Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કોઇની શેહ-શરમ રાખ્યા વગર ૪૮ રાજમાર્ગોના દબાણો દૂર કરવા તંત્રને તાકીદ

એન્ક્રોન્ચમેન્ટ સાથે બેઠક યોજી અને રસ્તા પરના દબાણો દૂર કરવા કડક સુચના આપતા સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ તથા એસ્ટેટ ચેરમેન દિલીપ લુણાગરિયા

રાજકોટ,તા. ૭ : શહેરનાં ૪૮ રાજમાર્ગો પર રેકડી -પાથરણાવાળાઓના દબાણોથી મુકત રાખવા જાહેરનામુ વર્ષોથી અમલમાં છે. ત્યારે હવે ફરી આ રાજમાર્ગો પર રેકડી -પાથરણાવાળાઓના દબાણો થવા લાગ્યા હોય. સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ અને એસ્ટેટ વિભાગના ચેરમેન દિલીપભાઇ લુણાગરિયાએ મ.ન.પા.ના એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસરો સાથે બેઠક યોજી આ તમામ રાજમાર્ગો પરથી રેકડી-કેબીનો -પાથરણાઓના દબાણો દૂર કરવા કડક શબ્દોમાં સુચનાઓ આપી હતી.

આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે શહેરની જયુબેલી શાક માર્કેટ, યુનિવર્સિટી રોડ, પરાબજાર, મોચી બજાર, ૧૫૦ રીંગ રોડ, રૈયા રોડ, મવડી મેઇન રોડ, વગેરે મુખ્ય રાજમાર્ગો પર રેકડી-કેબીનો અને ખાસ કરીને પાથરણાવાળાઓનું દબાણ અનહદ રીતે વધ્યું હોય ટ્રાફિક જામની ફરિયાદો મળી રહી છે. આથી એસ્ટેટ વિભાગમાં રાજમાર્ગો પરથી દબાણો દૂર કરવા ખાસ ભરતી કરાવેલા એન્ક્રોચમેન્ટ રીમૂવલ ઓફીસરોની બેઠક યોજી અને તમામ ઓફીસરોનો કડક સુચનાઓ અપાઇ હતી.

જેમાં દબાણમુકત રાખવા જે ૪૮ રાજમાર્ગો જાહેર કરાયા છે તે તમામ રાજમાર્ગો પર દરરોજ પેટ્રોલીંગ કરવા અને રસ્તા પર નડતર રૂપ હોય તેવી રેકડી-કેબીનો અને પાથરણા વાળાના દબાણો કોઇની શેહ-શરમ રાખ્યા વગર દૂર કરવા સૂચના અપાઇ છે.

 જે ફેરિયાઓ રસ્તા વચ્ચે દબાણ કરીને તેવા ફેરિયાઓને સૌપ્રથમ દબાણ દૂર કરવા તાકિદ કરતી નોટીસો આપવા. અને તેમ છતાં દબાણ દૂર ન કરે તો પછી માલ -સામાન જપ્ત કરવા સૂચનાઓ અપાઇ છે.

ઉપરાંત જે વિસ્તારોમાં હોકર્સ ઝોન છે. તેવા વિસ્તારોમાં હોકર્સની બહાર ઉભા રહેતા રેકડી -પાથરણા વાળાઓને હોકર્સ ઝોનમાં ઉભા રહેવા સુચનાઓ આપવા પણ તાકીદ કરાયેલ.

આમ ૪૮ રાજમાર્ગોને દબાણ મુકત કરવા સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ તથા એસ્ટેટ ચેરમેન દિલીપભાઇ ગુણાગરિયાએ કટીબધ્ધતા દર્શાવી અને રાજમાર્ગો પર દબાણકર્તા રેકડી-પાથરણાવાળાઓ ઉપર તુટી પડવા તેમજ દબાણો દૂર કરવાની કામગીરી અંગેનો રોજે રોજનો રિપોર્ટ આપવા સૂચનાઓ અપાઇ હતી.

(3:56 pm IST)