Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

૬ કરોડના ખર્ચે નવા રંગરૂપ ધારણ કરતું હેમુ ગઢવી નાટયગૃહ

રાજય સરકાર દ્વારા નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત નાટયગૃહમાં અનેક સુવિધાઓ વધારાઈ : નવી આરામદાયક ખુરશી મુકાઈ, મુખ્ય અને મીની એમ બંને થીયેટરમાં નવી કાર્પેટઃ નવી અદ્યતન સાઉન્ડ અને લાઈટ સીસ્ટમ્સઃ ટૂંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે ઉદ્દઘાટનઃ ગુણુભાઈ ડેલાવાળા

રાજકોટઃ અહિંના હેમુ ગઢવી નાટયગૃહે નવા રંગરૂપ ધારણ કર્યા છે. આ પ્રસંગે યોજાએલ પત્રકાર પરીષદમાં કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને સરગમ કલબના ચેરમેન વજુભાઈ વાળા, પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૭: માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં નાટ્ય મંચન કે પછી અન્ય કાર્યક્રમો માટે બધાનું માનીતું હેમુ ગઢવી નાટ્યગૃહે હવે નવા રંગરૂપ ધારણ કર્યા છે અને હવે ટૂંક સમયમાં અહી કાર્યક્રમો પણ શરૂ થઇ જશે. રાજય સરકાર દ્વારા નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત હેમુ ગઢવી નાટ્ય ગૃહનું આશરે ૬ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે અને હવે કલાકારો ઉપરાંત દર્શકોને વધુ સુવિધા સાથેનું નાટ્યગૃહ ઉપલબ્ધ બન્યું છે.આ અંગે વિશેષ માહિતી આપવા માટે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદના બોલતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈને આ નાટ્યગૃહ નમૂનારૂપ બને તે માટે સતત માર્ગદર્શન આપ્યું હતું અને આજે અમને આનંદ છે કે, આ નાટ્ય ગૃહ રાજકોટની કલા પ્રેમી જનતાની સેવા કરવા માટે તૈયાર છે.

ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, કોરોના અને નવીનીકરણની કામગીરીને કારણે હેમુ ગઢવી નાટ્યગૃહના બંને થીયેટર છેલ્લાં ૧૮ માસથી બંધ હતા પરંતુ હવે આ નવીનીકરણ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, મોટાભાગે તા. ૧૮ મી સપ્ટેમ્બરથી આ નાટ્યગૃહનું બુકિંગ શરૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, નવીનીકરણ પામેલા આ નાટ્યગૃહમાં આરામદાયક ખુરશીઓ નાખવામાં આવી છે એટલું જ નહી અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ નાખવામાં આવી છે. બંને થીયેટરમાં કાર્પેટ પણ બદલી નાખવામાં આવી છે. આ ઉપરાંત નવું કલરકામ, ગ્રીન રૂમમાં નવી સુવિધા, સ્ટેજ લાઈટ, એર કંડીશન સીસ્ટમ, એક્રોલીક વોલ પેનલિંગ અને એકોસ્ટિક સિલિંગ, સ્ટેજ ઉપર વુડન ફલોરિંગ, વોટર પ્રુફીંગ, નવી બુકિંગ ચેમ્બર, સહિતની અનેક નવી નવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

આ નવા અદ્યતન મેઈન થીયેટરનું ભાડું ૧૦ હજાર રૂપિયા અને ૨૦ હજાર રૂપિયા ડીપોઝીટ નકકી કરવામાં આવ્યા છે. આ જ રીતે મીની થીયેટરમાં ૪ હજાર રૂપિયા ભાડું અને ૧૨ હજાર રૂપિયા ડીપોઝીટ નકકી કરવામાં આવ્યા છે. ભાડા ઉપરાંત લેવાયેલી રકમમાંથી બિલ્ડીંગ જાળવણી, વીમો, હાઉસ ટેકસ, લાઈટ-એ.સી.ઓપરેટીંગ ચાર્જ, માઈક, જનરેટર ઓપરેટીંગ ચાર્જ, સિકયોરીટી ચાર્જ, વોટર ચાર્જ અને ગ્રાઉન્ડ ભાડું વસુલવામાં આવશે.

આ નાટ્યગૃહ માટે સવારે ૮ થી ૧, બપોરે ૨ થી ૭ અને રાત્રે ૮ થી ૧ એમ ત્રણ શિફ્ટ માટે ભાડે આપવામાં આવશે. બુકિંગનો સમય સવારે ૯ થી ૧ અને ૪ થી ૭ નો રહેશે. કોઈ પૂછપરછ માટે ફોન નંબર ૦૨૮૧-૨૪૬૫૯૯૪ ઉપર સંપર્ક કરવાનો રહેશે. જો કે, બુકિંગ ફોન ઉપર નહી કરવામાં આવે અને નિયત ફોર્મ ભર્યું હશે તેનું બુકિંગ જ માન્ય ગણવામાં આવશે.

