Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રાજકોટમાં બપોરે ૨ વાગ્‍યા સુધીમાં એક ઈંચ : સાંજે પણ મોંઘેરા મહેમાન પધારશે?

સવારે સૂર્યનારાયણે દર્શન દીધા બાદ બપોરથી સતત હળવા - ભારે ઝાપટાનો દોર ચાલુ : રસ્‍તાઓ પાણી - પાણી : હવામાન ખાતામાં એક ઈંચ, જયારે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ફલડ કંટ્રોલ રૂમમાં અડધા થી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે : રાજકોટ ચોકડી થી ગોંડલ સુધી ધોધમાર વરસાદ

રાજકોટ, તા. ૭ : સૌરાષ્‍ટ્રભરમાં અને ખાસ કરીને દરિયાઈપટ્ટીના વિસ્‍તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. હવામાન ખાતાએ પણ આગામી રવિવાર સુધી રાજયભરમાં હળવા થી મધ્‍યમ તો કોઈ જગ્‍યાએ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે રાજકોટ શહેરમાં પણ સતત મેઘાવી માહોલ જોવા મળે છે.

આ લખાય છે ત્‍યારે બપોરે ૨:૩૦ વાગ્‍યા સુધીમાં રાજકોટ શહેરમાં હવામાન ખાતામાં નોંધાયેલ આંકડા મુજબ એક ઈંચ જયારે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના આંકડાઓ મુજબ અડધા થી પોણો ઈંચ વરસી ગયો છે.

સવારે સૂર્યનારાયણના દર્શન દીધા બાદ ૧૧:૩૦ની આસપાસ ફરી મેઘાવી માહોલ જોવા મળ્‍યો છે. હળવા - ભારે ઝાપટાનો સતત દોર ચાલુ જ છે.

રાજકોટ શહેરમાં સામાન્‍ય વરસાદમાં પણ જાહેર માર્ગો ઉપર પાણી ભરાઈ જતાં જોવા મળે છે. જેના લીધે અનેક વાહન ચાલકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડતો હોય છે. તંત્ર દ્વારા પાણી નિકાલની વ્‍યવસ્‍થા કરવી ખૂબ જરૂરી છે. આજે સાંજે પણ મેઘરાજા ફરી જમાવટ કરે તેવી સંભાવના છે.

ઉપરોકત તસ્‍વીરોમાં વરસાદના કારણે માર્ગો ઉપર પાણી ભરાયેલા જોવા મળે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:36 pm IST)