Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

શાપર-વેરાવળના પારડી પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત : ધડ - માથુ નોખા થઇ ગયા

રીબડા સ્ટેશન માસ્તરે જાણ કરતા શાપર પોલીસે યુવાનની ઓળખ મેળવવા તપાસ આદરી

રાજકોટ તા. ૬ : શાપર - વેરાવળના પારડી ફાટક નજીક એક અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ શાપર - વેરાવળના પારડી પાસે આવેલા ફાટક નં. ૧૯/સી પાસે આશરે ૨૫ વર્ષના અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. રીબડા રેલવે સ્ટેશન માસ્તરે જાણ કરતા શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ. નવશાદભાઇ તથા રાઇટર રવિરાજસિંહ સહિત સ્થળ પર દોડી ગયા હતા. મૃતક યુવાનનું ધડ-માથુ અલગ થઇ ગયા અને બંને પગ પણ કપાઇ ગયા હતા. તેણે બ્લ્યુ કલરનું ટ્રેક પેન્ટ અને કાળા કલરનું ટી-શર્ટ પહેરેલ છે.

પોલીસે આ અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. જો કોઇ આ યુવાનના સગા-સંબંધી હોય તો શાપર - વેરાવળ પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૨૭-૨૫૩૬૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:45 pm IST)