Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

અખિલ હિન્‍દ મહિલા પરિષદ દ્વારા ‘‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ'' કાર્યશાળાઃ પર્યાવરણ શુધ્‍ધિ યજ્ઞ

રાજકોટઃ વિશ્‍વ પર્યાવરણ દિન નિમિતે અખિલ હિન્‍દ મહિલા પરિષદ તેમજ આત્‍મજાવૃંદના સંયુકત ઉપક્રમે પર્યાવરણ રક્ષા હેતુ મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી એવો બે દિવસીય બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ વસ્‍તુઓ બનાવતા શીખવવાની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આર્થિક પછાત વિસ્‍તારથી લઇ અને સુશિક્ષિત અને સંપન્‍ન પરિવારની બહેનોએ ખૂબ ઉત્‍સાહપૂર્વક આ અર્થપૂર્ણ કાર્યશાળામાં ભાગ લીધો હતો. અખિલ હિન્‍દ મહિલા પરિષદના અધ્‍યક્ષ ડોકટર શ્રીમતિ ભાવનાબેન જોશીપુરાના માર્ગદર્શન અંતર્ગત આત્‍મજાવૃંદના સંવાહિકા શ્રીમતિ પારૂલબેન દેસાઇ દ્વારા તૈયાર કરાયેલ ઘરમાં વપરાયેલી નકામી ચિજવસ્‍તુઓને ફેંકીને પ્રદુષણ ફેલાવવાને બદલે તેનો ફરી ઉપયોગ કરવાનો હેતુ ધ્‍યાનમાં લઇને ભાવનાબેન માણાવદરીયાએ ખોખામાંથી સુર્યકુકર તેમજ સીડીમાંથી મોબાઇલ સ્‍ટેન્‍ડ અને પારૂલબેન દેસાઇએ પ્‍લાસ્‍ટીક ઝબલામાંથી પર્સ અને ઢીંગલી તેમજ લીંબુની વપરાયેલી છાલમાંથી બાયો એન્‍ઝાઇમ્‍સ (ફલોર કલીનર) બનાવતા શીખવવામાં આવ્‍યા હતા. બે દિવસ ચાલેલી બાદ તૈયાર થયેલ ચિજવસ્‍તુઓનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું. આત્‍મજાવૃંદના પલ્લવીબેન દેસાઇએ વહીવટી કાર્યવાહી સંભાળેલ તેમજ અખિલ હિન્‍દ મહિલા પરિષદની સમગ્ર પ્રકલ્‍પ ઇન્‍ચાર્જ બહેનોએ કામગીરી સંભાળી આયોજનને સફળ બનાવ્‍યું હતું. પ્રકલ્‍પના સમાપન સમારોહમાં પર્યાવરણ દિન નિમિતે સાંજે વૈદિક મંત્રોચ્‍ચાર સાથે વાતાવરણ શુધ્‍ધિ હેતુ વિવિધ એવા ચોવીસ જેટલા ઓષડીયા સાથે ઔષધીય યજ્ઞનું આયોજન અખિલ હિન્‍દ મહિલા પરિષદ સંચાલિત રમણીક કુંવરબા વૃધ્‍ધાશ્રમ ખાતે વાણી સત્‍સંગના માર્ગદર્શન હેઠળ રોગ નિવારણ મંત્રના ઉચ્‍ચારણથી વાતાવરણને શુધ્‍ધ, પવિત્ર અને નિરામયી બની રહ્યું. આ યજ્ઞમાં વરિષ્‍ઠ શિક્ષણવિદ ડો. કમલેશભાઇ જોશીપુરા અને ડો. ભાવનાબેન જોશીપુરા દંપતિએ વડીલોના સ્‍થાસ્‍થ્‍ય અને સુખાકારીના હેતુને કેન્‍દ્રમાં રાખી અને યજ્ઞમાં ઔષધીય વસ્‍તુઓની આહુતિઓ આપી પોતાની લગ્નતિથિ ઉજવી હતી. આ પ્રસંગે રમણીક કુંવરબા વૃધ્‍ધાશ્રમ નિવાસી માતા-પિતાઓએ ઉત્‍સાહભેર ભાગ લઇ અને દિવ્‍ય અનુભુતિ મેળવી હતી. કાર્યક્રમમાં પ્રવિણાબેન જોષી, આશાબેન મદલાણી, જાગૃતિબેન ખીમાણી, વંદિતાબેન પટેલ, કોમલબેન કપાસી, અરૂણાબેન ભુત અને ચિરાગભાઇ ધામેચા ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:31 pm IST)