Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

શુક્રવારે ગૂમ થયેલા લાલપરીના રાજુભાઇ કોળીની નવાગામ ડેમમાંથી લાશ મળીઃ રિક્ષા ગૂમઃ જાતે ડૂબ્‍યા કે ડૂબાડાયા?

શુક્રવારે બપોરે પત્‍નિએ ઘરે જમવા આવવાનું કહેવા ફોન કર્યો ત્‍યારે રાજૂભાઇએ ભાડૂ લઇને જાય છે તેવી વાત કરી હતીઃ અઢી વાગ્‍યા પછી ફોન બંધ થઇ ગયો હતોઃ શોધખોળ બાદ લાશ મળીઃ રિક્ષા સાથે પર્સ, મોબાઇલ ફોન પણ ગૂમઃ કુવાડવા પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૬: લાલપરી મફતીયાપરામાં રહેતાં રાજુભાઇ શિવાભાઇ દાદરેચા (ઉ.વ.૪૫) નામના કોળી આધેડ શુક્રવારે સવારે રિક્ષા લઇને નીકળ્‍યા બાદ ગૂમ થતાં અને બીજા દિવસે તેની નવાગામ રાણપુર નજીક વાંકાનેર રોડ નાયરા પંપ પાછળ સંઘા ડેમ તળાવમાંથી લાશ મળી આવતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો છે. રાજુભાઇની રિક્ષા, મોબાઇલ, પર્સ ગાયબ હોઇ પરિવારજનોએ મૃત્‍યુ અંગે શંકા દર્શાવી છે. તેમને તરતા આવડતું હોઇ જાતે ડૂબે જ નહિ તેવું જણાવી કોઇએ ડૂબાડી દીધાની શંકા તેમના ભાઇ સહિતના સ્‍વજનોએ દર્શાવતા પોલીસે તપાસ આદરી છે.
પ્રાપ્‍ત માહિતી મુજબ શનિવારે તળાવમાંથી અજાણ્‍યા પુરૂષની લાશ મળી આવતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએઅસાઇ જે. કે. પાંડાવદરા અને સંજયભાઇએ ઘટના સ્‍થળે પહોંચી મૃતદેહ બહાર કઢાવી પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડી તેની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં ફોટા વાયરલ થતા લાલપરીમાં રહેતાં વ્‍યક્‍તિએ આ લાશ લાલપરીના રાજુભાઇ દાદરેચા (કોળી)ની હોવાનું ઓળખી જઇ તેમના સગાને જાણ કરી હતી. સગા સંબંધીઓ પણ શુક્રવારથી રાજુભાઇને શોધતા હોઇ ગઇકાલે જ પોલીસને ગૂમ થયાની જાણ કરવા ગયા હતાં ત્‍યારે મૃતદેહ દેખાડવામાં આવતાં લાશની ઓળખ થઇ હતી.
મૃત્‍યુ પામનાર રાજુભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. રાજુભાઇના ભાઇ બિપીનભાઇ દાદરેચાએ જણાવ્‍યું હતું કે શુક્રવારે સવારે રાજુભાઇ જીજે૦૩બીયુ-૯૬૬૧ નંબરની રિક્ષા લઇને નિત્‍યક્રમ મુજબ ઘરેથી નીકળ્‍યા હતાં. બપોરે બે વાગ્‍યા આસપાસ પત્‍નિ મધુબેને ફોન કરી ઘરે જમવા ક્‍યારે આવો છો? તેવી પૃછા કરતાં રાજુભાઇએ પોતાને એક ભાડુ મળ્‍યું હોઇ ઘરે નહિ આવી શકે તેમ કહ્યું હતું.
એ પછી અઢી વાગ્‍યા આસપાસ ફરીથી મધુબેને ફોન કર્યો ત્‍યારે પતિ રાજુભાઇનો ફોન સ્‍વીચ ઓફ થઇ ગયો હતો. રાત સુધી ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ પત્તો મળ્‍યો નહોતો. બીજા દિવસે સાંજે તળાવમાંથી લાશ મળી હતી. જો કે તેની ઓળખ ન થઇ હોઇ પરિવારજનોને ગઇકાલે સાંજે રાજુભાઇ હયાત નહિ હોવાની જાણ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
બિપીનભાઇએ કહ્યુ઼ હતું કે મારા ભાઇ રાજુભાઇને તરતાં આવડતું હતું. તે જાતે ડૂબે જ નહિ, કોઇએ ડૂબાડી દીધાની અમને શંકા છે. વળી તેમની રિક્ષા ગૂમ છે અને તેમનો મોબાઇલ ફોન અને પર્સ પણ ગાયબ છે. અમે મૃત્‍યુ અંગે શંકા દર્શાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ જણાવ્‍યું હતું કે રિક્ષા મળી નથી તે શોધી રહ્યા છીએ અને ખરેખર ઘટના શું બની? તે હાલમાં કહી શકાય નહિ. તપાસ બાદ સાચી વિગતો બહાર આવશે. મૃતકની ઘટના સ્‍થળથી તસ્‍વીર ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.

 

(11:04 am IST)