Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

લોકડાઉન ખુલ્યા પછી પણ ધંધો ન જામતાં પાણીપુરીના ધંધાર્થીએ ફાંસો ખાઇ મોત મેળવ્યું

હનુમાન મઢી પાછળ ન્યુ રંગઉપવનમાં સોસાયટીમાં બનાવથી અરેરાટી

રાજકોટ તા. ૬: લોકડાઉન વખતે અનેક લોકોએ કામધંધા વગર કંટાળીને ન ભરવાના પગલા ભર્યા હતાં. હજુ પણ ઘણાને ધંધા જામતાં ન હોઇ મુશ્કેલી અનુભવી રહ્યા છે. દરમિયાન રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ ન્યુ રંગઉપવન સોસાયટી-૩માં રહેતાં પાણીપુરીના ધંધાર્થી રામેશ્વરભાઇ જેરામભાઇ પ્રજાપતિ (ઉ.વ.૫૪)એ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂ઼કાવી લેતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

રામેશ્વરભાઇએ સવારે ઘરના નીચેના રૂમમાં પંખામાં દોરડુ બાંધી આ પગલુ ભરી લેતાં ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. સવારે પત્નિ સરોજબેન ઉપરના માળે ચા બનાવવા ગયા હતાં ત્યારે બનાવ બની ગયો હતો. ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. પોતે પાણીપુરીની ફેરી કરી ગુજરાન ચલાવતાં હતાં. પરંતુ લોકડાઉન આવતાં આ ધંધો ઠપ્પ હતો. હવે લોકડાઉન ખુલ્યા પછી પણ બરાબર ધંધો જામતો ન હોઇ કેટલાક દિવસથી સતત ચિંતામાં રહેતાં હતાં અને આજે આ પગલુ ભરી લીધું હતું. આપઘાત કરનાર રામેશ્વરભાઇ મુળ મધ્યપ્રદેશના હતાં. જો કે વર્ષોથી તેઓ અહિ સ્થાયી થયા હતાં. બનાવથી આસપાસના રહેવાસીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(2:52 pm IST)