Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જીવનસાથી પસંદ કરો તો જ્ઞાન જુઓ દેખાવ નહીઃ વજુભાઈ

મહા ગુજરાત રજપુત સમાજ મહામંડળ દ્વારા પસંદગી સમારોહ

રાજકોટઃ જીવનસાથી પસંદગી કરો તો જ્ઞાન જુઓ દેખાવ નહીં. જીવનમાં હંમેશા વ્‍યસન મુકત રહેવું જોઈએ. સારા દેખાવામાં નહીં પણ સારા થવામાં માલ છે. લગ્ન જીવનમાં હંમેશા સુખી થવાની ચાવી સહન કરવામાં છે એમ પૂર્વ રાજપાલ વજુભાઈ વાળાએ જણાવ્‍યું હતું. તાજેતરમાં રાજકોટ ખાતે મહાગુજરાત રાજપૂત સમાજ મહામંડળ- ગુજરાત- કચ્‍છ અને જે ભગવાન મેરેજ બ્‍યુરોના સંયુકત ઉપક્રમે પસંદગી સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્‍ય અતિથિ વજુભાઈ વાળાએ સંબોધતા વધુમાં કહ્યું હતું કે, સંઘર્ષમાં જીવનની સફળતા નથી રહેતી, જે પુરૂષ સહન કરે તેનો ઘર સંસાર વધુ સારો ચાલે છે. પરિવારમાં બળીયાની વાત મૂકી કોમળતા રાખવી જોઈએ. માં શારદા તેમની સાદાઈથી તેમની વિચારશરણીથી પ્રસિધ્‍ધ છે અને પુજાય છે. સારા પુસ્‍તકોનું વાંચન જરૂરી છે. રાજપૂત યુવક- યુવતિનો પરિચય સમારોહ અભય ભારદ્વાજ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૭૦ દિકરા- દિકરીઓએ સમગ્ર ગુજરાતમાંથી તેઓના વાલીઓ સાથે ભાગ લીધો હતો. તેમાના ૭૦ થી ૮૦ યુવક- યુવિતઓએ પોતાના જીવનસાથી પસંદ કર્યા હતા.
આ કાર્યક્રમના અધ્‍યક્ષ કિશોરભાઈ એમ. રાઠોડે સમાજના વજુભાઈ વાળાનું સાફો પહેરાવી, શાલ ઓઢાડી અને પુષ્‍પગુચ્‍છ આપી સમાજવતી સ્‍વાગત તથા સન્‍માન કર્યું હતું.
આ કાર્યક્રમ સફળ બનાવવા કિશોરભાઈ એમ. રાઠોડના માર્ગદર્શનમાં કમિટિ મેમ્‍બર પ્રવિણભાઈ ભટ્ટી, ઉપપ્રમુખ પંકજભાઇ પઢીયાર, ખજાનચી, ઘનશ્‍યામભાઈ ડોડીયા, મહામંત્રી પ્રવિણભાઈ પરમાર, મંત્રી અને સભ્‍ય ભાવેશભાઈ ખંઢેરીયા અને સમગ્ર કારોબારી સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી.

 

(11:50 am IST)