Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ચહેરાની સાથે વ્‍યક્‍તિના મૂડને જાણી જતો સ્‍માર્ટ અરીસો બનાવતી રાજવી કોટેચા

રાજકોટના જાણીતા બિલ્‍ડર જયેશભાઇ કોટેચાની દીકરી રાજવીએ મેજિકલ અરીસો બનાવી આત્‍મીય કોલેજ સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું : જાદુઇ અરીસો ઇલેક્‍ટ્રોનિક્‍સ ઉપકરણોને વ્‍યક્‍તિના વોઇસ કમાન્‍ડ થી ચાલુ-બંધ પણ કરે છે! પ્રશ્નોના જવાબો પણ આપે છે! વ્‍યક્‍તિના મૂડ મુજબ ગીતો પણ વગાડે છે!

રાજકોટ : શું તમારો મૂડ ખરાબ છે? તમારે રીલેક્‍સ થવું છે? જયાં જવું છે તેનું સરનામું નથી ખ્‍યાલ? આજનો ઇન્‍ટ્રાડે શું છે? કેટલા વાગ્‍યા? આજે કઇ તારીખ થઇ? આજના લેટેસ્‍ટ સમાચાર શું છે? માત્ર એક અરીસા સામે જોવો અને જાણો... નવાઇ લાગી ને? આમતો અરીસો વ્‍યક્‍તિનો ચહેરો દર્શાવે છે પણ આ હકીકત છે. આજના ટેક્‍નોલોજીના યુગમાં આ સપનાને સાકાર કરી બતાવ્‍યું છે રાજકોટની જ દીકરી રાજવી જયેશભાઇ કોટેચાએ. આત્‍મીય ઇન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ ટેક્‍નોલોજીમાંથી કોમ્‍યુટર એન્‍જીનિયર થનાર રાજવી કોટેચાએ ડિઝાઇન કરેલ પ્રોજેક્‍ટ ‘ઓપ્‍ટીમાઇઝ્‍ડ ઇન્‍ફોર્મેટીવ મિરર' ને ભારત સરકારે તાજેતરમાં ૨૦ વર્ષ માટે પેટન્‍ટ પણ આપી છે.! ૨૯ ઓક્‍ટોબર ૨૦૨૦ ના રોજ પ્રોજેક્‍ટ ફાઇલ કર્યો હતો અને ૩ જાન્‍યુઆરી ૨૦૨૨ ના રોજ તેને ભારત સરકારની પેટન્‍ટ ઓફિસે મંજુરી આપી હતી.
રાજવી જયારે કોમ્‍યુટર એન્‍જીનિયરીંગના છેલ્લા વર્ષમાં હતી ત્‍યારે એક પ્રોજેક્‍ટ કરવાનો હતો. તેને આઇ.ઓ.ટી બેઇઝ્‍ડ પ્રોજેક્‍ટ લેવો હતો જેથી કંઇક અલગ કરવા અરીસાને પસંદ કર્યો. હાલ ઓક્‍ટોવેબ ઇન્‍ફોટેક સાથે જોડાયેલી રાજવી કહે છે, દરેક વ્‍યક્‍તિ દરરોજ અરીસા સામે જુવે છે. એટલે અરીસાને લઇ તેની પાછળ ‘રાઝબેરી પાઇ' પ્રોગ્રામીંગ દ્વારા ટેક્‍નોલોજીવાળો અરીસો તૈયાર કર્યો. રાજવી કોટેચાએ તૈયાર કરેલ આ અરીસાની ખાસીયત એ છે કે, સામાન્‍ય દેખાતા આ અરીસામાં તેની પાછળની બાજુએ લગેલ કેમેરો અરીસાની સામે ઉભેલી વ્‍યક્‍તિના ચહેરા પરથી તેની લાગણીઓ અને મૂડ ને જાણી લે છે અને તે મુજબ ગીત વગાડવાનું ચાલુ કરે છે. ખાસ તો આખો દિવસ કામ કરી થાકીને આવેલા લોકોનો મૂડ ફ્રેશ કરી દે છે. એટલું જ નહીં આ અરીસો  ઘરમાં રહેલા ઇલેક્‍ટ્રોનિક્‍સ ઉપકરણો જેવાકે પંખો, લાઇટ, ફ્રિઝ, સ્‍માર્ટ ટીવી, એ.સી. વગેરેને વ્‍યક્‍તિના વોઇસ કમાન્‍ડ થી ચાલુ-બંધ પણ કરે છે! આ ઉપરાંત દેશ-દુનિયાના કે જનરલ નોલેજના પ્રશ્નો પૂછતા તેના જવાબો પણ આ સ્‍માર્ટ મિરર માંથી જાણી શકાય છે. હા.. આ બધા માટે ઇલેક્‍ટ્રીસીટિ અને ઇન્‍ટરનેટની જરૂર પડે છે.
