Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

આજી વસાહત ખોડિયારપરાના બુટલેગર રાધેને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો

દારૂના સાત ગુનામાં સંડોવણીઃ ડીસીબી પોલીસે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૭: વધુ એક બુટલેગરને તળે જેલમાં ધકેલી દેવાયો છે. આજી વસાહત ખોડિયારપરા-૭માં રહેતાં જીતેન્દ્ર ઉર્ફ રાધે ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.૩૦)ને તાજેતરમાં ક્રાઇમ બ્રાંચે તેના ઘરેથી દારૂના જથ્થા સાથે પકડ્યો હતો. તેણે ઘરના ભોં ટાંકામાં બોટલો છુપાવી રાખી હતી. આ શખ્સની પાસા દરખાસ્ત મંજુર કરી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે તેને અમદાવાદ જેલહવાલે કરવા આદેશ કર્યો હતો.

જીતેન્દ્ર ઉર્ફ રાધે વિરૂધ્ધ અગાઉ રાજકોટ બી-ડિવીઝન, આજીડેમ, થોરાળામાં એક એક દારૂના ગુના અને શાપર વેરાવળ તથા રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં દારૂના બબ્બે મળી કુલ સાત ગુના નોંધાયા હતાં. આ શખ્સને પાસામાં ધકેલવાનો આદેશ થતાં ડીસીપી પીઆઇ વી. કે. ગઢવી, પીસીબી પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ, કોન્સ. મહેશભાઇ, શકિતસિંહ, સ્નેહભાઇ, કુલદિપસિંહ, પીસીબીના રાજુભાઇ દહેકવાલ અને ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્ટ બજવણી કરી હતી. આ શખ્સ અગાઉ ૨૦૧૨માં પણ પાસા તળે વડોદરા જેલની હવા ખાઇ ચુકયો હતો.

(11:37 am IST)