Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

બેટી નદી ઉપર નવો ડેમ બનશે : એરપોર્ટ ઓથોરીટીની મંજૂરી

હિરાસર એરપોર્ટને કારણે બંધ કરાયેલ ચેકડેમના સ્‍થાને હવે ચેકડેમથી મોટો નવો ડેમ બનાવાશે : પાણી માટે રાજકોટ આત્‍મનિર્ભર બનશે : વર્ષો બાદ રાજકોટમાં નવા ડેમ માટે ગતિવિધિ તેજ : ધારાસભ્‍ય ગોવિંદભાઇ સફળ રજૂઆત

રાજકોટ તા. ૩ : રાજકોટથી ૨૦ કિમી દૂર હિરાસર એરપોર્ટ બની રહ્યું છે, આ એરપોર્ટને કારણે હિરાસર ગામ તથા તેનો મહત્‍વનો સિંચાઇનો ચેકડેમ ડૂબમાં ગયા છે, આ ચેકડેમ બંધ કરી દેવાયો છે, પરીણામે આસપાસના ગ્રામજનોની માંગણી સંદર્ભે હિરાસર એરપોર્ટ જે નદીના કાંઠે આવ્‍યું છે તે બેટી નદી ઉપર જ પાણી સંગ્રહની યોજના અંતર્ગત ચેકડેમથી મોટો પણ મોટો ડેમ બનાવવા અંગે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયાની મંજૂરી મંગાઇ હતી.
આ બાબતે રાજકોટના ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઇ પટેલે પણ એરપોર્ટ ઓથોરીટી સમક્ષ ડેમની મંજૂરી અંગે રજૂઆતો કરી હતી, તેમજ સરકારમાં પણ રાજકોટ માટે પાણી સંગ્રહ સંદર્ભે બેટી નદી ઉપર ડેમ બાંધવો જોઇએ તેવી માંગ કરી હતી.
દરમિયાન હવે એરપોર્ટ ઓથોરીટીની મંજૂરી મળતા બેટી નદી ઉપર ચેકડેમથી મોટો ડેમ બનાવવાનો માર્ગ મોકળો થયો છે, સરકારે રાજકોટ ઇરીગેશનને પણ સૂચના આપી છે, અને ઇરીગેશને પણ પ્‍લાન એસ્‍ટીમેટ બનાવીને સરકારમાં મંજૂરી માટે મોકલવા અંગે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે, સરકારની તાંત્રિક અને આર્થિક મંજૂરી મળતા ડેમ બાંધવા અંગે આગળની કાર્યવાહી થશે.
દરમિયાન વિગતો મુજબ કુવાડવા રોડ પર હિરાસર નજીક બેટી નદી ઉપર આ ડેમ બનાવવા સંદર્ભે એરપોર્ટ ઓથોરીટી દ્વારા એનજીઓ આપી દેવાતા પાણી બાબતે રાજકોટ આત્‍મનિર્ભર બની જશે, ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઇ પટેલે વધુ એક સફળ રજૂઆતો કરી હતી, રાજકોટમાં વર્ષો બાદ નવા ડેમ માટેની ગતિવિધિ તેજ બની છે.

 

(3:03 pm IST)