છેલ્લા ઘણા વર્ષોથી સરકાર તથા વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને તેમના આઇડિયા તથા પ્રોજેક્‍ટની પેટન્‍ટ ફાઇલ કરવા માટે સતત પ્રોત્‍સાહિત કરે છે. જે માટે ગાંધીનગર ખાતે આવેલ એસ.એસ.આઇ.પી સેલ દ્વારા ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોને ફંડ અપાય છે જેના ઉપયોગ સાથે રાજવી કોટેચાએ ગુજરાત ટેક્‍નોલોજિકલ યુનિવર્સિટીના ડો. કોમલ બોરીસાગર, વી.વી.પી. કોલેજના રવિનભાઇ સરધારા તથા આત્‍મીય યુનિવર્સિટીના ડો. ધર્મેશ ભાલોડિયાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૦ ના લોકડાઉનના સમયનો સદઉપયોગ કરીને તેના આ ડિઝાઇન કરેલ પ્રોજેક્‍ટ ઓપ્‍ટીમાઇઝ્‍ડ ઇન્‍ફોર્મેટિવ મિરર ની પેટન્‍ટ ફાઇલ કરેલી. જે પેટન્‍ટ ઓફિસ ઇન્‍ડિયાની જર્નલમાં પબ્‍લિશ પણ થઇ હતી. ત્‍યારબાદ આ પેટન્‍ટની મંજુરી માટે તેનું પરિક્ષણ કરવા પેટન્‍ટ ઓફિસ ઇન્‍ડિયા દ્વારા કોલકતામાંથી ખાસ પરીક્ષક નિમવામાં આવ્‍યા હતા. જેમણે આ પેટન્‍ટનો અંદાજીત ૯ મહિના ઉંડાણ પૂર્વક અભ્‍યાસ કર્યા બાદ પેટન્‍ટ માટે કરાયેલા દાવાને માન્‍ય રાખી આગામી ૨૦ વર્ષ માટેના પેટન્‍ટ આપી મંજુર કર્યા હતા. મતલબ કે હવે આગામી ૨૦ વર્ષમાં આ કે આવી પ્રોડક્‍ટ રાજવી કોટેચા સિવાય કોઇ બનાવી શકે નહીં.
રાજવી કહે છે, આ જાદુઇ કહી શકાય તેવા મિરરને બનાવતા મને ૬ થી ૭ મહિના જેવો સમય લાગ્‍યો હતો અને લગભગ ૧૦ હજાર જેટલો ખર્ચ થયો હતો. આ ફિચર્સવાળો મિરર એ ભારતનો પહેલો પ્રોજેક્‍ટ છે. આ માટે પેટન્‍ટ મેળવવા રીતસર પરીક્ષા આપવી પડે છે. પહેલા મુંબઇની પેટન્‍ટ ઓફિસમાં એપ્‍લાઇ કર્યું હતું જયારે આ કેસ કોલકતાની પેટન્‍ટ ઓફિસમાં શિફટ થયો હતો જયાં ૨૧ સપ્‍ટેમ્‍બરે પરિક્ષક સામે ઓનલાઇન પરિક્ષા આપી હતી અને તેમના પ્રશ્નોના ત્‍વરિત જવાબ આપી નિરાકરણ કર્યું હતુ અને પેટન્‍ટ કેસની સુનાવણી થઇ હતી જેમાં મારા પ્રોજેક્‍ટના એડવાન્‍સ ટેક્‍નોલોજી અને ફિચર્સને ધ્‍યાને લઇ માન્‍યતા અપાઇ હતી.
રાજવી કોટેચા રાજકોટના જાણીતા બીલ્‍ડર જયેશભાઇ કોટેચા તથા આરતીબેન કોટેચાની દીકરી છે. જયેશભાઇના મોટા દીકરી અંકિતાબેન કૂશલભાઇ બુધ્‍ધદેવ પણ એમ.એ. ની ડીગ્રી ધરાવે છે. માતા-પિતાનું પ્રતિબિંબ એવી રાજવીએ મેજિકલ અરીસો બનાવી કોટેચા પરિવારનું અને આત્‍મીય કોલેજ તથા સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. રાજવી કહે છે, મારા માતા-પિતાના આશીર્વાદ અને સહયોગ વિના હું આ સિધ્‍ધિ મેળવી શકવા અસમર્થ હતી. મારા અનુંભવ પરથી મારા જેવી આજની યુવા પેઢીને એકજ મેસેજ આપવો છે કે, તમારૂં લક્ષ્ય અર્જુન જેવું રાખો. તમારા કાર્ય સિવાય બીજું કશુજ વિચારો નહીં. દ્રઢ નિશ્વય કરો અને મહેનત, ધગશ થા મંજિલને પામવાના પ્રબળ પ્રયાસોથી તમારા સપનાઓને સાકાર કરો. સફળતા મળતા તમારી ખુશીનો પાર નહીં રહે.
રાજવી કોટેચા તથા તેને માર્ગદર્શન આપનાર તેમની ટીમને ગુજરાત ટેક્‍નોલોજિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર નવીનભાઇ શેઠ, રજિસ્‍ટ્રાર કે.એન.ખેર, ડાયરેક્‍ટર એસ.ડી.પંચાલ, આત્‍મીય યુનિવર્સિટીના પ્રિન્‍સિપાલ જી.ડી.આચાર્ય, ડેપ્‍યુટી રજીસ્‍ટ્રાર આશિષ કોઠારી, વિભાગીય વડા તોષાલ ભાલોડિયા વગેરેએ રાજવી કોટેચાને ખુબ અભિનંદ પાઠવ્‍યા હતા. (જયેશભાઇ કોટેચા  ૯૮૨૫૭ ૦૯૮૨૭)

