Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

કોરોના પોલીસી અંગેના કલેઇમની ચુકવણી નહિં કરતાં વિમા કંપની વિરૂધ્ધ થયેલ ફરીયાદ

ગ્રાહક ફોરમ દ્વારા નોટીસ ઇસ્યુ કરી જવાબદારને હાજર થવા આદેશ

રાજકોટ તા. ૬: અત્રે કોરોના પોલીસી અંગેનાં કલેઇમની ચુકવણી કરવાનું નકારવા બદલ વીમા કંપનીની વિરૂધ્ધમાં કન્ઝયુમર કોર્ટમાં ફરીયાદ થયેલ છે.

રાજકોટનાં રહેવાસી શ્રીમતી પ્રતીમાબેન ધીરેન્દ્રભાઇ કાનાબારએ ફયુચર જનરાલી ઇન્ડીયા ઇન્શ્યોરન્સ કાું. લી.ની ''કોરોના રક્ષક'' પોલીસી મુજબનો વીમો લીધેલ હતો અને તે અંગેનું પ્રીમીયમ કંપનીને ચુકવેલ. સદરહું પોલીસી લેનાર વીમા ધારકને જો પોલીસી પીરીયડ દરમ્યાન કોવીડ-૧૯ પોઝીટીવ આવે અને તેની સારવાર અર્થે જો ૭ર કલાકથી વધુ સમય માટે હોસ્પીટલમાં દાખલ થવું પડે તો આવા વીમા ધારકને વીમાની ૧૦૦% રકમ ચુકવવા પાત્ર થાય છે. તે મુજબની પોલીસી લીધા બાદ પોલીસી પીરીયડ દરમ્યાન માર્ચ-ર૦ર૧ માં પ્રતીમાબેનને કોવીડ-૧૯ પોઝીટીવ આવેલ અને ડોકટરની સલાહ મુજબ સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ થવું પડેલ અને દિવસ-૪ સુધી સારવાર મેળવ્યા બાદ ઘેર રહીને સારવાર મેળવવા તેમજ બેડ રેસ્ટ અંગેની સલાહ મુજબ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવેલ.

ત્યારબાદ પ્રતીમાબેનએ વીમા કંપનીમાં જયારે જરૂરી પોસીજર સાથે કલેઇમ દાખલ કરેલ ત્યારે વીમા કંપનીએ સદરહું કલેઇમ રીજેકટ કરેલ અને વીમાની રકમ ચુકવેલ નહીં. જેથી વીમા ધારકએ વીમા કંપનીને સદરહું કલેઇમ અંગે રીવ્યુ કરવા માટે વિનંતી કરેલ પરંતુ તેમ છતાં વીમા કંપનીએ પોતાનો નિર્ણય બદલ્યો નહીં. જેથી ના છુટકે વીમા ધારકે પોતાના એડવોકેટ મારફત વીમા કંપનીને લીગલ નોટીસ આપેલ. તેમ છતાં વીમા કંપનીએ સદરહું કલેઇમ ચુકવવાની જવાબદારી સ્વીકારેલ નહીં. આમ વીમા કંપનીનાં આવા વ્યવહારથી અને પ્રીમીયમની રકમ મેળવ્યા બાદ જવાબદારીમાંથી છટકી જવાની બદદાનતનો અનુભવ થતાં પ્રતીમાબેનને ખુબજ આઘાત લાગેલ અને વીમા કંપનીનાં આવા વર્તન અને ખોટા નિર્ણયથી નારાજ થઇને પ્રતીમાબેનએ રાજકોટ ડીસ્ટ્રીકટ કન્ઝયુમર રીડ્રેસલ ફોરમ સમક્ષ ફયુચર જનરાલી ઇન્ડીયા ઇન્શ્યોરન્સ કાું. લી. વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરેલ છે.

કન્ઝયુમર અદાલત દ્વારા વીમા કંપનીને નોટીસ ઇશ્યુ કરી કન્ઝયુમર ફોરમમાં હાજર થઇ જવાબ રજુ કરવા હુકમ કરવામાં આવેલ છે. સદરહું ફરીયાદમાં ફરીયાદી તરફે એડવોકેટ શ્રી પ્રવિણ એચ. કોટેચા, પુર્વેશ પી. કોટેચા, રવિ એચ. સેજપાલ, હરેશ  ડી. મકવાણા, રજનીક એમ. કુકડીયા, અજયસિંહ એલ. ચુડાસમા, ચિંતન એમ. ભલાણી, વૈભવ ડી. મહેતા રોકાયેલ છે.

(3:24 pm IST)