Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

રાજકોટના મહિલા તબિબને અમેરિકા અને વડોદરામાં પતિ - સાસુના ત્રાસની ફરિયાદ

વેબસાઇટ મારફત મુરતીયો પસંદ કર્યો હતો

રાજકોટ તા. ૭ : નિર્મલા રોડ પર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં માવતરે રહેતી દાંતની ડોકટરને અમેરિકા સ્થિત સોફટવેર એન્જિનિયર પતિ અને વડોદરા રહેતા સાસુ ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. કાર શીખવા અને વધુ અભ્યાસ કરવાની ના પાડી પતિ ઝઘડો કરી મારકૂટ કરતો અને સાસુ દહેજ બાબતે મેણા ટોણા મારતા હતા.

મળતી વિગત મુજબ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં બે માસથી માવતરે રહેતા દાંતના ડો. ધારાબેન (ઉ.વ.૨૯) એ અમેરીકામાં ગુગલ કંપનીમાં સોફટવેર એન્જીનીયર તરીકે નોકરી કરતા પતિ ધ્રુવીલ કીરીટભાઈ પટેલ અને સાસુ નિતાબેન (રહે. બંને બી-૮૭, વૃંદાવન પાર્ક, કારેલી બાગ, વડોદરા) વિરૂધ્ધ મહિલા પોલીસમાં ત્રાસ આપી, મારકુટ કરી, દહેજની માંગણી કર્યાની ફરીયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ ૨૦૧૪ માં તેણે બીડીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગાંધીગ્રામના સત્યનારાયણ પાર્ક મેઈન રોડ પર દવાખાનું શરૂ કર્યું હતું.

લગ્નને લગતી એક વેબસાઈટ મારફત તેનો ધ્રુવીલ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંનેના પરીવારના સભ્યો વચ્ચે મિટિંગ થયા બાદ ૧૧-૧૨-૨૦૨૦ના રાજકોટની હોટલમાં લગ્ન થયા હતા.

લગ્નના ૧૫ દિવસ બાદ સાસુએ કરીયાવર બાબતે મેણાટોણા મારી તારા કરતા તો કોઈ પટેલની, ઓછું ભણેલી હોય તેવી અને ઘરકામ કરતી હોય તેવી છોકરી સાથે ધ્રુવીલના લગ્ન કર્યા હોત તો માંગ્યા મુજબનો કરીયાવર અને વસ્તુઓ તો મળત.આ બાબતે તેણે પતિને ફરીયાદ કરતા તેણે કહ્યું કે તારે કયાં વડોદરા રહેવાનું છે. તારે તો મારી સાથે અમેરીકા રહેવાનું છે. જેથી મમ્મી સાથે લપ નહી કર અને તે જે કોઈ વાત કહે તે સાંભળી લે.

આ પછી પતિ સાથે અમેરીકા રહેવા જતી રહી હતી. ત્યાં પતિએ ડ્રાઈવિંગ કરવા બાબતે, ડેન્ટીસ્ટમાં આગળ અભ્યાસ કરવા બાબતે, તેના માતા પિતા સાથે ફોન પર વાતચીત કરવા બાબતે, ઘરકામ નહી આવડતુ હોવા બાબતે, અવાર-નવાર બોલાચાલી, ઝઘડાઓ અને હલ્કા શબ્દનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું. એક વખત મારકુટ કરતા પડી જતા સોફાનો કોર્નર વાગી ગયો હતો. જેને કારણે તેને પાંસળીમાં ફ્રેકચર થઈ ગયું હતું.

અમેરીકા હતી ત્યારે પણ તેની સાસુએ પતિને ચડામણી કરવાનું ચાલુ રાખ્યું હતું.જેના કારણે પતિએ ત્રાસ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. એક દિવસ પતિએ ઉશ્કેરાઈ જઈ તને અમેરીકા રાખવી નથી તેમ કહી ભારતની ફલાઈટની ટીકીટ કરાવી આપતા ભારત આવી ગઈ હતી. થોડા દિવસ પહેલા પતિ ભારત આવતા તેની સાથે કાલાવડ રોડ પરના એક કાફેમાં મીટીંગ થઈ હતી. જયાં પતિએ બોલાચાલી કરી હવે તારે અમારા ઘરે આવવાનું નથી તમે લોકો પણ અમારા ઘેર આવતા નહીં, જો આવશો તો જોઈ લેશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા.

આ અંગે મહિલા પોલીસે ધારાબેનની ફરિયાદ પરથી પતિ અને સાસુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:18 pm IST)