Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સફાઇ, દવાઇ ઔર કડાઇ, જીતેંગે કોરોના સે લડાઇ

સામુહિક ચેતના દ્વારા મહામારીનો મુકાબલો કરીએ : આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક પધ્ધતિની ખેત ઉપજ રોગપ્રતિકારક શકિત વધારે છે : ગુજરાતના અગ્રગણ્ય પત્રકારો સાથે રાજ્યપાલનો ઓનલાઇન સંવાદ

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં ગઇકાલે યોજાયેલ વેબિનાર પ્રસંગની તસ્વીર. આ પ્રસંગે પી.આઇ.બી.ના અધિકારીઓ મનીષ દેસાઇ, ડો. ધીરજ કાકડિયા, શ્રીમતિ સરિતા દલાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ તા. ૭ : કેન્દ્ર સરકારના સૂચન બાદ કોરોના સામેની લડાઈમાં તમામ રાજયોના રાજભવનોએ સક્રિયતાથી કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધું છે. ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા રાજયની ધાર્મિક સંસ્થાઓના વડાઓ સાથે તાજેતરમાં એક બેઠક મળી હતી. બાદમાં તમામ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર્સની બેઠક બોલાવી રાજયપાલશ્રીએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને કોરોના વિરૂદ્ઘની સામૂહિક લડાઈમાં જોતરાઈ જવા અનુરોધ કર્યો હતો. આજે પીઆઈબી અમદાવાદ દ્વારા યોજાયેલ ખાસ વેબિનારમાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે આપેલા ચાવીરૂપ વકતવ્યમાં ઉપરોકત બાબતો જણાવાઈ હતી.

રાજયપાલશ્રીએ રાજયની જનતા જોગ જાહેર માર્મિક અપીલ કરતાં કહ્યું કે 'મન સે જો હારા, વો હારા, મન સે જો જીતા, વો જીતા', રાજયપાલશ્રીએ કોરોના મહામારી સામે દ્રઢ મનોબળની જાળવણી પર ભાર મૂકતાં કહ્યું કે સામૂહિક ચેતના દ્વારા જ આવી ભયંકર વ્યાપ અને તીવ્રતાવાળી મહામારીનો સફળતાપૂર્વક મુકાબલો કરી શકાશે. રાજયના પત્રકાર જગતના અગ્રણીઓ સાથે સંવાદ દરમિયાન રાજયપાલશ્રીએ કહ્યું કે હોસ્પિટલોમાં તાલીમ પામેલ પેરામેડિકલ સ્ટાફની પૂરતી તૈનાતી માટે રાજય સરકાર તમામ પગલાં લઈ રહી છે. એક પ્રશ્નના જવાબમાં રાજયપાલશ્રીએ કહ્યું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર આવક વધારવાનું જ સાધન નથી, પરંતુ હાનિકારક રસાયણોના ઉપયોગ વગર પ્રાકૃતિક સંસાધનોથી થતી આવી ખેતીના ઉપજરૂપ અનાજ, કઠોળ વગેરે રોગપ્રતિકારક શકિત વધારવાના અવ્વલ સાધનો છે. મોટા પાયે વૃક્ષારોપણ પ્રવૃત્તિને ઉત્તેજન અને વૃક્ષ છેદન પ્રવૃત્તિ પર અંકુશ – આ બંને ધ્યેયો અભિયાનના સ્વરૂપમાં આગામી દિવસોમાં રાજભવન ચલાવશે એમ પણ રાજયપાલશ્રીએ ઉમેર્યું હતું.

એક સ્વયંસેવી સંસ્થાના સહયોગથી કોરોના યોદ્ઘાઓના પરિવારોને રાશનપાણીની કીટ પહોંચાડવાનું અભિયાન શરૂ થઈ ચૂકયું હોવાની માહિતી પણ એમણે આપી હતી. પહેલા તબક્કામાં આવી ૧૧ હજાર કીટ રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાને ફાળવી હોવાની તેમજ તે વિતરિત થઈ ગઈ હોવાની વાત આચાર્ય દેવવ્રતજીએ કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં 'મારૃં ગામ કોરોનામુકત ગામ' અભિયાનને ટૂંક સમયમાં જ અપ્રતિમ સફળતા મળી હોવાનું જણાવ્યું હતું. ભવિષ્યમાં  મીડિયા કર્મીઓને પણ રાજભવન દ્વારા કોરોના સહાયતા કીટ આપવામાં આવશે એવી રાજયપાલશ્રીએ વાત કરી હતી.

