Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કર્ફયુ ભંગમાં અટકાવતાં સાગર બાઇક લઇને ભાગ્યો, પછી પત્નિ-પિતા અને સસરા સાથે મળી હોમગાર્ડ જવાનને ગડદા પાટુ માર્યા!

આકાશવાણી ચોકમાંથી ભાગેલા સાગરનો હોમગાર્ડ મહિપાલસિંહે શિલ્પન ઓનેક્ષ સુધી પીછો કરી પકડી લીધોઃ ત્યાં તેના પરિવારજનો આવી ગયાઃ કર્ફયુ ભંગનો ગુનો નહિ નોંધવાનું કહી ધમાલ મચાવીઃ ચારેયની અટકાયત : દૂર્ગા શકિત ટીમના બે મહિલા કોન્સ્ટેબલે પહોંચી હોમગાર્ડ જવાનને વધુ મારથી બચાવ્યા : રૈયા ગામના સાગર રાઠોડ, તેના પિતા મનજીભાઇ, સસરા મનસુખભાઇ અને પત્નિ જાસ્મીન સામે ફરજમાં રૂકાવટનો ગુનો

રાજકોટ તા. ૭: કોરોના સંદર્ભે રાત્રી કર્ફયુનો અમલ કરાવતી વખતે પોલીસને ઘણીવાર લોકો સાથે માથાકુટ થતી હોય છે. રાત્રીના સાડા દસકે આકાશવાણી ચોકમાંથી બાઇક પર નીકળેલા શખ્સને હોમગાર્ડ જવાને ઉભો રાખતાં તે બાઇક લઇને ભાગતાં તેનો છેક ગંગોત્રી પાર્ક થઇ શિલ્પન ઓનેક્ષ સુધી પીછો કરી પકડી લઇ કર્ફયુ ભંગની કાર્યવાહીની તજવીજ કરી  એટલી વારમાં આ શખ્સના પિતા, સસરા અને પત્નિ આવી જતાં ચારેયએ મળી હોમગાર્ડ જવાનને ગાળો ભાંડી ગડદાપાટા મારતાં ચારેય સામે કાર્યવાહી થઇ છે. માથાકુટ ચાલુ હતી ત્યાં દૂર્ગાશકિત ટીમના બે મહિલા કોન્સ્ટેબલ આવી જતાં હોમગાર્ડ જવાનને છોડાવ્યા હતાં.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે આ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં મહિપાલસિંહ સબળસિંહ જાડેજાની ફરિયાદ પરથી રૈયા ગામ ખોડિયાર માતાજીના મંદિર સામે રહેતાં સારગ મનજીભાઇ રાઠોડ, મનજીભાઇ, મનસુખભાઇ અને જાસ્મીનબેન સામે આઇપીસી ૧૮૮, ૧૮૬, ૩૩૨, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

મહિપાલસિંહે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે મંગળવારે ૬/૭ના રાતે દસ વાગ્યાથી હું તથા હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. બળભદ્રસિંહ જાડેજા, જેન્તીગીરી ગોસ્વામી તથા હોમગાર્ડ સોૈરવ ડાભી સાથે યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક ખાતે કોરોના વાયરસ સંદર્ભે વાહન ચેકીંગમાં અને લોકો કર્ફયુનું પાલન કરે તે માટેની કાર્યવાહી કરવા ફરજ પર હતાં.

મારી નોકરી રાતના દસથી સવારના છ સુધીની હતી. આ સમય દરમિયાન કર્ફયુ હોઇ અને જાહેર જનતાને અવર-જવર કરવા પર પ્રતિબંધ હોઇ રાતે સાડા દસેક વાગ્યે એક શખ્સ બાઇક લઇને નીકળતાં તેને અટકાવી કર્ફયુમાં નીકળવાનું કારણ પુછતાં તે ત્યાંથી ભાગવા માંડ્યો હતો. તેને ઉભા રહેવાનું કહેવા છતાં ઉભો ન રહેતાં અમે પકડવા માટે પાછળ જતાં તે ગંગોત્રી પાર્ક મેઇન રોડ તરફ ભાગ્યો હતો. રસ્તામાં તેણે ફોન કરી પોતાના સગાને પોતે આ રસ્તેથી આવી રહ્યાની અને પોલીસ પાછળ હોવાની જાણ પણ કરી દીધી હશે.

દરમિયાન એ શખ્સ શિલ્પન ઓનેક્ષ બીલ્ડીંગ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં તેને પીછો કરી પકડી લીધો હતો અને તેનું નામ પુછતાં તેણે સાગર મનજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૦-રહે. રૈયા ગામ ખોડિયાર માતાજીના મંદિર પાસે) જણાવ્યું હતું.

એ પછી આ યુવાનના પરિવારજનો આવી ગયા હતાં અને બોલાચાલી કરવા માંડ્યા હતાં. મેં તેઓને કર્ફયુ ભંગ કર્યો હોઇ કાર્યવાહી બાદ તેને જવા દેવામાં આવશે, તેને પોલીસ સ્ટેશને લઇ જવો પડશે તેમ કહેતાં સાગર અને તેના પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતાં અને ગાળાગાળી ઝપાઝપી કરવા માંડ્યા હતાં. મને આ લોકોએ મોઢા તથા શરીરે ગડદાપાટુ માર્યા હતાં.

એ દરમિયાન દુર્ગાશકિત ટીમના કોન્સ. મોનાબેન અને શિલ્પાબેન આવી જતાં સાગર અને તેના કુટુંબીજનોને પકડી લીધા હતાં અને મને વધુ મારથી છોડાવ્યો હતો.  મારી સાથે માથાકુટ કરનારાઓમાં સાગર સાથે તેના પિતા મનજીભાઇ, તેના સસરા મનસુખભાઇ અને પત્નિ જાસ્મીન હતાં. આ લોકોને સરકારી વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશને લાવી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ હેડકોન્સ. વાય.આર. ઝાલાએ હાથ ધરી છે.

(1:06 pm IST)