Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રાતે સવા વાગ્‍યે નવઘણ સાંગડીયાને ફોન કરી મળવા બોલાવી રાજુ, સુનિલ, પકો, દકૂડાએ પગ ભાંગી નાંખ્‍યો

તું અમારી પાછળ પાછળ શું કામ ફરે છે, તારે પોલીસને બાતમી આપવી છે...કહી તૂટી પડયા : રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે પહોંચી નવઘણે એકાદ કલાક રાહ જોઇ પછી રાજુ સહિતના ધસી આવ્‍યા ને હુમલો કર્યોઃ મ્‍યુ. કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગનો ડ્રાઇવર ગાંધીગ્રામ શાષાીનગરનો ભરવાડ યુવાન હોસ્‍પિટલના બિછાને

રાજકોટ તા. ૬: ગાંધીગ્રામમાં રહેતાં અને મ્‍યુ. કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગમાં કોન્‍ટ્રાકટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતાં ભરવાડ યુવાનને તેના પરીચીત બાવાજી શખ્‍સે રાતે સવા એકાદ વાગ્‍યે ફોન કરી ‘રાધે હોટલે આવ તારી સાથે વાત કરવી છે' તેમ કહી ત્‍યાં બોલાવ્‍યા બાદ બીજા ત્રણ જણા સાથે મળી છરી, ધોકા, પાઇપથી હુમલો કરી પગ ભાંગી નાંખતાં હોસ્‍પિટલના બિછાને પહોંચ્‍યો છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ શાષાીનગર-૪ હરસિધ્‍ધી સ્‍ટેશનરી પાસે રામાપીર ચોકડી નજીક રહેતાં અને રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજ વિભાગમાં ટાકાના ડ્રાઇવર તરીકે કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર નોકરી કરતાં નવઘણ રાહાભાઇ સાંગડીયા (ભરવાડ) (ઉ.૨૮)ની ફરિયાદ પરથી સુનિલ, દકુડો, પકો અને રાજુ બાવાજી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

નવઘણે હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યું હતું કે હું રાતે સવા એકાદ વાગ્‍યે ઘરે સુતો હતો તયારે મારા ઓળખીતા રાજુ બાવાજીએ મને ફોન કરી ‘તું અહિ રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે રાધે હોટલ પાસે આવ, તારી સાથે વાત કરવી છે' તેમ કહેતાં હું ઘરેથી મારું ટુવ્‍હીલર લઇને ત્‍યાં પહોંચ્‍યો હતો. પરંતુ ત્‍યાં રાજુ હાજર નહોતો. મેં તેને ફોન કરી હું રાધે હોટલ પાસે આવી ગયો છું, તું તો અહિ નથી તેમ કહેતાં રાજુએ અમે થોડીવારમાં આવીએ છીએ, તું ત્‍યાં જ બેસજે તેમ કહ્યું હતું.

એ પછી અઢી વાગ્‍યા આસપાસ રાજુ બાવાજી, દકુડો, પકો સહિતના આવ્‍યા હતાં. સાથે સુનિલ પણ હતો. એ પછી રાજુ, દકુડાએ કહેલું કે-તું અમારી પાછળ પાછળ શું રખડે છે, તારે પોલીસમાં અમારી  બાતમી આપવી છે? તેમ કહી ઝઘડો કરી ગાળો દઇ મારામારી ચાલુ કરી હતી. એ પછી પકાએ નેફામાંથી છરી કાઢી મને સાથળના ભાગે ઘા મારી દીધો હતો. રાજુએ પણ છરી કાઢી છરકો કર્યો હતો. દકુડો અને સુનિલ ધોકા પાઇપથી તૂટી પડયા હતાં. મને પગમાં બેફામ માર માર્યો હતો.

દેકારો થતાં હોટલમાં કામ કરતાં લોકો દોડી આવ્‍યા હતાં અને મને બચાવ્‍યો હતો. મને પગમાં ગંભીર ઇજા થઇ હતી. તે વખતે જ મારા કાકાનો દિકરો શૈલેષ રિક્ષા લઇને નીકળતાં મને હોસ્‍પિટલે ખસેડયો હતો. ડાબા પગમાં ઢીંચણ અને પંજામાં ફ્રેકચર જેવી ઇજા થયાનું ડોક્‍ટરે નિદાન કર્યુ હતું. ગાંધીગ્રામના એએસઆઇ જે. એસ. હુંબલે ગુનો દાખલ કરાવતાં આરોપીઓને પકડી લેવા તપાસ શરૂ થઇ છે. 

(2:59 pm IST)