તાજા સમાચારો, સમય અને તારિખયું પણ બતાવશે આ જાદુઇ અરિસો..!
આમ તો અરિસો સ્‍માર્ટ મિરર ને આકાર આપનાર રાજવી કોટેચા કહે છે, આ અરીસો દેખાવે સામાન્‍ય છે. જે વ્‍યક્‍તિના બોલવાથી માત્ર થીજ ઓપરેટ થઇ શકે છે. અરીસામાં એક કેમેરો લગાવેલો છે જે વ્‍યક્‍તિના ચહેરાના હાવભાવને ઘ્‍યાને લઇ તેના મૂડ મુજબ ગીતો વગાડશે. ઉપરાંત અરીસામાં એક સ્‍ક્રિન ફિટ કરેલો છે જેમાં તમે સતત તાજા સમાચારોની હેડલાઇન, ડિજીટલ ઘડિયાળ, ચોક્ક્‌સ દિવસ, કેલેન્‍ડર વગેરે જોવા મળે છે.ઁ

રાજવીની શોધે તાઇવાન, કોરિયા અને ચીન ને હંફાવ્‍યા !
જાણીને નવાઇ લાગે પણ આ હકીકત છે કે રાજકોટની દીકરી રાજવી કોટેચાના ઇનોવેશન સ્‍માર્ટ મિરર દ્વારા તાઇવાન, કોરિયા અને ચીન પણ પાછળ રહી ગયા હતા. રાજવી કહે છે કે, વિવિધ પ્રકારના સ્‍માર્ટ મિરરની અલગ-અલગ પેટન્‍ટો તાઇવાન, કોરિયા, ચીન વગેરે જેવા દેશોમાંથી અને ભારતમાંથી પણ આ અગાઉ ફાઇલ કરવામાં આવી હતી પરંતુ તેમાં ઇનોવેશન ડિટેક્‍શન, વોઇસ કંટ્રોલ, પર્સનલ આસીસ્‍ટન્‍ટ વગેરે જેવી મહત્‍વની સુવિધાઓનો એકસાથે સમાવેશ થતો ન હોવાથી માત્ર રાજવી કોટેચા દ્વારા ફાઇલ કરાયેલી પેટન્‍ટને ૨૦ વર્ષ માટે પેટન્‍ટ ઓફિસ ઓફ ઇન્‍ડિયા દ્વારા મંજુર કરવામાં આવી છે. જેનાથી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આત્‍મનિર્ભર ભારત અભિયાનને પણ વેગ મળ્‍યો છે.

નવા ફિચર્સવાળો ભારતનો પહેલો પ્રોજેક્‍ટ..!
જેમાં પાયથનની ઓપન સી.વી.લાઇબ્રેરી, રાસબરી પાઇ મોડ્‍યુલ, રીલે વગેરે પ્રોગ્રામનો ઉપયોગ કરાયો છે

રાજવી કોટેચાએ મહેનત કરી બનાવેલ સ્‍માર્ટ મિરર પ્રોજેક્‍ટ ભારતનો પહેલો નવા ફિચર્સવાળો પ્રોજેક્‍ટ છે. જેમાં પાયથનની ઓપન સી.વી.લાઇબ્રેરી, રાસબરી પાઇ મોડ્‍યુલ, રીલે વગેરે પ્રોગ્રામનો ઉપયોગ કરાયો છે. આમાં પર્સનલ આસિસ્‍ટન્‍ટનિ સુવિધા પણ ઉપલબ્‍ધ છે. આ પ્રોજેક્‍ટને પાસ કરવા પરીક્ષકો સોફટવેરને વિશ્વભરમાં ચેક છે. જેનો લેખિતમાં જવાબ પણ આપવો પડે છે. આ પ્રોજેક્‍ટને ઇનોવેશન સ્‍કપ, ઇન્‍ડસ્‍ટ્રીઅલ એપ્‍લીકેશન, નોવેલ્‍ટી વગેરે ફિચર્સ અને પાસાઓને ધ્‍યાનમાં રાખી ભારતનો પહેલો પ્રોજેક્‍ટ તરીકે માન્‍યતા મળી છે. રાજવી કોટેચા આ પ્રોજેક્‍ટમાં ભવિષ્‍યમાં સોશ્‍યલ મીડિયાનું ફિચર્સ પણ ઉમેરશે. રાજવીને જો સ્‍કોપ મળશે તો વિદેશ જઇ નવા પ્રોજેક્‍ટ કરવાની પણ ઇચ્‍છા છે.

 

(12:53 pm IST)