Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ફોર્મના વેરિફિકેશનમાં કોર્પોરેટરની સહી કરી આપનારા કોંગ્રેસના કાર્યાલય મંત્રીની ધરપકડ

આધારપુરાવા વગર આધારકાર્ડ કાઢવાના પ્રકરણમાં : જન સુવિધા કેન્દ્રના સંચાલક પ્રકાશ અને સાગરના રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૬: રૈયા રોડ બ્રહ્મસમાજ ચોકમાં જન સુવિધા કેન્દ્રમાં કોઇપણ જાતના આધાર પુરાવા વગર વિદેશી (નેપાળી)ઓને આધાર કાર્ડ કાઢી આપી રોકડી કરતાં અને આવા આધારકાર્ડ કાઢવા માટે બોગસ ડોકયુમેન્ટ ઉભા કરતાં કેન્દ્રના સંચાલક પ્રકાશ ધીરજલાલ મારવીયા તથા તેના કર્મચારી સાગર વિનયકાંત રાણપરા સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ કોઠારીયા કોલોનીમાં રહેતાં કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ સતિષભાઇ ભટ્ટની પણ પોલીસે ધરપકડ કરી છે. તેણે આધારકાર્ડના ફોર્મના વેરીફિકેશન માટે કોર્પોરેટર રવજીભાઇ ખીમસુરીયા વતી સહી-સિક્કા કરી આપ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

પ્રકાશ અને સાગરની પુછતાછ થતાં તેણે નેપાળી નાગરિકને કોર્પોરેટર ઓળખે છે તે પ્રકારનું વેરિફિકેશન કરાવવા માટેના સહી સિક્કા કોગી કોર્પોરેટર વતી કાર્યાયલ મંત્રી વિરલ ભટ્ટે કરી આપ્યાનું સામે આવતાં પોલીસે તેની અટકાયત કરી હતી. કોવિડ રિપોર્ટ બાદ ધરપકડ થશે. બીજી તરફ પ્રકાશ અને સાગરના આજે રિમાન્ડ માંગવામાં આવશે. વિરલ ભટ્ટે કોઇપણ પ્રકારના આર્થિક લાભને કારણે નહિ પણ સેવાની ભાવનાથી સહી સિક્કા કરી દીધાનું કહ્યું હતું.

પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ આર. એસ. પટેલ, હીરાભાઇ રબારી, ખોડુભા જાડેજા સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(2:52 pm IST)