Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રાજકોટ યાર્ડમાં વધુ એક પેઢીના સંચાલકો વેપારીઓના ૧.૪૮ કરોડનું ફુલેકુ ફેરવી છૂ

ચણા અને મગફળી ખરીદી કરી કામઘેનુ એન્‍ટરપ્રાઇઝના સંચાલકો બેડી યાર્ડના ૧૩ વેપારીઓની લાખોની રકમ ઓળવી ગયા : ભોગ બનનાર વેપારીઓની પોલીસ કમિશનરને રજૂઆત

તસ્‍વીરમાં છેતરપીંડીનો ભોગ બનેલ યાર્ડના વેપારીઓએ કમિશન એજન્‍ટ એસો.ના પ્રમુખ અતુલ કામાણીની આગેવાની હેઠળ પોલીસ કમિશનરને રજૂઆત કરેલ તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૭ : રાજકોટ યાર્ડમાં એક મહિના પૂર્વે એક પેઢી કાચી પડયા બાદ ચણા અને મગફળીની ખરીદી કરતી વધુ એક પેઢીના સંચાલકો વેપારીઓના ૧.૪૮ કરોડની રકમ ઓળવી જઇ ગાયબ થઇ જતાં છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓએ આજે બપોરે પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરી હતી.
બેડી યાર્ડના છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓએ લેખીત રજૂઆતમાં જણાવ્‍યું હતું કે, કામઘેનુ એન્‍ટરપ્રાઇઝ બી-૪૯ બેડી યાર્ડમાં દુકાન ધરાવે છે અને અનાજ - કઠોળના વેપાર સાથે તાજેતરમાં ચણા અને મગફળીની ખરીદી કરતા હતા. શરૂઆતમાં આ પેઢીના સંચાલકો સારો વહીવટ કરી વેપારીઓનો વિશ્વાસ કેળવ્‍યો હતો અને બાદમાં ગામડાના નાના - નાના ખેડૂતોના પૈસા ઓળવી ગયા છે. નાના વેપારીઓએ રૂપિયા રોકી આ પેઢીને માલ આપ્‍યો હતો પરંતુ પેઢીના સંચાલકો નાના વેપારીઓના લાખો રૂપિયા ઓળવી જઇ ગાયબ થઇ ગયા હતા.
કામઘેનુ એન્‍ટરપ્રાઇઝ પેઢીનો હિતેશકુમાર બાબુલાલ કપુરીયા તથા હર્ષદાબેન હિતેશકુમાર કપુરીયા, બાબુભાઇ કપુરીયા, અનિલ બાબુલાલ કપુરીયા વહીવટ કરતા હતા તેમજ આ પેઢીના બે માણસો નલીન કક્કડ, મનોજ સોરઠીયા પણ પેઢીના નામે વેપારીઓ સાથે વહીવટ કરતા હતા. આ તમામના મોબાઇલ ફોન સ્‍વીચ ઓફ આવે છે. આ પેઢીના બેંકના ખાતામાં તા. ૨૩-૧૦-૨૦૨૧ પછી ઘણા ટ્રાન્‍જેકશન થયા છે અને તેના ખાતા બેલેન્‍સ પણ હતી. પેઢીના ખાતામાં રહેલ બેલેન્‍સ ક્‍યાં ગઇ ? તે અંગે તપાસ કરી છેતરપીંડીનો ભોગ બનેલ વેપારીઓને ન્‍યાય આપવા માંગણી કરાય હતી.
કામઘેનુ એન્‍ટરપ્રાઇઝ પેઢીના સંચાલકોએ સાવરકુંડલાના આશુતોષ ટ્રેડીંગ કંપની સાથે ૧૩.૮૪ લાખ, રાજકોટની દિનેશ ટ્રેડીંગ કંપની સાથે ૧૨.૯૮ લાખ, કેશોદની કમલેશ એન્‍ટરપ્રાઇઝ સાથે ૨૫ લાખ, ગોંડલની ગીરીરાજ ઇન્‍ડસ્‍ટ્રીઝ સાથે ૪.૮૦ લાખ, જસદણની કાંતિલાલ ગીરીધરલાલ પેઢી સાથે ૭.૯૫ લાખ, રાજકોટની પીયુષ ટ્રેડર્સ સાથે ૧૪.૬૦ લાખ, ગોંડલની પામ એગ્રી પેઢી સાથે ૧૮.૩૭ લાખ, જામનગરની આર. પ્રભુદાસ એન્‍ડ કંપની સાથે ૫.૫૦ લાખ, સુરેન્‍દ્રનગરની માજીર અલી નજર અલી પંજવાણી સાથે ૨.૨૦ લાખ, ભાવનગરની દિનેશ ટ્રેડીંગ સાથે ૨૩.૯૫ લાખ, ભાવનગરની મોમાઇલ ટ્રેડર્સ સાથે ૧૬.૧૬ લાખ તથા બાટવાની વસંત બ્રધર્સ સાથે ૩.૪૭ લાખની છેતરપીંડી કર્યાનું જણાયું હતું.
બેડી યાર્ડના વેપારીઓએ કામઘેનુ એન્‍ટરપ્રાઇઝના સંચાલકો સામે તપાસ કરી ન્‍યાય આપવા અંતમાં માંગણી કરી હતી.

 

(3:02 pm IST)