Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

મનપાના ઇજનેર જોષીના આપઘાત કેસમાં જવાબદારોને ઉઘાડા પાડોઃ મ્યુનિ.તંત્ર-પદાધિકારીઓ દ્વારા કડક તપાસ થવી જરૂરી

આસી.ઇજનેરનો ભોગ લેવાયો છતાં મનપાના તંત્રની ઢીલીનીતીઃ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ખાતાકીય તપાસ કરવા કમિશનરને આવેદન

રાજકોટ તા. ૭ : મનપાના ઇજનેર પરેશ જોષીના આપઘાતના મુદ્દે મનપાના ઉચ્ચ પદાધકારીઓ મ્યુની. કમિશ્નરે રસ લઇને તપાસ કરવી જોઇએ તેવી પરિવારજનો, બ્રહ્મસમાજના વર્તુળોમાં વ્યાપક માંગણીઓ ઉઠવા પામી છે.

પ્રમાણીક ઇજનેરનો ભોગ લેવાયાના પાંચ દિવસ બાદ પણ હજુ કેટલાંક જરૂરી મુદ્દાઓ અંગે જીણવટ ભરી તપાસ જરૂરી છે. આ પ્રકરણમાં પરેશભાઇને ત્રાસ આપવા માટે જે કોઇ જવાબદાર છે. તેઓને ઉઘાડા પાડવા જોઇએ ખુદ મનપાના કર્મચારીઓમાં જ આ બાબતે ભારે ગણગણાટ શરૂ થયો છે. અને જવાબદારો સામે આકરી કાર્યવાહી કરી ઇજનેરના પત્નિ અને પરિવારજનોને ન્યાય અપાવાવો જોઇએ.

પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પણ મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને આ પ્રકરણમાંં ન્યાયીક તપાસ કરવા અને ખાતાકીય તપાસ કરવાની માંગણી કરી છે.

રાજકારણ અને ભ્રષ્ટાચારનો અખાડો બની ગયેલી રાજકોટ મહાનગરપાલીકામાં એક આસીસ્ટન્ટ મદદનીશ ઇજનેરના આપઘાતના આજે ચોથા દિવસે પણ પોલીસના હાથ હજુ ભ્રષ્ટાચારના વિષચક્રને ભેદવા સુધી પહોંચી શકયા નથી. મૃતકના પત્નીએ હૃદયદ્વાવક સ્વરે ન્યાય માટે પોકાર પાડતા જણાવ્યું કે, મારા પતિને કોન્ટ્રાકટર અને ઉપરી અધિકારીઓનું દબાણ હતું પોલીસે આપઘાતની ફરજ પાડવા અંગે મધુરમ કન્ટ્રકશનના ઇજનેર હાર્દિક ચંદારાણા અને સુપરવાઇઝ મયુર ઘોડાસરાની ધરપકડ કરી છે પરંતુ ઉપરી અધિકારીઓ સુધી પહોંચતા પોલીસ અટકી રહી છે.

રાજકોટ મહાપાલીકામાં કેટલાક અમલદારો અને દલાલોની સાંઠગાંઠ વર્ષોથી છે. અહી રાજકીય રિમોટ કન્ટ્રોલથી ધાર્યા નિશાન પાર પડે છે.જેમાં ભ્રષ્ટાચારએ વહેવાર બની ગયો છે. પરેશભાઇ જોષી જેવા ઇજનેરો આવા વિષચક્રમાં જાન ગુમાવે ત્યારે પણ જાડી ચામડીના બાબુઓમાં બિલકુલ સંવેદના દેખાતી નથી. સોશ્યલ મીડીયામાં મ્યુનિસીપલ કમિશનર અને મેયરની ટીકા કરતા લોકો કહે છે કે મહાપાલીકાના એક અસિસ્ટન્ટ ઇજનેરને ભ્રષ્ટ સિસ્ટમના પાયે આપઘાત કરવો પડયો છે છતા હજુ સુધી મેયર કે મ્યુનિ. કમિશ્નર ચેરીટી બિગીન્સ એટ હોમની માફક સ્વ. જોષીના ઉપરી અધિકારીઓને એક શબ્દ કહ્યો નથી. ખરેખર તો પોલીસ ઇન્કવાયરી કરે એ પહેલા જ કમિશ્નર આ શાખાનો એકસરે જાહેર કરી મૃતકના પત્નીને ન્યાય આપી શકયા હોત કારણ કે મહાપાલીકામાં કોના બિલ કોણ પાસ કરે છે.? અને તેમાં કોનો કેવો સ્વાર્થ છે એ જાણકારી મેળવવી આઇએએસ અધિકારી માટે બહુ મુશ્કેલ કામ નથી મેયર યુવાવયના છે. અને વારે તહેવારે નૈતિકતાની વાતો કરે છે. રાજયસભાના સાંસદ મૃતકના કેસમાં ન્યાય માટે આકરા પગલા લેવાનું કહેછે. પરંતુ મેયરે આ શાખાના શંકાસ્પદ વ્યવહારો માટે કોઇ ચીમકી ઉચ્ચારી નથી.

રાજકોટ પોલીસ આ કિસ્સાને ગંભીરતાથી લઇ ભ્રષ્ટાચારની નાગચુડમાં પિસાતા અનેક કર્મચારીઓને ન્યાય અપાવે તેવી માંગણી ઉઠી રહી છે.

(5:05 pm IST)