Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ભારતે શિક્ષણમાં પાછળ જવાની જરૃર છે, આગળ નહીઃ શ્રુપ્રજ્ઞજી

તપોવનમાં રોટરી યુથ લીડરશિપ એવોર્ડ સેમિનારમાં સમણ શ્રુતપ્રજ્ઞજીનું પ્રવચન યોજાશે

રાજકોટ, તા. ૭ : રોટરી કલબ ઓફ પોરબંદર અને જેતપુરના સંયુકત ઉપક્રમે યોજીત ત્રણ દિવસીય રોટરી યુથ લીડરશિપ સેમિનારમાં તા. ૪ જૂનના તપોવન, ઘુમલી ખાતે સમણ શ્રુતપ્રજ્ઞજી શિક્ષણ પૂર્વની આંખે અને પશ્ચિમની આંખ વિષય પર પ્રેરક વકતવ્ય યોજાયું.

સમણ શ્રુતપ્રજ્ઞજી કહ્યું કે પ્રાચીન શિક્ષણ પણ પૂર્ણ નહોતું એને આજનું શિક્ષણ પણ પૂર્ણ નથી.. બંનેની મર્યાદા અને વિશેષતાઓ અલગ અલગ છે. પ્રાચીન શિક્ષણમાં મર્યાદા ૧૦ ટકા હતી અને વિશેષતા ૯૦ ટકા હતી. અત્યાર શિક્ષણ પદ્ધતિમાં વિશેષતા ૧૦ ટકા અને મર્યાદાઓ ૯૦ ટકા છે.

ભારતે શૈક્ષણિક વિકાસ કરવો હોય તો પાછળ જવું જરૃરી છે, આપણે બહુ આગળ નીકળી ગયા છીએ. આજે શિક્ષણમાં પણ આપણે પશ્ચિમની પદ્ધતિને અનુસરીએ છીએ. આપણે આગળ નથી જવાનું પાછળ જવાનું છે, વિશ્વે પણ એ રસ્તે ચાલવું પડશે. આપણી વિશેષતાઓ ખૂબ જ હતી. આપણે મર્યાદા તરફ જઈએ છીએ. આપણી વિશેષતાઓને નીખારવી પડશે, સંશોધન કરવું પડશે.

જેમ દરેક દર્દી માટે સમાન દવા ન હોય, દરેક માણસ માટે એક સમાન ભોજન ન હોય, એવી રીતે દરેક વિદ્યાર્થી માટે સમાન કોર્ષ ક્યારેય ન હોય. એટલે આપણે એમને એવો જ ખોરાક આપવો જોઈએ જે એમની આવડત છે, અન્યથા ગડબડ થાય અને એ ગડબડને આપણે વિકાસ ગણીએ છીએ. આને વિકાસ કહેવો જ હોય તો આ ભ્રમનો વિકાસ થયો કહેવાય.

આપણે વિદ્યાર્થીઓ ની વિશેષતા ચાલશે તેવા શિક્ષકોની જરૃર છે તેવી પદ્ધતિની જરૃર છે. અને એ વિશેષતા વધારે નિખારે એવા માહોલની જરૃર છે. દરેક ને ડોકટર કે એન્જિનિયર બનાવવાની જરૃર નથી, એ એમના માટે અપચો ગણાશે.

સમણશ્રીએ આગળ કહ્યું કે જીવન ઘડતર માટે શિક્ષણ છે, કારકિર્દી ને તો ભૂલી જ જાઓ. કમાવવું તો બહુ જ સહેલું છે. કોઈ પણ સ્થિતિમાં વિદ્યાર્થી આનંદમય જીવન જીવી શકે એ શિક્ષણે શીખવવાનું છે. એને બદલે શિક્ષણને લીધે વિદ્યાર્થી આપઘાત કરે, શિક્ષણના લીધે કલાસરૃમમાં વિદ્યાર્થીને હ્રદય રોગનો હુમલો આવે, આવી રીતે પ્રકૃતિ આપણને ચેતવણી આપે છે કે હવે બસ કરો. શિક્ષણ બોજ ન હોય, જીવનનો બોજ હલકો કરવાનું માધ્યમ છે. માધ્યમ પોતે બોજ બની જાય એ કેવી રીતે ચાલે.

આપણા ઋષિ મુનિઓ આધ્યાત્મિક હતા પણ વિજ્ઞાન સાથે જોડાયેલા હતા. એ અંધ શ્રદ્ધાળુ પણ નહોતા અને નકરા ધાર્મિક પણ નહોતા. એમની પાસે દીર્ઘ દૃષ્ટિ હતી, જીવનનો પૂરો અનુભવ હતો, એમની પાસે આપણે કલ્પી ન શકીએ એવી શકિતઓ હતી. એ બધાના આધારે જ એ શિક્ષણ આપતા હતા. સામાન્ય રામને પરમાત્મા સુધીનું અને કૃષ્ણને પરાવિદ્યાનું શિક્ષણ એમના ગુરુ દ્વારા પ્રાપ્ત થયું હતું. એકલવ્યએ માત્ર ગુરુની મૂર્તિ રાખીને જો આટલું જ્ઞાન મેળવ્યું તો એ ઋષિની ઊર્જા કેટલી હશે.શ્ચ આ વિશેષતાઓને ઉજાગર કરીને આપણે એ તરફ વળવાનું છે. પુરુષાર્થ સ્કૂલ ભાણવડમાં અને તપોવન ઘુમલીમાં એનાં પ્રયોગો થાય છે અને એના માટે સામે પુરે તરવાની ત્રેવડ હોવી જોઈએ.  તપોવનના નિયામકશ્રી ભીમસીભાઈ એમની સહયોગી ટીમ સાથે આ ક્ષેત્રમાં જબરુંકામ કરી રહ્યા છે.સમણજીએ કોલેજના ૭૫ વિદ્યાર્થીઓ અને રોટરી કલબના સભ્યો વચ્ચે પાંચ બળ શરીર બળ, જીજ્ઞાસા બળ, મનોબળ, નૈતિક બળ અને પ્રયોગ બળની વિસ્તારથી ચર્ચા કરી હતી અને ત્રણ મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો. એકૅં ભાર વગરના ભણતરની સમસ્યા નથી, સ્કિલ વગરના ભણતરની સમસ્યા છે. બે સફળતાની ટ્રેનિંગ અપાય છે પણ નિષ્ફળતા પચાવવાની ટ્રેનિંગ નથી. ત્રણ શિક્ષણના કેન્દ્રમાં લક્ષ્મી નહી, સરસ્વતીની સાધના હોવી જોઈએ.

આ પ્રસંગે ભીમસીભાઇએ તપોવન સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે અને ઇતિહાસવિદ નરોત્તમ પલાણ દાદાએ ઘુમલીનાં મંદિરોનો ઈતિહાસ વિશે સૌને માહિતગાર કર્યા હતા. રોટરી કલબ દ્વારા સૌ મહેમાનોનું સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું હતું.

(4:28 pm IST)