો ફુડ એન્ડ ડ્રગ ખાતાએ વિવિધ મેડીકલ સ્ટોરને ફાળવી દિધા છે.

ગઇકાલે જ મેટોડા-શાપર વેરાવળના ઓકસીઝન ઉત્પાદકોને બોલાવી સ્ટોકની વિગતો મેળવાઇ હતી, અને અછત એવુ લાગે તો ૭ર થી ૯૬ કલાક પહેલા તંત્રને જાણ કરી દેવા તાકીદ કરાઇ છે, ઓકસીઝનનો રાજકોટ તો ઠીક સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કોઇ પ્રોબ્લેમ નથી, રિલાયન્સ દ્વારા બીજો પ્લાન્ટ પણ શરૂ કરી દેવાયો છે, અને તમામ પ્રકારે વર્ક આઉટ થઇ રહ્યું છે.

વેન્ટીલેટર અંગે તેમણે જણાવેલ કે સીવીલમાં ર૩૦-ર૪૦ જેવો પુરતો સ્ટોક છે, હવે ર થી ૩ દિવસમાં જે ખાનગી હોસ્પીટલને વેન્ટીલેટરની જરૂર પડશે તેમને લોન ઉપર અપાશે. કોઇ મુશ્કેલી નહિ પડે, અને તંત્ર પગલા લેવામાં એડવાન્સ ચાલી રહ્યું હોય. સ્થિતિ એટલી બધી ખરાબ ન હોય. હાલ તમામ બાબતે કોઇ મુશ્કેલી નહિ હોવાનું શ્રી પંડયાએ ઉમેરી, લોકોને ફરજીયાત માસ્ક પહેરવા, જરૂર પડયેજ ઘરની બહાર નીકળવા, વૃધ્ધો - બાળકોનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી હતી.

(3:13 pm IST)