રાજયપાલશ્રીના વેબ સંવાદમાં તમામ જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. વેબિનારમાં પીઆઈબી પશ્ચિમ ક્ષેત્રના મહાનિદેશક શ્રી મનીષ દેસાઈ, પીઆઈબી અમદાવાદના અપર મહાનિદેશક ડો. ધીરજ કાકડિયા તેમજ પીઆઈબી/આર.ઓ.બી.ના ઈન્ચાર્જ ડાયરેકટર શ્રીમતી સરિતા દલાલ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના પત્રકાર જગતના મોભીઓ એવા સર્વશ્રી, અજય ઉમટ, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, મહેશ લિલોરિયા, ભવેન કચ્છી, અનિલ દશાણી, રૂચિર રેશમવાલા તેમજ પત્રકારત્વ તાલીમ સંસ્થાના વડા ડો. શિરિષ કાશીકર વગેરેએ ઉપસ્થિત રહી રાજયપાલશ્રી સાથેના સંવાદમાં ભાગ લીધો હતો.

  • સૌરાષ્ટ્રમાંથી વેબિનારમાં એક માત્ર અકિલા : રાજ્યપાલ સાથે ડો. અનિલ દશાણીનો સંવાદ
  • રસીકરણ માટે ઓનલાઇન નોંધણીમાં પડતી મુશ્કેલીને વાચા : નોંધણીમાં સરળતા લાવવા અને ભવિષ્યમાં સરકારી નોકરી મેળવવા સહિતના લાભોમાં રસીકરણ પ્રમાણપત્ર ફરજિયાત કરવાના સૂચનને આવકારતા આચાર્ય દેવવ્રતજી

રાજકોટ તા. ૭ : ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદ દ્વારા ગઇકાલે કોરોના કાળમાં રાજભવન પ્રેરિત સેવાયજ્ઞ સંદર્ભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં વેબિનાર યોજાયેલ. જેમાં વિવિધ જિલ્લાઓના કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સાતેક સિનીયર પત્રકારો જોડાયા હતા. આ વેબિનારમાં જોડાવા માટે સૌરાષ્ટ્રના પત્રકારત્વ ક્ષેત્રમાંથી એકમાત્ર અકિલાને તક મળેલ. અકિલા પરિવાર વતી ડો. અનિલ દશાણીએ ઓનલાઇન જોડાઇને રાજ્યપાલશ્રી સાથે સંંવાદ કર્યો હતો.

ડો. અનિલ દશાણીએ પ્રશ્નોત્તરી કાળ વખતે રાજભવન પ્રેરિત સેવાયજ્ઞને બીરદાવી જણાવેલ કે, હાલ ૧૮ થી ૪૫ વર્ષના લોકોને રસીકરણ માટે ઓનલાઇન નોંધણી થઇ રહી છે. જેમાં ઘણા લોકોને ટેકનિકલ દ્રષ્ટિએ અથવા સુવિધાના અભાવે કે નોંધણી પ્રક્રિયાની જાણકારીના અભાવે મુશ્કેલી થઇ રહી છે. સરકારે ઓનલાઇન ઉપરાંત ઓન ધ સ્પોટ નોંધણીની વ્યવસ્થા રાખવી જોઇએ અથવા જુદી-જુદી જગ્યાએ ઓનલાઇન નોંધણી માટે હેલ્પ ડેસ્ક રાખવું જોઇએ. રસીકરણને પ્રોત્સાહન આપવા ભવિષ્યમાં સરકારી નોકરી કે અન્ય મહત્વના લાભો મેળવવા માટે રસી મુકાવયા અંગેનું પ્રમાણપત્ર જોડવાનું ફરજીયાત કરી શકવાની શકયતા તપાસવી જોઇએ.

રાજ્યપાલશ્રીએ બન્ને સૂચનોને આવકારી જણાવેલ કે આ સૂચનો સરકાર સુધી પહોંચાડવામાં આવશે.

(3:15 pm IST)