Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કોરોના કેસનો રાફડો ફાટતા મનપાનું તંત્ર સફાળુ જાગ્યુઃ વધુ ૫૦ ધન્વંતરી રથ દોડાવશે

શહેરના પાંચ સ્થળોએ ૨૪ કલાક ટેસ્ટીંગ બુથ કાર્યરતઃ ૩ દિ’માં ૫૬ % બાળકોએ વેકસીન અપાઇઃ ૧૮થી વધુ વયના ૯.૨૬ લાખ લોકોને રસી અપાઇઃ ૯૬.૭ ટકા લક્ષ્યાંક સિધ્ધઃકોરોનાની કામગીરી અંગે વિસ્તૃત અહેવાલ જાહેર કરતા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન - આરોગ્ય સમિતિની ચેરમેનઃ ત્રીજી લહેર સામે સાવચેતીના ભાગરૂપે સઘન ઝુંબેશઃ પુષ્કર પટેલ-ડો.રાજેશ્રીબેનનું માર્ગદર્શન

રાજકોટ,તા.૬: શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા મનપા તંત્ર દ્વારા સાવચેતીનાં ભાગરૂપે ટેસ્ટીંગ બુથ, ધન્વંતરી રથ, વેકસીનેશન સહિતની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રહી છે તેની વિસ્તૃત માહિતી સ્ટેન્ડિગ કમિટિ ચેરેમન પુષ્કર પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રી બેન ડોડીયાએ જાહેર કરી છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા આરોગ્ય કમિટી ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યુ હતું કે, વર્તમાન સમયમાં કોરોનાની મહામારીની ત્રીજી લહેર આગળ વધતી વધતી જાય છે ત્યારે સાવચેતીના ભાગરૂપે ઝુંબેશ હાથ ધરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી કામગીરી શરૂ કરવામાં આવેલ છે. હાલમાં શહેર ભરમાં ૫૦ ધનવન્તરી રથ કાર્યરત હતા તેમાં બીજા ૫૦નો વધારો કરી કુલ ૧૦૦ ધન્વંતરી રથ ચાલુ કરવામાં આવેલ છે તેમાં ૧ ડોક્ટર અને ૧ પેરા મેડીકલ સ્ટાફ્ ફ્રજ પર છે તેઓ શહેરના કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉંપરાંત હોમ આઈસોલેશન દર્દીની સારવાર માટે ૫૦ સંજીવની રથ આજથી કાર્યરત કરવામાં આવનાર છે તેમાં ૧ ડોક્ટર અને ૧ પેરા મેડીકલ સ્ટાફ્ ફ્રજ પર રખાયા છે.
વિશેષમાં, કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા માટે  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરીમાં પહેલા માળે રૂમ નં.૧માં કંટ્રોલ રૂમ(વોર રૂમ) શરૂ કરવામાં આવેલ છે જયાંથી આ તમામ કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવે છે. શહેરમાં બસ સ્ટેશન, રેલવે  સ્ટેશન તથા એરપોર્ટ પર ૨૪/૭ સ્કીનીંગની કામગીરી કરવામાં આવે છે. તેમજ આકાશવાણી ચોક, રૈયા ચોક, કે.કે.વી. ચોક, લીમડા ચોક તથા મવડી ચોક ખાતે કોરોના ટેસ્ટીંગ બુથ કાર્યરત છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને વેક્સીન આપવાનું શરૂ કરાવેલ છે જે અંતર્ગત રાજય સરકાર દ્વારા પણ વેક્સીનની ઝુંબેશ હાથ ધરાયેલ છે જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૩ જાન્યુઆરી થી તમામ સ્કુલોમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને ૯૩ જેટલી ટીમ બનાવી વેકસીનનો પ્રારંભ કરાયેલ જેમાં તા. ૩ જાન્યુઆરી થી તા. ૫ જાન્યુઆરી  દરમ્યાન ક્રમશઃ ૧૪,૩૭૪, ૧૮,૩૬૬ અને ૧૩,૧૩૮ મળી કુલ ૪૫,૮૭૮(એટલે કે ૫૬%) બાળકોને વેક્સીન આપવામાં આવેલ છે.
આ ઉંપરાંત ૧૮ થી વધુ વયના લોકોને વેક્સીન આપવાના ૧૧,૪૨,૦૯૩ના લક્ષ્યાંકની સામે ૧૨,૮૮,૦૧૫ લોકોને વેક્સીન આપી ૧૧૨.૭૮% લક્ષ્યાંક સિદ્ધ કરેલ છે તેમજ વેક્સિનના બીજા ડોઝમાં ૧૦,૬૨,૬૪૯ની સામે ૯,૬૩,૫૫૧ લોકોને વેક્સીન આપી ૯૬.૭% લક્ષ્યાંક સિદ્ધ કરેલ છે.
અંતમાં, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા તંત્રને સુસજ્જ કરવામાં આવેલ છે.

 

(2:48 pm IST)