Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

મવડી પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં સિમંત પ્રસંગમાં મારામારીઃ સગર્ભા નિરલને માતા-બહેને ફટકારી

ખોળા ભરતમાં સગર્ભાને પહેલુ પગલુ કોણ પડાવે એ રિવાજ મામલે બોલાચાલી : સામે સગર્ભાની બહેન કોમલ પોતાને બનેવીએ રવિ સરવૈયાએ માર માર્યાની રાવ સાથે હોસ્‍પિટલમાં પહોંચીઃ

રાજકોટ તા. ૭: મવડી મેઇન રોડ પર ઇન્‍દ્રપ્રસ્‍થ હોલ પાછળ આવેલી વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં સિમંત પ્રસંગમાં સગર્ભાને તેના જ માતા અને બહેને ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થવું પડયું હતું. સામે સગર્ભાની બહેન પણ પોતાના પર બનેવીએ હુમલો કર્યાની રાવ સાથે હોસ્‍પિટલમાં પહોંચી હતી. સિમંતમાં સગર્ભાને પહેલુ પગલુ કોણ પડાવે? એ રિવાજ મુદ્દે બોલાચાલી બાદ મારામારી થઇ પડી હતી.

જાણવા મળ્‍યા મુજબ મવડી ચોકડી ખોડિયાર એપાર્ટમેન્‍ટમાં રહેતી નિરલબેન રવિભાઇ સરવૈયા (ઉ.વ.૨૪)નો આજે મવડી પ્રજાપતિ સમાજની વાડીમાં સિમંત પ્રસંગ હોઇ તેના માતા બહેન કોમલબેન સુરેશભાઇ છાંયા (ઉ.૨૮-રહે. અંજલી પાર્ક ગાંધીગ્રામ), માતા ચંદ્રીકાબેન જગદીશભાઇ ટીંબડીયા (રહે. મારૂતિનગર ૪૦ ફુટ રોડ) સહિતના માવતર પક્ષના લોકો આવ્‍યા હતાં. સગર્ભા નિરલબેનને પગલા પાડવાના હોઇ પહેલુ પગલુ માવતર પક્ષવાળા પડાવે એ રિવાજ મામલે બોલાચાલી થતાં મારામાર થઇ પડી હતી. જેમાં નિરલબેનને માતા અને બહેને માર મારતાં સારવાર માટે દાખલ થઇ હતી.

સામે સગર્ભા નિરલબેનની બહેન કોમલબેન છાયા પણ પોતાને બનેવી રવિએ મારકુટ કર્યાની રાવ સાથે હોસ્‍પિટલમાં પહોંચતા હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.  નિરલબેન અને રવિએ સાડા ચાર વર્ષ પહેલા લવમેરેજ કર્યા હોઇ નિરલબેનના માવતર નારાજ હતાં. થોડા દિવસ પહેલા જ સમાધાન થયું હોઇ આજે માતવર પક્ષના લોકો સિમંતમાં આવ્‍યા હતાં અને રિવાજ બાબતે ચડભડ બાદ મારામારી થઇ હોવાનું જણાવાયું હતું. નિરલબેનના પતિ રવિ સરવૈયા ડાયનીંગ હોલ ચલાવે છે. પોલીસ ઘટના સ્‍થળેથી જ રવિને પુછતાછ માટે પોલીસ સ્‍ટેશને લઇ ગઇ હતી. 

(3:53 pm IST)