Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રેસકોર્ષ મેદાનના કથા સ્થળેથી બાઇક ચોરનાર વિશાલ પકડાયો

બે દિવસ પહેલા ઉઠાવ્યું હતું: માલવીયાનગર પોલીસે આંબેડકરનગર સર્કલેથી પકડ્યો

રાજકોટ તા. ૭: રેસકોર્ષ પાસે ફનવર્લ્ડના મેદાનમાં સ્વામિનારાયણની કથા ચાલતી હોઇ ત્યાંના પાર્કિંગમાંથી બે દિવસ પહેલા હોન્ડા જીજે૦૩ડીપી-૭૫૩૯ રૃા. ૩૦ હજારનું ચોરાઇ ગયું હતું. આ ચોરીનો ભેદ માલવીયાનગર પોલીસે ઉકેલી ગોંડલના ગોમટા ગામે ગિરનાર સોસાયટીમાં ચબુતરા પો રહેતાં વિશાલ દિનેશભાઇ રાઠોડ (ઉ.૩૦)ને ૧૫૦ રીંગ રોડ આંબેડકરનગર સર્કલ પાસેથી પકડી લેવાયો છે.

કોન્સ. અંકિત નિમાવત અને મહેશ ચાવડાને મળેલી બાતમી પરથી વિશાલને બાઇક સાથે અટકાવાયો હતો. ગાડીના કાગળો માંગતા તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. એન્જીન ચેસીસ નંબરને પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતાં તેના મુળ માલિકનું નામ મળી આવતાં વિશેષ તપાસ થતાં વિશાલે આ વાહન રેસકોર્ષ મેદાનમાંથી ૫મીએ સાંજે ચારેક વાગ્યે ઉઠાવ્યાનું કબુલ્યું હતું.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની સુચના મુજબ પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, મસરીભાઇ, દિગપાલસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(2:47 pm IST)