Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કૃષ્ણનગર રોડ પર ચોરાઉ મોબાઇલ વેંચવા નીકળેલા અલ્તાફ અને રોહીત પકડાયા

માલવીયાનગર પોલીસે બંનેને દબોચ્યાઃ વોકીંગમાં નિકળેલા રાહદરીઓને ટાર્ગેટ બનાવતાઃ સાત ચોરાઉ મોબાઇલ કબ્જેઃ રોહીત કતીરા લૂંટ, ચીડઝડપ અને મારામારી સહિત ૧૬ ગુનામાં સામેલ

રાજકોટ, તા.૬: શહેરના અલગ અલગ વિસ્તારમાં વોકીંગમાં નીકળેલા રાહદારીઓના મોબાઇલની ચીલઝડપ કરનારા બે શખ્સોને માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ પરથી ઝડપી લઇ સાત ચોરાઉ મોબાઇલ કબ્જે કર્યા હતા.

મળતી વિગત મુજબ કૃષ્ણનગર મેઇન રોડ પર બે શખ્સો ચોરાઉ મોબાઇલ ફોન વેંચવા નીકળ્યા હોવાની માલવીયાનગર પોલી મથકના કોન્સ હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા પીઆઇ.કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.કે.ઝાલા, હેડ કોન્સ મસરીભાઇ, દિગ્પાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, કુલદીપસિંહ તથા હિતેષભાઇ સહિતે કૃષ્ણનગર મેઇન રોડ ડાલીબાઇ કન્યા છાત્રાલય પાસેથી અલ્ફાઝ ઉર્ફે અલ્તાફ હાસમભાઇ સૈયદ (ઉ.વ.૧૯) (રહે.કૃષ્ણનગર મેઇન રોડ આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૧૪) તથા રોહીત પરેશભાઇ કતીરા (ઉ.વ.૨૨) (રહે. મવડી મેઇન રોડ નવલનગર શેરી નં.૯)ને પકડી લઇ બંનેની તલાશી લેતા સાત ચોરાઉ મોબાઇલ મળી આવતા બંનેની ધરપકડ કરી હતી. બંનેએ છેલ્લા એક મહિનામાં મોરબી રોડ, ગુલાબનગર તથા શાપર-વેરાવળમાં રાત્રીના સમયે વોકીંગમાં નીકળેલા લોકોના મોબાઇલની ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી.

(3:11 pm IST)