Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ખાદ્યતેલોના ભાવો બેકાબુઃ સીંગતેલ-કપાસીયા અને પામતેલમાં વધુ રપ રૂ.નો તોતીંગ ઉછાળો

ખાદ્યતેલોમાં ઝડપી ઘટાડો સટોડીયાઓ પચાવી ન શકયાઃ કાચા માલની અછતના બહાને બે દિ'માં ફરી ભાવ વધારી દીધા! : સીંગતેલમાં બે દિ'માં ડબ્બે ૧૦૦ રૂ. કપાસીયા તેલમાં ૬૦ રૂ. પામતેલમાં ૬૦ રૂ. વધી જતા લોકોને ખાદ્યતેલોમાં ભાવ ઘટાડાનો લાભ જ ન મળ્યો

રાજકોટ, તા., ૬: ગત સપ્તાહમાં ખાદ્યતેલોમાં થયેલ ઝડપી ઘટાડો સટોડીયાઓ પચાવી શકયા ન હોય તેમ છેલ્લા બે દિ'થી ખાદ્યતેલોના ભાવો બેકાબુ બન્યા છે. આજે સતત બીજા દિવસે સીંગતેલ, કપાસીયા તેલ અને પામતેલમાં રપ રૂ.નો તોતીંગ ઉછાળો થયો છે.

સ્થાનીક બજારમાં કાચા માલની અછતના અહેવાલો આજે પણ ખાદ્યતેલોમાં તેજીનો તરખાટ યથાવત રહયો હતો. સીંગતેલ, કપાસીયા તેલ અને પામતેલમાં આજે એક જ ઝાટકે વધુ રપ રૂ.નો ઉછાળો થયો હતો. સીંગતેલ લુઝન ૧૦ કિ.ગ્રાનો ભાવ ૧૪૪પ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૪૭૦ રૂ. ભાવ બોલાયો હતો. સીૅગતલ નવા ટીનના ભાવ ર૪ર૦ રૂ.થી ર૪પ૦ રૂ. હતા તે વધીને ર૪૪પ થી ર૪૭પ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. તેમજ કપાસીયા તેલ લુઝના ભાવ ૧૩૪૦ રૂ. હતા  તે વધીને ૧૩૬પ રૂ. થયા હતા. જયારે કપાસીયા ટીનના ભાવ ર૩રપ થી ર૩પ૦ રૂ. હતા તે વધીને ર૩૪પ થી ર૩૭પ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.  પામતેલમાં પણ ડબ્બે રપ રૂ.નો વધારો થયો હતો. પામતેલ લુઝ ભાવ ૧૧૮૦ રૂ. હતા તે વધીને ૧ર૦પ રૂ. થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં સારા વરસાદને કારણે તમામ ખાદ્યતેલોમાં ૧૦૦ થી ૧પ૦ રૂ.નો ઘટાડો નોંધાયો હતો. ખાદ્યતેલના ભાવ ઘટાડો સટોડીયાઓ પચાવી શકયા ન હોય તેમ છેલ્લા બે દિવસથી કાચા માલની અછતના બહાને  ખાદ્યતેલોના ભાવોમાં તેજીનો ખેલ પાડી દીધો છે.  છેલ્લા બે દિવસમાં સીંગતેલમાં ડબ્બે ૧૦૦ રૂ., કપાસીયા તેલમાં ૬૦ રૂ. અને પામતેલમાં ૬૦ રૂ.નો તોતીંગ ભાવવધારો થયો છે. ખાદ્યતેલોનો ભાવઘટાડાનો લાભ લોકોને મળે તે પહેલા જ ફરી ખાદ્યતેલોના ભાવ વધી ગયા છે. રાજય સરકાર ભાવવધારાના કારણ અંગે તપાસ કરી અસરકારક પગલા ભરે તેવી લોકોમાં માંગણી છે.

(3:06 pm IST)