Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

શું ઉંચા અવાજે વાત કરે છે, તારે બીજુ કંઇ નથી ને? કહી શહેર કોંગ્રેસ પ્રમુખના ભત્રીજા પર હુમલામાં ચાર પકડાયા

જયદિપ ડાંગર પાનવાળા સાથે ખબર પુછવા વાત કરતો હતો ત્યારે ચાના થડાવાળો જસમત ઓચિંતો ધસી આવ્યો... : ભકિતનગર પોલીસ અગાઉ પાસામાં જઇ આવેલા ગુંદાવાડીના જસમત ઉર્ફ જશો ઝાપડા અને તેના ત્રણ પુત્રો મેહુલ ઝાપડા, ઉમેશ ઝાપડા અને ઉદય ઝાપડાને પકડી આકરી પુછતાછ કરી : જસમત ઝાપડાની જયદિપ અને રાજેશ ડાંગર વિરૂધ્ધ હુમલાની વળતી ફરિયાદઃ છોડ પાસે એકટીવા પાર્ક કરવાની ના પાડતાં ડખ્ખો થયાનું કથન

તસ્વીરમાં સશસ્ત્ર હુમલામાં ઘાયલ જયદિપ (મુન્ના) ડાંગર અને તેના પિત્રાઇ ભાઇ તથા હોસ્પિટલે દોડી આવેલા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર તથા બીજા આગેવાનો, કાર્યકરો (ઉપર-નીચેની તસ્વીર) તથા ડાબે પોલીસે પકડેલા ચાર આરોપીઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: શહેર કોંગ્રેસ પ્રમુખના બે ભત્રીજાઓ પર લક્ષ્મીવાડી મેઇન રોડ પર પાનની દૂકાન પાસે ગુંદાવાડીના ભરવાડ શખ્સ અને તેના ત્રણ પુત્રોએ સશસ્ત્ર હુમલો કરતાં પોલીસે સાત જણા સામે રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ભરવાડ પ્રોૈઢ અને તેના ત્રણ પુત્રોને પકડી લીધા છે. ફાકી ખાઇ રહેલા કોંગી પ્રમુખના ભત્રીજા દૂકાનદાર સાથે વાત કરતાં હતાં ત્યારે બાજુમાં ચાનો થડો ધરાવતાં ભરવાડ શખ્સે 'શું ઉંચા અવાજે વાત કરે છે, તારે બીજુ કંઇ નથી ને?' તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યાનું બહાર આવ્યું છે.

ભકિતનગર પોલીસે આ બનાવમાં કોઠારીયા કોલોની બ્લોક નં. ૨૪૨માં શ્રી યશોદાનંદન ખાતે રહેતાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરના ભત્રીજા ટ્રાન્સપોર્ટ સંચાલક જયદિપ દિલીપભાઇ ડાંગર (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી ગુનો નોંધી ગુંદાવાડીના જસમત ઉર્ફ જસો ઝાપડા અને તેના ત્રણ પુત્રોને ગણતરીના સમયમાં ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. સામે જસમતે પણ વળતી ફરિયાદ કરી છે. અન્ય ત્રણ અજાણ્યા શખ્સોની શોધખોળ થઇ રહી છે.

શ્રી યદુનંદન ટ્રાન્સપોર્ટ નામે વ્યવસાય ધરાવતાં જયદિપ ડાંગરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું લક્ષ્મીવાડી મેઇન રોડ પર હવેલી પાસે રૂપાલી પાન ખાતે ફાકી ખાતો હતો ત્યારે પાનવાળા ચિરાગભાઇ સાથે ખબર અંતર પુછવાની વાત કરતો હતો ત્યાં ચાની કેબીનવાળા જસાભાઇ ઝાપડાએ મારી પાસે આવીને 'શું ઉંચા અવાજે વાત કરે છે, તારે બીજુ કંઇ નથી ને?' તેમ કહી દાટી મારતાં બોલચાલી થઇ હતી.

