Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

આઠ-આઠ લાખના બે ચેક રીટર્નના કેસમાં આરોપીને એક-એક વર્ષની સજા અને રકમ ચુકવવા કોર્ટનો આદેશ

આરોપી જો રકમ ન ચુકવે તો વધુ એક-એક વર્ષની સજાનો હુકમ

રાજકોટ, તા., ૬: રૂ.આઠ-આઠ લાખના બે ચેક રીટર્ન થતા આરોપી દિપક સોનીને એક વર્ષની સજા અને જો ચેક મુજબની રકમ ન ચુકવે તો એક-એક વર્ષની વધુ સજાનો હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

ફરીયાદી લક્ષ્મણભાઇ જીવાભાઇ લોખીલ અને આરોપી દિપકકુમાર મણીલાલ સોની બંને જુના મિત્રો હોય અને તે સમયગાળા દરમ્યાન આરોપીએ પોતે વકીલ હોય તેવી ઓળખાણ બતાવેલ અને ફરીયાદી પાસેથી જમીનના કામ કરાવવા માટે રમેશભાઇ શામજીભાઇ ગજેરા દ્વારા ફરીયાદી લક્ષ્મણભાઇએ આરોપી દિપકકુમાર સોનીને કુલ રકમ રૂ. ૪૦,૦૦,૦૦૦ અંકે રૂપીયા ચાલીસ લાખ પુરા આરોપી દિપક સોનીને રોકડમાં આપેલ અને જમીનનું કામ કરાવવા લીધેલ રકમ કામ ન થતા આરોપીએ ફરીયાદીને તે રકમ ચુકવવા તા.ર૭-૩-ર૦૧પના રોજ પ્રોમીસરી નોટ લખેલ અને જેમાં આરોપી દ્વારા ફરીયાદીને રકમ ચુકવી આપવા બાંહેધરી આપેલ અને આઠ-આઠ લાખના એમ કુલ રૂ.૧૬,૦૦,૦૦૦ના બે (ર) ચેક આપેલા જે ચેક ફરીયાદીએ બેંકમાં નાખતા ફંડસ ઇન્સફીશીયન્ટના શેરા સાથે પરત ફરેલ હતા.

આરોપી દિપક સોનીએ આપેલ ચેક પરત ફરતા ફરીયાદીએ ધારાશાસ્ત્રી અશ્વીનભાઇ બી.ગોસાઇ મારફત આરોપીને રકમ ચુકવી આપવા નોટીસ આપેલ જે નોટીસ આપ્યા બાદ પણ દિપકકુમાર સોનીએ ફરીયાદીને રકમ ચુકવેલ નહી. જેથી ફરીયાદી લક્ષ્મણભાઇએ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી.

ઉપરોકત ફરીયાદ કોર્ટમાં ચાલી જતા ધારાશાસ્ત્રી અશ્વીન બી.ગોસાઇએ અદાલતમાં આરોપી વિરૂધ્ધ પુરાવાઓ રજુ કરેલ અને ફરીયાદી પક્ષે પુરાવો પુરો થયા બાદ કેસ દલીલ ઉપર આવતા ધારાશાસ્ત્રીએ સુપ્રિમ કોર્ટના તથા અલગ-અલગ વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરી ફરીયાદીએ પોતાનું કાયદેસરનું લેણુ સાબીત કરેલ હોય તેમજ સાહેદ તરીકે રમેશભાઇ શામજીભાઇ ગજેરાને કોર્ટમાં જુબાની લીધેલ તેમજ બચાવ પક્ષે ફરીયાદીના મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવાઓ ખંડનાત્મક પુરાવો રજુ રાખી શકેલ ન હોય તે ધ્યાને લઇ આરોપીને પુરાવાઓ ધ્યાને લઇ સજા કરવા રજુઆત કરેલ હતી.

અદાલતે ધારાશાસ્ત્રી અશ્વીન બી.ગોસાઇ દ્વારા કરવામાં આવેલ દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધેલ અને તે પુરાવાઓ અને દલીલના આધારે અદાલતે આરોપી દિપકકુમાર મણીલાલ સોનીને દોષીત માની સજાનો હુકમ ફરમાવેલ.

જેના નામદાર અદાલતે આઠ-આઠ લાખના બે (ર) ચેકના બંને કેસોમાં  એક-એક વર્ષની સજા અને જો આઠ-આઠ લાખના ન ચુકવે તો વધુ એક-એક વર્ષની સજાનો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ શાહ તથા યુવા ધારાશાસ્ત્રી  અશ્વીનભાઇ ગોસાઇ, નીતેષભાઇ કથીરીયા, નીવીદભાઇ પારેખ, ચિત્રાંક એસ.વ્યાસ, હર્ષીલ શાહ, ઘનશ્યામભાઇ વાંક, કશ્યપભાઇ ઠાકર, રવીભાઇ મુલીયા, નેહાબેન વ્યાસ, રાજુભાઇ ગોસ્વામી, ભાવીનભાઇ રૂઘાણી વિગેરે રોકાયેલા હતા. 

(3:56 pm IST)