Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

બાઇકને બાઇકની ટક્કર લાગતાં બે મિત્રો ફંગોળાયાઃ ભાણવડના વરાડના કોૈશિકનું મોત

યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ નજીક રાત્રીના જીવલેણ અકસ્માત : માતા પિતાનો એકનો એક પુત્ર હતોઃ રાજકોટ રહી પરિક્ષાની તૈયારી કરતો હતોઃ પાડલીયા પરિવારમાં ગમગીનીઃ સાથેના મિત્ર કિશન લાડાણીનો નજીવી ઇજા સાથે બચાવ

રાજકોટ તા. ૬: રાત્રીના યુનિવર્સિટી રોડ પર સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સામેના રોડ પર એક બાઇકને બીજા બાઇકના ચાલકે ટક્કર મારતાં બે મિત્રો ફંગોળાઇ ગયા હતાં. જેમાં મુળ ભાણવડના વરાડ ગામના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથેના મિત્રનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

જાણવા મળ્યા મુજબ મુળ કેશોદના કેવદ્રા ગામનો વતની કિશન કાંતિભાઇ લાડાણી (પટેલ) (ઉ.વ.૨૪) હાલ રાજકોટ એફએસએલ કચેરી પાછળ ઋષીકેશ સોસાયટીમાં મકાન રાખી રહે છે અને મોબાઇલ ફોનનો ધંધો કરે છે. તે રાત્રીના સાડા દસેક વાગ્યે બાઇક નં. જીજે૦૩સીકે-૩૭૪૨માં મિત્ર કોૈશિક અરવિંદભાઇ પાડલીયા (ઉ.વ.૨૭-રહે. મુળ વરાડ તા. ભાણવડ) સાથે બેસીને જતો હતો ત્યારે રસ્તામાં આયુર્વેદિક હોસ્પિટલ નજીક રામવિજય ડેરી સામેના ડિવાઇડર પાસે અન્ય બાઇક જીજે૦૩એમએ-૩૭૪૨ના ચાલકે અકસ્માત સર્જતા બંને મિત્રો કિશન અને કોૈશિક ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અહિ સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત કોૈશિક પાડલીયાએ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તે માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. રાજકોટ રહી પરિક્ષાની તૈયારી કરવા સાથે છુટક કામ કરતો હતો. રાત્રે મિત્ર કિશનને મોબાઇલની દૂકાનેથી તેના ઘરે મુકવા જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. બાઇક કોૈશિક ચલાવી રહ્યો હતો.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ. બી. વોરા અને ભગીરથસિંહએ કિશન લાડાણીની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર બાઇક નં. જીજે૦૩એમએ-૩૭૪૨ના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. એકના એક આશાસ્પદ આધારસ્તંભ દિકરાના મોતથી પાડલીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(11:38 am IST)