જેથી મેં મારા કાકાના દિકરા રાજુભાઇ અને સંદિપભાઇને બોલાવ્યા હતાં. જસાભાઇએ પણ ફોન કરતાં સાતેક જણા ધોકા-પાઇપ લઇને આવીગયા હતાં. જોતજોતામાં આ શખ્સો મારા પર તૂટી પડ્યા હતા. જેમાં જસાએ મને માથામાં છરીનો ઘા મારી દીધો હતો. તેના ત્રણ દિકરા પણ હતાં. જેમાં ઉમેશે તલવાર મારવા જતાં મેં પકડી લેતાં હાથમાં ઇજા થઇ હતી. ઉદયે પણ તલવારનો ઘા કરતાં મને ઇજા થઇ હતી. મેહુલ પાસે પણ તલવાર હતી, તેનાથી મને કોણીમાં ઇજા કરાઇ હતી. બીજા શખ્સો પાસે પાઇપ-ધોકા હતાં. મારી નાખો...એવું બધા કહેતાં હતાં.

ત્યાં થોડીવારમાં મારા કાકાના દિકરાઓ આવી ગયા હતાં. આ બંનેને પણ ઇજા પહોંચાડાઇ હતી. રાજેશભાઇને ડાબા હાથે અને સંદિપભાઇને કમરે ઇજા થઇ હતી. માણસો ભેગા થતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં. મને મારા મિત્રની કારમાં હોસ્પિટલે લઇ જવાયો હતો.

ફરિયાદમાં જયદિપ ડાંગરે વધુમાં જણાવ્યું છે કે જસાભાઇ અને તેના પરિવારના લોકો લત્તામાં માથાભારેની છાપ ધરાવે છે. હું પાનવાળા સાથે વાત કરતો હતો ત્યારે શું ઉંચા અવાજે વાત કરે છે? કહી બાદમાં  હુમલો કરાયો હતો.

ભકિતનગર પીઆઇ જે.ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ, પીએસઆઇ આર. એન. હાથલીયા, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. રણજીતસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, મૈસુરભાઇ અને વિશાલભાઇએ ચાર આરોપીઓ જસમત ઉર્ફ જસા લક્ષમણભાઇ ઝાપડા (ઉ.વ.૫૭) તથા તેના ત્રણ દિકરા મેહુલ (ઉ.૩૧), ઉમેશ (ઉ.૨૮) અને ઉદય (ઉ.૨૮)ને પકડી લીધા છે. જસમત અગાઉ પાસામાં પણ જઇ આવ્યો છે અને મારામારી સહિતના ગુનામાં સંડોવાઇ ચુકયો છે. પોલીસે તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું.

સામા પક્ષે જસમત ઝાપડાએ પણ જયદિપ ઉર્ફ મુન્નો દિલીપભાઇ ડાંગર અને રાજેશ ભરતભાઇ ડાંગર વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જેમાં તેણે એવો આરોપ મુકયો છે કે તેના ચાના ટેબલ પાસે સદ્દભાવના ટ્રસ્ટવાળા ઝાડ (છોડ) વાવી ગયા હોઇ ત્યાં એકટીવા પાર્ક કરવાની ના પાડતાં ઝઘડો કરી ધોકાથી હુમલો કરાયો હતો. જેમાં તેના દિકરાને ઇજા થઇ હતી. તેમજ આરોપીઓએ ગાળો પણ દીધી હતી. (૧૪.૮)

જસમત ઝાપડા વિરૂધ્ધ મારામારી સહિતના ૪ ગુનાઃ મેહુલ અને ઉમેશ પણ પોલીસ ચોપડે ચડી ચુકયા છે

. હુમલો કરનાર જસમત ઉર્ફ જસો ઝાપડા વિરૂધ્ધ ભકિતનગર પોલીસમાં અગાઉ મારામારી, જૂગાર, એ-ડિવીઝનમાં રાયોટીંગનો મળી ચાર ગુના નોંધાઇ ચુકયા છે. તેમજ અગાઉ પાસાની હવા ખાઇ ચુકયો છે. જ્યારે મેહુલ વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ૨૬૯, ૧૮૮ નો ગુનો અને ઉમેશ વિરૂધ્ધ મહિલા પોલીસમાં ૪૯૮ મુજબનો ગુનો નોંધાઇ ચુકયાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું.

(12:46 pm IST)