Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વોર્ડ નં. ૩ના છેવાડાનાં વિસ્તારોની પાણી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરો

રાજકોટ આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાની રજુઆત અસલામતી અનુભવતી વિસ્તારની બહેન-દિકરીઓને સુરક્ષા આપવા બે પોલીસ ચોકી ફાળવી પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા માંગણી

રાજકોટ, તા., ૭: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા ગત તારીખ ૧૩-પ-ર૦રર ના રોજ રાજયના મુખ્યમંત્રીશ્રીના રાજકોટ જીલ્લા પ્રવાસ કાર્યક્રમ સમયે જીલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીશ્રીને રૃબરૃ મળી વોર્ડ નં. ૦૩ ના છેવાડાના વિસ્તારો મનહરપુર, માધાપરમા આવેલા સોસાયટીઓ જેવી કે ઓમકાર સોસાયટી, અયોધ્યા, સિધ્ધી વિનાયક, ગાયત્રી રાધાપાર્ક-૧ અને ર કૃષ્ણનગર, પરાસર પાર્ક શિવરંજની, ગોલ્ડનપોટીકો, ગાંધી સોસાયટી, સત્યમ શિવમ સુંદરમ, શેઠનગર સહિતની મોટાભાગની સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા ઘણી જ વીકટ છે તેનું નિરાકરણ કરવા અને કાયમી ઉકેલ લાવવા માટે જીએસઆર, ઇએસઆર ના પાણીના ટાંકા બનાવવા, ઘરે-ઘરે પાણીની લાઇન પહોંચતી કરવા અને પર્યાપ્ત માત્રામાં નર્મદાનુ઼ પાણી મળી રહે તે અંગેની વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી.

આ ઉપરાંત આ વિસ્તારમાં બાકી રહેતી ટી.પી. સ્કીમો તાત્કાલીક ફાઇનલ કરી ટી.પી.ના નિયમ મુજબની સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા,  ડ્રેનેજ, પ્લેગ્રાઉન્ડ, વાંચનાલયો, સ્વીમીંગ પુલ, કોમ્યુનિટી હોલ, સીનીયર સીટીઝન પાર્ક, ફાયર સ્ટેશન, બગીચા, પાર્કિગની સુવિધાઓ પુરી પાડવા માંગણી કરી હતી. સાથે સાથે ગાંધી સોસાયટી, પરાસર પાર્ક સહિતની સોસાયટીમાં વરસાદી પાણીના યોગ્ય નીકાલની વ્યવસ્થા કરવા તેમજ રેલનગર, માધાપર, મનહરપુર વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓ આપવા તેમજ આ વિસ્તારની બહેન-દિકરીઓની સલામતીને ધ્યાને લઇ રાત્રી દરમિયાન બનતા ચોરી-લૂંટફાટ ચીલ-ઝડપ જેવા બનાવોને રોકવા માટે રાઉન્ડ -ધ- કલોક પોલીસ વેનની સુવિધા ચાલુ કરવા, બે પોલીસ ચોકીઓ ફાળવવા,  પુરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફનું સેટઅપ ઉભુ કરવા માંગણી કરી હતી. તદઉપરાંત છેવાડાના વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સ્ટ્રીટલાઇટની વ્યવસ્થાની કામગીરી ઝડપથી પુરી કરવા સહિતના મુદ્દાઓની ગાયત્રીબા દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે મુખ્યમંત્રીશ્રી એ રજુઆતની નોંધ લઇ જીલ્લા કલેકટરશ્રી રાજકોટ, મ્યુનિસિપલ કમિશનરશ્રી રાજકોટ, સચિવશ્રી નર્મદા અને જળ સંપત્તિ વિભાગ, મુખય કારોબારી અધિકારી રૃડા રાજકોટ સહિતના અધિકારીઓને નિયમ અનુસાર કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

(3:40 pm IST)