Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જામનગર રોડ સ્લમ કવાટર્સના એટ્રોસીટી કેસમાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ,તા. ૭ : રાજકોટના ચકચારી સ્લમ કવાર્ટર એટ્રોસીટીના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો રાજકોટની સેસન્સ કોર્ટે ફરમાવેલ છે.

ગત તા. ૪/૧૦/૧૫ તથા તાફ ૩૧/૧૦/૧૫ના રોજ ફરીયાદી ઉર્મીલાબેન મનસુખભાઇ પરમાર, રહે. સ્લમ કવાર્ટર નં. ૩૧ ઉપર બીજા માળે, જામનગર રોડ રાજકોટવાળા ઘરમાં આરોપી (૧) ઇમરાન સલીમભાઇ બાબરખેર (૨) નઝમાબેન ઇમરાનભાઇ બાબર ખેરએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અપશબ્દો બોલી ફરીયાદી તેમનું ઘર વેંચી ચાલ્યા જાય તે માટે ફરીયાદીના દીકરા શિવમને ઢીકાપાટુનો માર મારી ફરીયાદીની જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી, અપશબ્દો બોલી, ઝઘડો કરી, મોટરસાયકલમાં નુકશાન કરેલ છે. તેવા આક્ષેપોવાળા બનાવની ફરીયાદ રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૧૧૪ તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતી (અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ ની કલમ ૩ (૧)૧૦,૧૫ મુજબ આરોપી (૧) ઇમરાન સલીમભાઇ બાબરખેર, (૨) નઝમાબેન ઇમરાનભાઇ બાબરખેર વિરૂધ્ધ નોંધાયેલ હતી.

આ કામમાં આરોપીઓ તરફે રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી મહેશભાઇ ત્રિવેદીની દલીલો ધ્યાને લઇ તથા રજુ કરેલ વડી અદાલતના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઇ રાજકોટના મહે. સ્પેશ્યલ જજ (એટ્રોસીટી) એન્ડ એડીશ્નલ સેસન્સ જજ સાહેબે ઠરાવેલ કે પ્રોસીકયુશન પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોવાથી પુરાવાના અભાવે આરોપીઓને છોડી મુકવાનો હુકમ ફરમાવવામાં આવે છે.

આ કામમાં આરોપીઓ તરફે રાજકોટની સીનીયર એડવોકેટ મહેશ સી.ત્રિવેદી, કિરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોષી, ઘનશ્યામ અકબરી, મયુર પંડ્યા, હર્ષ આર.ઘીયા, હર્ષ ત્રિવેદી રોકાયેલા હતા.

(5:19 pm IST)