Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સૂફી ગાયક ગુલઝાર રાજકોટમાં : સાંજે સંગીત કાર્યક્રમ

નરસિંહ સે ગાંધી તક - સ્નેહ સંગીત યાત્રા અંતર્ગત હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ : રાજેન્દ્રસિંહ જલપુરૂષ ઉપસ્થિત રહેશે : ગાંધીજીની આત્મકથાના કાશ્મીરી ભાષાના અનુવાદનું વિમોચન

રાજકોટ તા. ૬ : આજે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ વાગ્યા દરમિયાન રાજકોટના હેમુ ગઢવી હોલમાં 'નરસિંહ સે ગાંધી તક' કાર્યક્રમ યોજાયો છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાશ્મીરી સૂફી લોક ગાયક સુલઝાર અહમદ ગનાઇ જમાવટ કરશે. આ કાર્યક્રમ ઓપન છે. રસ ધરાવનારાઓ લાભ લઇ શકે છે. કાર્યક્રમનું આયોજન વિશ્વ ગ્રામ સંસ્થાના તુલા-સંજય, નમ્રતા - કેતને કર્યું છે. ઉત્કર્ષ હેલ્થ કેરના કુસુમ કોલ તથા અરવિંદભાઇ મણિયાર ટ્રસ્ટના ડો. કથીરિયા, જ્યોતિન્દ્ર મામા, હંસિકાબેન મણિયાર, ફૂલછાબના તંત્રી કૌશિકભાઇ મહેતા વગેરેનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો છે.

ગાંધીજીનું પસંદિતા અને મૂળ નરસિંહ મહેતાનું ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ...' આ ભજનનો કુસુમ કૌલ વ્યાસે (જે કશ્મીરી પંડિત છે અને અમદાવાદમાં રહે છે.) કશ્મીરીમાં અનુવાદ કરાવ્યો, જે શાહબાઝ હકબારીએ અનુવાદ કર્યો છે. આ 'વૈષ્ણવજન' ભજનની પ્રથમ વખત કાશ્મીરી ભાષામાં પ્રસ્તુતિ આ યાત્રા દરમિયાન કશ્મીરી સૂફી લોકગાયક - ગુલઝાર અહમદ ગનાઇ દ્વારા થઇ રહી છે.

ગુલઝારભાઇ અને એમની ટીમ કશ્મીરના સૂફી લોકગીતો દ્વારા પરંપરાગત વાદ્ય, મટકા, રબાબ દ્વારા આપણને કશ્મીરની સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવશે.

ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો'નો નવજીવન ટ્રસ્ટ દ્વારા કશ્મીરી અને બોડો ભાષામાં અનુવાદ પ્રકાશિત થયો છે.

આ કાર્યક્રમમાં આપણી સાથે સ્નેહસંવાદ કરશે ડો. રાજેન્દ્રસિંહ કે જેમણે રાજસ્થાનની ઘણી બધી સૂકાઇ ગયેલી નદીઓને જીવતી કરી છે અને એ પ્રદેશને હરિયાળો બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે. પાણી અને પર્યાવરણ માટે વર્ષો ખર્ચી નાખનાર તેઓને જલપુરૂષનો ખિતાબ મળેલો છે. મેગ્સેસે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

(3:38 pm IST)