Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

આજી નદીના પટ્ટમાં ખડકાયેલા ૧૮ર બાંધકામોનું આવતા સપ્તાહે ડિમોલીશન

મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા વિજીલન્‍સ બંદોબસ્‍ત સાથે જંગલેશ્વર, ભગવતીપરા સહિતના વિસ્‍તારમાં જગ્‍યા ખાલી કરાવવા મૌખિક સુચના

રાજકોટ તા. ૭ : શહેરના સૌથી મોટા પૈકીના એક એવા આજી રિવર ફ્રન્‍ટ પ્રોજેકટમાં કપાતમાં આવતા નદીના કાંઠાના વિસ્‍તારોમાં ડિમોલેશનનું આયોજન કાગળ પર થઇ રહ્યું છે ત્‍યારે ચોમાસામાં ડુબમાં જઇ શકે તેવા મકાનોના સર્વેના અંતે હાલ આવા મકાનો વરસાદ પહેલા દુર કરવાની તૈયારી મનપા દ્વારા શરૂ કરી છે. તેના ભાગરૂપે ગત સપ્‍તાહે વોર્ડ નં. ૧૬ના જંગલેશ્વર અને વોર્ડ નં. ૪ના ભગવતીપરાના ૧૮૨ જેટલા મકાનોને ડિમોલેશનની નોટીસ પાઠવવામાં આવી હતી. આ નોટીસ બાદ આજે મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા વિજીલન્‍સના બંદોબસ્‍ત સાથે જગ્‍યા ખાલી કરવા મૌખીક સૂચના આપવામાં આવી છે. આ વિસ્‍તારમાં આવતા સપ્‍તાહે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું તંત્રના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.

વિશાળ ૧૧ કિ.મી.ના આજી નદીના પટમાં ભારે વરસાદ વખતે પૂર આવે છે અને નદી પટથી ૭૦ મીટરના ભાગમાં પાણી ફરી વળે છે આથી આ પૂરના કારણે ડૂબમાં જઇ શકે તેવા મકાનોનો સર્વે કરવામાં આવ્‍યો હતો. વોર્ડ નં. ૪ના ભગવતીપરા અને વોર્ડ નં. ૧૬ના જંગલેશ્વર વિસ્‍તારના ૧૮૨ મકાનો આવતા હોવાનું રિપોર્ટ ટી.પી. શાખાએ તૈયાર કર્યો છે. પૂર આવે તો આટલા મકાનોમાં પાણી ઘૂસી શકે અને જાનમાલને નુકસાન થઇ શકે છે. દર વર્ષે મનપા દ્વારા સ્‍થળાંતર અને બચાવની કામગીરી કરવામાં આવે છે.  ગત સપ્‍તાહે વિજીલન્‍સ પોલીસ સાથે ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા જંગલેશ્વર અને ભગવતીપરા વિસ્‍તારમાં ૧૮૨ મકાન ધારકોને સાત દિવસમાં જગ્‍યા ખાલી કરાવવા નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસના ભાગરૂપે આજે ફરી ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા જગ્‍યા ખાલી કરવા વોર્નીંગ આપવામાં આવી છે અને ચોમાસા પહેલા એટલે કે સંભવતઃ આવતા સપ્‍તાહે જંગલેશ્વર અને ભગવતીપરામાં પ્રથમ વખત આ ડિમોલેશન કરવામાં આવશે.

(3:43 pm IST)