આ નાટ્યગૃહમાં કાર્યક્રમ યોજવા ઈચ્છતા લોકોએ મંડપ, ડેકોરેશન અને કેટરિંગની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ વ્યવસ્થા હેમુ ગઢવી નાટ્યગૃહના સંચાલક દ્વારા કરવામાં આવતી નથી તેમ જણાવતા ગુણવંતભાઈએ ઉમેર્યું હતું કે, લાઈટ, સાઉન્ડની વ્યવસ્થા ઉપલબ્ધ છે પણ જો કોઈને વધારાની જરૂરિયાત હોય તો બહારથી વ્યવસ્થા કરવાની રહેશે. ગ્રાઉન્ડમાં જમણવાર માટે લાઈટની વ્યવસ્થા ઉપલબ્ધ નથી તેથી આ વ્યવસ્થા બુકિંગ કરનાર પાર્ટીએ કરવાની રહેશે. જો જનરેટર મગાવવાનું થાય તો બુકિંગ કરાવનારે પોતે તેની વ્યવસ્થા કરવાની રહેશે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સતત માર્ગદર્શન આપીને આ નવીનીકરણને અંતિમ રૂપ આપ્યું છે ત્યારે તેની યોગ્ય રીતે જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે. રાજય સરકારે સરગમ કલબને છેલ્લાં ૨૧ વર્ષથી આ નાટ્યગૃહનું સંચાલન સોપ્યું છે અને તાજેતરમાં જ વધારાના ૧૦ વર્ષ માટે રીન્યુ કરી આપ્યું છે ત્યારે સરગમ કલબ શહેરની કલાપ્રેમી અને જુદી જુદી સંસ્થાઓનો આભાર પણ માને છે.

આ નાટ્યગૃહનાં નવીનીકરણમાં રાજય સરકારના રમત ગમત અને યુવક સેવા સંસ્કૃતિક વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ ( આઇએએસ) ઉપરાંત યુવક સેવા વિભાગના કમિશનર પી.આર.જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે.વાઘેલા, જિલ્લા રમત ગમત અધિકારી વી.પી.જાડેજા, પી.ડબલ્યુ.ડી ( શહેર માર્ગ મકાન વિભાગ )ના કાર્યપાલક ઈજનેર નિતેશ કે.કામદાર, નાયબ કાર્યપાલક ઈજનેર રાજેશ્વરી નાયર, મદદનીશ ઈજનેર પારસ કોઠીયા, કાર્યપાલક ઈજનેર ( વિદ્યુત ) ડી.ડી.શેખલિયા, નાયબ કાર્યપાલક ઈજનેર ( વિદ્યુત ) ગૌરાંગ નાંઢા, મદદનીશ ઈજનેર પ્રતિક્ષા પટેલ અને યુથ બોર્ડના અધિકારી નયનભાઈ થોરાટ વગેરેએ સતત જહેમત ઉઠાવી હતી.આ નાટ્યગૃહના મેનેજર તરીકે ભરતભાઈ સોલંકી તથા રાજેન્દ્રભાઈ શેઠ ( ઇન્ચાર્જ) અને જયસુખભાઈ ડાભી ( સહ ઇન્ચાર્જ ) તરીકે સેવા આપશે. સંપૂર્ણ જવાબદારી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સંભાળશે.

આ પત્રકાર પરિષદમાં સરગમ કલબના ચેરમેન  વજુભાઈ વાળા સરગમ કલબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા (મો.૯૮૨૪૦ ૪૦૮૮૯) ઉપરાંત સરગમ પરિવારના ચેરમેન-માર્ગદર્શક વજુભાઈ વાળા, અરવિંદભાઈ દોમડીયા, મૌલેશભાઈ ઉકાણી. સ્મિતભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, ટ્રસ્ટીઓ ખોડીદાસભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, અરવિંદભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, વિનોદભાઈ પંજાબી, જયેશભાઈ વસા, શિવલાલભાઈ રામાણી ઉપરાંત નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, લલીતભાઈ રામજીયાની, કિરીટભાઈ આદ્રોજા, મનસુખભાઈ મકવાણા, રમેશભાઈ અકબરી, મનસુખભાઈ ધંધુકિયા, અલ્કાબેન કામદાર, છાયાબેન દવે મધુરિકાબેન જાડેજા, મિતેનભાઈ મહેતા, ગીતાબેન હિરાણી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ અને જયસુખભાઈ ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:04 pm IST)