Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ભુવા નરેન્‍દ્ર કકૈયાના ધતિંગનો પર્દાફાશ

પ્રેમલગ્ન કરનાર દિકરાના છુટાછેડા કરાવવા પિતાએ દોરાધાગાનો આશરો લીધો હતો : વિજ્ઞાન જાથાની ટીમે તુત ખુલ્લુ કરતા ભુવાએ માફામાફી કરી : જાથાનો ૧૨૦૫ મો પર્દાફાશ

રાજકોટ તા. ૭ : ગુજરાત હાઉસીંગ બોર્ડ, આકાશદીપ શેરી નં. ૧૨, રાજકોટ ખાતે રહેતા અને જોવાનું દુઃખદર્દ મટાડવાનું કામ કરતા ભુવા નરેન્‍દ્ર કકૈયાની ડીંડકલીલાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે.

જાથાની યાદીમાં જણાવ્‍યા મુજબ મોરબી રોડ રાજલક્ષ્મી સોસાયટી, શ્રીમદ્દ આંગન એપાર્ટમેન્‍ટમાં રહેતા જયેશ છાંટબારે જાથાની ટીમ સમક્ષ યાતના વર્ણાવી હતી. જે મુજબ તેમના પિતાશ્રી જસવંતભાઇ છાંટબારે ભુવાનો આશરો લીધો હોય ઘરની શાંતિ હણાઇ રહ્યાનું જણાવ્‍યુ હતુ. પોતે પ્રેમલગ્ન કર્યા હોય છુટાછેડા કરાવી દેવા આ બધુ થયાનું તેમણે જણાવ્‍યુ હતુ. જેના કારણે ભાયુ ભાયુ વચ્‍ચે પણ સંબંધો વણસી રહ્યા છે.

જાથાએ સઘળી હકીકતો જાણ્‍યા બાદ છટકુ ગોઠવ્‍યુ હતુ. જેમાં જયેશભાઇ છાંટબારે ઘરમાં વિધિ કરવા ભુવા નરેન્‍દ્ર કકૈયાને બોલાવ્‍યા. પરંતુ જાથાની ટીમ પહોંચે તે પહેલા જ જયેશભાઇ અને તેમના મિત્રોએ ભુવાને મેથીપાક આપવાનું શરૂ કરી દીધુ હતુ. જાથાની ટીમે પહોંચી ભુવાને આવુ બધુ બંધ કરવા ચેતવણી આપી હતી. ઢીલાઢફ થઇ ગયેલ ભુવાએ તુરંત કબુલાતનામુ લખી આપી હવેથી દોરા ધાગા- જોવાનું, દુઃખદર્દ મટાવાનું કામ પોતે બંધ કરે છે તેવી કબુલાત આપી હતી.

જાથાનો આ ૧૨૦૫ મો પર્દાફાશ હતો.  આ વખતના પર્દાફાશની કામગીરીમાં અંકલેશ ગોહીલ, દિનેશ સાબલીયા, રણછોડ રોજાસરા, દિપક ચૌહાણ, એકતાબેન, જયેશ છાંટબાર, તન્‍વીબેન, પ્રશા઼તભાઇ, અજયભાઇ તેમજ સ્‍થાનિક પડોશીઓઓ સહયોગ મળ્‍યો હોવાનું જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે. 

(3:08 pm IST)