Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કાલાવડ રોડથી સીધુ જ ગોંડલ હાઇવે જવાશે : રીંગ રોડ-૨ના ફેઝ-૨ના રસ્તા - બ્રિજ રવિવારે ખુલ્લા મુકાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂડા વિસ્તારના રીંગ રોડનું ઇ-લોકાર્પણ કરવામાં આવશેઃ આ રસ્તાથી ગોંડલ, કાલાવડ, જામનગર તથા મોરબી માટે બાયપાસ તરીકે ઉપયોગ થશે

રાજકોટ તા. ૬ : રૂડા રીંગરોડ-૨, ફેઝ-૨ માં પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીનાં ૬.૨ કિ.મી. રસ્તાની કામગીરી રકમ રૂ. ૮.૧૧ કરોડનાં ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ રસ્તાની પથરેખામાં ચે.૮૨૭૫પર આવેલ બ્રીજની કામગીરી રકમ રૂ. ૭.૬૪ કરોડ તથા ચે.૧૦૦૫૨ પર આવેલ બ્રીજની કામગીરી રકમ રૂ.૧.૮૨ કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. આમ,રૂડારીંગરોડ-૨, ફેઝ-૨ની ૨(બે) બ્રીજ સાથેની કામગીરી કુલ રકમ રૂ.૧૭.૫૭ કરોડનાં ખર્ચે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલનાં હસ્તે તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં 'આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના' ગૌરવભર્યા પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.૦૮ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ શહેરીજન સુખાકારી દિવસે ઈ-લોકાર્પણ કરવામાં આવનાર છે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રીંગરોડ-૨, ફેઝ-૨, કાલાવડ હાઇવેથી ગોંડલ હાઇવે સુધીનાં ૩(ત્રણ) મેજર બ્રીજ સાથે ૧૧.૨૦ કિ.મી.નાં ૨-માર્ગીય રસ્તાની કામગીરી રકમ રૂ. ૨૫.૮૨ કરોડનાં ખર્ચે પૂર્ણ કરેલ છે.

ઉલ્લેખનીય છે કે ટ્રાફીકની અગ્રીમતાને ધ્યાને લઇ રીંગરોડ-૨,ફેઝ-૨ની કુલ ૧૧.૨૦ કિ.મી લંબાઇ પૈકી પ્રથમ ૫(પાંચ) કિ.મી.નો રસ્તો રકમ રૂ.૫.૬૮ કરોડનાં ખર્ચે કામગીરી પૂર્ણ થયેલ હોય   તા.૧૭-૦૨-૨૦૧૮નાં રોજ લોકાર્પણ કરી રસ્તો ટ્રાફીક માટે ખુલ્લો મુકવામાં આવેલ હતો. તેમજ લોકાર્પણ થયેલ ૫.૦ કિ.મી.નાં રસ્તા પૈકી ૩.૦ કિ.મી.નો રસ્તો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા આ રોડ રાજકોટ મહાનગરપાલિકાને સુપરત કરેલ છે તેમજ રસ્તાની પથરેખામાં ચે. ૬૨૦૦ પર આવેલ બ્રીજનું રકમ રૂ. ૨.૫૭ કરોડનાં ખર્ચે પુર્ણ કરી તા.૦૧-૦૧-૨૦૨૧નાં રોજ લોકાર્પણ કરેલ છે.

આ રસ્તાથી ગોંડલ, કાલાવડ, જામનગર તથા મોરબી માટે બાયપાસ રસ્તા તરીકે ઉપયોગી થઇ શકશે તેમજ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ તથા મેટોડા જી.આઇ.ડી.સી. વિકસીત એરીયાને કનેકટીવીટી મળી રહેશે અને રાજકોટ શહેરમાં વધતા જતા ટ્રાફિક ભારણને મહદઅંશે ઘટાડી શકાશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જયારે ગોંડલ ચોકડી પર બ્રિજનું કામ શરૂ થયેલ છે ત્યારે આ નવો રીંગ રોડ રાજકોટના નાગરીકો માટે આશીર્વાદ સમાન થશે.

(3:11 pm IST)