Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ અંતર્ગત ‘વિરાટ મહિલા સંમેલન': નારી શકિતની અદ્દભુત પ્રસ્‍તુતિ

પ.પૂ.પ્રમુખસ્‍વામીના જીવન પર વિડીયો શોઃ બાલિકાઓ દ્વારા ટિટોડી સંવાદનૃત્‍ય દ્વારા ‘સંઘશકિત'નો સંદેશ રજૂ

 રાજકોટઃ શહેરમા રેસકોર્સ ખાતે માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ નિમિતે મહિલા દિનની ઉજવણી ધામધૂમથી કરવામા આવી હતી. ૯૫ વર્ષની જીવનયાત્રા દરમ્‍યાન જેમની દરેક ક્ષણ દિવ્‍ય અને કલ્‍યાણકારી રહી છે તેવા પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજના જન્‍મ શતાબ્‍દી મહોત્‍સવના ઉદ્‌ઘોષ માટેના મહિલા સંમેલન ઉત્‍સવમા રાજકોટના તમામ બાલિકા, યુવતી અને મહિલા હરિભક્‍તો વિશાળ મહોત્‍સવ રૂપી ગગનમાં પાંખ ફેલાવી સેવા કરવા સજ્જ બન્‍યા હતા.

છેલ્લા દોઢ મહિનાથી રાજકોટ ઝોનની ૨૪૫ થી વધુ બાલિકાઓ, યુવતીઓ, મહિલાઓ  વિવિધ કાર્યક્રમોની તૈયારીઓમાં ઓત-પ્રોત બની રહી હતી. આ વિરાટ મહિલા સંમેલનની કોરિયોગ્રાફી ‘‘તાંડવ'' નર્તન ઇનસ્‍ટિટ્‍યૂટ ઓફ ક્‍લાસિકલ ડાન્‍સ, રાજકોટ સંસ્‍થાના સંસ્‍થાપક શ્રી જીજ્ઞેશભાઈ સુરાણી, સહ સંસ્‍થાપક કુ.ક્રિષ્‍ના સુરાણી તેમજ સંસ્‍થાના નૃત્‍ય શિક્ષક કુ.દીપિકા પરમાર, દીર્દ્યા ઝાલા હિંગળાજીયા, અને ક્રિષ્‍નાભાઈ હિંગળાજીયા દ્વારા થયેલી હતી.

 વિરાટ મહિલા સંમેલનની શરૂઆત ‘આપણા સાચા સ્‍વજન  પ્રમુખસ્‍વામી મહારાજ' વિષય અંતર્ગત જયનાદ, ધૂન-પ્રાર્થના, તેમજ મંગલાચરણ અને સ્‍વાગત નૃત્‍ય દ્વારા કરવામા આવી હતી.  નીમાબેન આચાર્ય (વિધાનસભા અધ્‍યક્ષ), ડો.દર્શિતાબેન શાહ (ડેપ્‍યુટી મેયર), રેખાબેન મોઢા ( હરિભકત), શ્રીમતી કાદમ્‍બરીદેવી જાડેજા (રાજકોટ રાણીબાસાહેબ), બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા (પૂર્વ ધારાસભ્‍ય), તથા રક્ષાબેન બોળિયા (પૂર્વ મેયર), ગાયત્રીબેન વાઘેલા (કોંગ્રેસ અગ્રણી), જસુમતીબેન વાસાણી (પૂર્વ ડેપ્‍યુટી મેયર), ભગવતીબેન રૈયાણી (કેબિનેટ મંત્રી અરવિંદભાઈ રૈયાણીના પત્‍ની) વગેરેનું સન્‍માન દિપપ્રાગટ્‍ય બાદ કરવામા આવ્‍યુ હતુ. મહોત્‍સવના યજમાન  શ્રદ્ધાબેન પંડ્‍યા, નિશાબેન કાલરીયા તથા મધ્‍યસ્‍થ કાર્યાલયથી કિશોરીબેન ત્રિવેદી, દક્ષાબેન પીઠવા, ઇલાબેન પટેલ, નિરંજનાબેન બ્રહ્મભટ્ટ તથા પ્રતિમાબેન પટેલ પણ ઉપસ્‍થિત રહયા હતા.

પ્રમુખસ્‍વામી મહારાજના જીવન પરના અદ્‌ભુત વિડિયો શો બાદ બાલિકાઓ દ્વારા ટિટોડી સંવાદનૃત્‍ય દ્વારા ‘સંઘશકિત'નો અમૂલ્‍ય સંદેશ પાઠવવામા આવ્‍યો હતો. ત્‍યાર બાદ વિધાનસભા અધ્‍યક્ષ નીમાંબેન આચાર્ય એ ધાર્મિક વકતવ્‍યક્‍નો લાભ આપ્‍યો હતો. મહિલાઓ દ્વારા થતી વિવિધ પ્રવૃતિઓને રજૂ કરતાં વિડીયો શો બાદ ભવ્‍ય સંવાદની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી. ઈલાબેન પટેલ દ્વારા ‘સાચા સ્‍વજન પ્રમુખસ્‍વામી મહારાજ'પર આહલાદક પ્રવચનનો લાભ મળ્‍યો હતો. ‘મહંતસ્‍વામી મહારાજ' પર વિડિઓ શો, ‘શ્રીજી પ્રગટ છે રે...' એ કીર્તન પર પ્રેમવતી રાસ, શતાબ્‍દી સંદેશનો ઉદધોષ તથા આભારવિધિનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિરાટ મહિલા સંમેલનના અંતભાગમાં ૧૦૦ યુવતીઓ દ્વારા ભવ્‍ય ગ્રાન્‍ડ શો નૃત્‍યની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી.

(3:58 pm IST)